ડીસેમ્બર સુધીમાં TMC સુપડા-સાફ થઇ જશે એવો દાવો કર્યો છે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ, તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે ડિસેમ્બર પછી રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહેશે નહીં અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથેજ વર્ષ 2024માં યોજાશે. શુભેન્દુ અધિકારીએ પૂર્વ મેદિનીપુર જિલ્લાના તામલુક ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે “રાજ્યમાંથી તૃણમૂલ કોંગ્રેસ સરકારને હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ડીસેમ્બર સુધીમાં TMC સુપડા-સાફ થઇ જશે.”
‘#TMC in #WestBengal to fall before December’: BJP’s #SuvenduAdhikari makes BIG claimhttps://t.co/oJWSEvU4qD
— DNA (@dna) August 10, 2022
‘ટીએમસી સત્તામાં નહીં આવે’
મીડિયા અહેવાલો મુજબ શુભેન્દુ અધિકારીએ આત્મવિશ્વાસથી કહ્યું હતું કે, ‘થોડા મહિના રાહ જુઓ, આ તૃણમૂલ કોંગ્રેસની સરકાર પશ્ચિમ બંગાળમાં સત્તામાં નહીં હોય. મારા શબ્દોની ગાંઠ મારી લો, પશ્ચિમ બંગાળમાં આ વર્ષે ડિસેમ્બર સુધી તૃણમૂલ સરકાર સત્તામાં નહીં હોય.”
મીડિયા અહેવાલો પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓમાં શુભેન્દુએ વારંવાર દાવાઓ કર્યા છે કે વિરોધ પક્ષો દ્વારા શાસિત ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિનું નિર્માણ થશે, અને સત્તા પલટાની ઘટમાળ જોવા મળશે, મહારાષ્ટ્રની જેમ તમામ જગ્યાએ સરકારો પડી ભાંગશે
ટીએમસીની પ્રતિક્રિયા
શુભેન્દુ અધિકારીની ટિપ્પણી પર તૃણમૂલ કોંગ્રેસે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. રાજ્ય સરકારના મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું, “જો શુભેન્દુ અધિકારી ઘટનાઓની આગાહી કરી શકે છે, તો તે બિહારમાં તાજેતરના રાજકીય વિકાસની આગાહી કેમ કરી શક્યા નથી અથવા તેને અટકાવી શકતા નથી? એવું લાગે છે કે રાજકારણમાં નિરાશ થઈને શુભેન્દુ અધિકારીએ જ્યોતિષ વિદ્યાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ બની શકે શુભેન્દુ
સમરાંગણના અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયા અઠવાડિયે દિલ્હીમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજમુદાર સાથે અલગ-અલગ બેઠક કરી હતી. ગુરુવારે શુભેન્દુને ફરીથી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ત્યારથી રાજ્ય ભાજપમાં સંગઠનાત્મક ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર જો સંગઠનમાં ફેરબદલ થશે તો શુભેન્દુ અધિકારીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં બાલુરઘાટના ધારાસભ્ય અશોક લાહિરીને વિપક્ષના નેતા બનાવવાની ચર્ચા છે. સુકાંત મજુમદારને સંસદીય દળની કોઈપણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.