Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રિમ કોર્ટના વિશ્વાસનો મત લેવાના ચુકાદાનો અમલ કરવા પહેલાં જ ઉદ્ધવ ઠાકરે...

    સુપ્રિમ કોર્ટના વિશ્વાસનો મત લેવાના ચુકાદાનો અમલ કરવા પહેલાં જ ઉદ્ધવ ઠાકરે ભાગ્યા! મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું

    મહરાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામમાં આજે સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રથમ ચૂકાદો આપવામાં આવ્યો હતો જે મુજબ આવતીકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા ઉદ્ધવ સરકારને જે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો તેને સ્વીકાર્યો હતો.

    - Advertisement -

    અડધા કલાક અગાઉ જ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા જેમાં ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી સરકારને દસ દિવસ ચાલેલા મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ બાદ આવતીકાલે રાજ્યપાલ દ્વારા આદેશ કર્યા અનુસાર વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાનું કહેવામાં આવ્યું હતું. આ ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરે જેઓ અઠવાડિયા અગાઉ પોતાની સાથે વિદ્રોહી શિંદે જૂથના વીસ જેટલા ધારાસભ્યો પોતાના પક્ષમાં હોવાનો દાવો કરતા હતા તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.

    તેમણે કહ્યું હતું કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ છે અને કોની પાસે કેટલા ધારાસભ્યો છે તે જાણવાની મને કોઈજ ઈચ્છા નથી. હું આવનારી સરકારને સમર્થન આપવા માટે તૈયાર છું. મને મુખ્યમંત્રી પદની કોઈજ ચિંતા નથી, મારે મુખ્યમંત્રી બનવું હતું કે નહોતું બનવું એ તમામને ખબર જ છે અને હું રાજીનામું આપું છું. ઉદ્ધવે પોતાની વિધાન પરિષદની બેઠક પણ છોડી દીધી છે.

    આ અગાઉ સાંજે ઠાકરેએ મુંબઈ સ્થિત મંત્રાલય ખાતે કેબિનેટની અંતિમ બેઠકને સંબોધન કર્યું હતું અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર તેમજ ઓસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા જેવા નિર્ણયો લીધા હતા. બીજી તરફ આ સમાચાર સાંભળીને ભાજપ કેમ્પમાં ખુશાલી છવાઈ ગઈ હતી અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત દાદા પાટીલને કાર્યકર્તાઓએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

    - Advertisement -

    સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામ અંગે આજે એક મહત્વનો ચૂકાદો આપતા મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આવતીકાલે ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારને બહુમત સાબિત કરવાના આદેશને સ્વીકાર્યો છે. આજે લગભગ સાડાત્રણ કલાક સુધી સુપ્રિમ કોર્ટમાં આ અંગે શિવસેના અને મહા વિકાસ આઘાડી વતી અભિષેક મનુ સિંઘવી અને એકનાથ શિંદે જૂથ તરફથી નીરજ કૌલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે હમણાં રાત્રે બરોબર નવને દસ વાગ્યે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

    આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જેલમાં રહેલા બે ધારાસભ્યો એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખને આવતીકાલના વિશ્વાસના મતમાં મત આપવાની છૂટ આપી હતી.

    મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી દ્વારા મહા વિકાસ આઘાડી સરકાર અને ઉદ્ધવ ઠાકરેને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. ગવર્નરના આ આદેશ વિરુદ્ધ મહા વિકાસ આઘાડી સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. આઘાડી તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી.

    સિંઘવીએ દલીલ કરી હતી કે વિધાનસભાના અમુક સભ્યોને કોરોના છે તો બે સભ્યો જેલમાં છે અને કોંગ્રેસના બે સભ્યો વિદેશમાં છે આવામાં બહુમતિ સાબિત કરવામાં તકલીફ થશે. આ ઉપરાંત અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રાજ્યપાલે મુખ્યમંત્રીને વધુ સમય આપ્યો ન હતો. ઉદ્ધવ સરકારની સુપ્રિમ કોર્ટમાં મુખ્ય દલીલ એ હતી કે જ્યારે સુપ્રિમ કોર્ટે વિદ્રોહી ધારાસભ્યોની અયોગ્યતા વિષેનો કેસ 11 જુલાઈ સુધી મુલતવી રાખ્યો છે અને તે દિવસે તેનો ચૂકાદો પણ આવવાનો છે તો આ સમય દરમ્યાન મુખ્યમંત્રીને રાજ્યપાલ કેવી રીતે બહુમત સાબિત કરવા કહી શકે? સુપ્રિમ કોર્ટે આ દલીલ વિષે એમ સતત પૂછ્યું હતું કે આ બંને વચ્ચે શું સંબંધ છે?

    આ સમગ્ર દલીલ દરમ્યાન અભિષેક મનુ સિંઘવીએ રાજ્યપાલની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે શું એકનાથ શિંદેનું જૂથ 11 જુલાઈ સુધી રાહ નહોતું જોવાનું? રાજ્યપાલે સરકારને બહુમતિ સાબિત કરવા માટે ઉતાવળ કરી છે. સુપ્રિમ કોર્ટે વળતો પ્રશ્ન કર્યો હતો કે જો રાજ્યપાલે બહુમતિ સાબિત કરવાનું કહ્યું છે તો એમાં ખોટું શું છે?

    સિંઘવીએ દલીલ કરતા કોર્ટને પૂછ્યું હતું કે બંને જૂથના બે-બે દંડક (વ્હીપ) છે તો કયા વ્હીપનો આદેશ વિધાનસભ્યો માનશે? ન્યાય ત્યારે જ થશે જો ડેપ્યુટી સ્પિકરને વિદ્રોહી ધારાસભ્યો પર નિર્ણય લેવાની છૂટ મળે અથવાતો બહુમત સાબિત કરવા માટે 11 જુલાઈની રાહ જોવામાં આવે.

    શિંદે જૂથના વકીલ નીરજ કૌલ દ્વારા કરવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું હતું કે ડેપ્યુટી સ્પિકરની ન્યાય કરવાની શક્તિ પર શંકા છે. તેમણે આ પ્રકારના કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ ટાંક્યા હતા. સુપ્રિમ કોર્ટે પણ નોંધ્યું હતું કે જ્યારે કોઈ મુખ્યમંત્રી બહુમત સાબિત કરવા માટે ખંચકાટ અનુભવતો હોય ત્યારે પ્રથમદર્શી રીતે તેની પાસે બહુમત નથી એમ માની લેવું પડે છે.

    નીરજ કૌલે જણાવ્યું હતું કે શિવસેના પક્ષમાં પણ ‘આ લોકો’ લઘુમતિમાં છે અને આથી તેઓ બહુમત લેવાથી દૂર ભાગી રહ્યા છે. આગળ દલીલ એમ પણ કરી હતી કે આવતીકાલ બાદ ફરીથી બહુમત લેવામાં પણ કોઈને વાંધો ન હોઈ શકે. કૌલે ઉમેર્યું હતું કે રાજ્યપાલને વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે અને તેનું સન્માન થવું જોઈએ જ્યારે તેમને એવું લાગે કે સરકાર પાસે બહુમતિ નથી ત્યારે તેઓ તેને સાબિત કરવાનું કહી શકે છે. આ બાબતે કૌલે મધ્ય પ્રદેશ અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને પણ ટાંક્યો હતો. નીરજ કૌલે દાવો કર્યો હતો કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે.

    સુપ્રિમ કોર્ટના આજના ચુકાદા બાદ હવે મહારાષ્ટ્રના રાજનૈતિક સંગ્રામમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને હવે દડો ઉદ્ધવ ઠાકરેની કોર્ટમાં છે કે તેઓ બહુમત લેવાના પ્રયાસ બાદ રાજીનામું આપે છે કે પછી એ પહેલા જ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં