જમ્મુ કશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાન વીરગતિ પામ્યા છે. આતંકીઓની વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈસ્લામિક આતંકી સંગઠન PFFએ આ હુમલાની જવાબદારી લીધી છે અને આ ઘટનાને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાનો બદલો ગણાવ્યો છે.
એક પોલીસ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે, કુલગામ જિલ્લામાં આવેલ હલાન જંગલના ઊંચા વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના પર સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. શુક્રવારે (4 ઓગસ્ટ) ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા ગોળીબાર થયો હોવાથી આ ઓપરેશન અથડામણમાં બદલાઈ ગયું હતું, જેમાં 3 જવાન ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં મોડી રાત્રે ત્રણેય જવાન હવાલદાર બાબુલાલ હરિતવાલ, મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા અને વસીમ સરવર વીરગતિને પ્રાપ્ત થયા હતા.
#ChinarCorps salutes the valour & sacrifice of Hav Babulal Haritwal, Sigmn Vala Mahipalsinh Pravinsinh & Rfn Waseem Sarwar of 34 Rashtriya Rifles, who laid down their life in the line of duty in Op Halan, #Kulgam in a firefight with terrorists on 04 Aug 23.#IndianArmy stands in…
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) August 5, 2023
શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, કુલગામના હલાનમાં આવેલા ઊંચા વિસ્તાર પર આતંકીઓ હોવાની જાણકારી પર સુરક્ષા બળો દ્વારા 4 ઓગસ્ટ 2023ના રોજ ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા, જેમને પછીથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. દેશભરમાંથી રાષ્ટ્ર સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ત્રણેય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
વીરગતિ પામેલા જવાનોમાંથી એક જવાન ગુજરાતના વતની હતા. મહિપાલસિંહ વાળા સિગ્નલ મેન તરીકે ફરજ બજાવતા હતા અને આતંકીઓ સામે લડતાં-લડતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. અન્ય એક જવાનની ઓળખ એક વસીમ ડાર તરીકે થઇ છે, જેઓ વર્ષ 2014માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તેઓ પોતાના વિસ્તારમાં ફૂટબોલના ખેલાડી તરીકે પ્રખ્યાત હતા. તેમના નિધનની જાણકારી મળતાં જ સ્થાનિકોમાં શોક વ્યાપી ગયો છે. 2021માં તેમનાં લગ્ન થયાં હતાં.