ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) ચાલી રહેલા સરવે અને અતિક્રમણ હટાવો અભિયાન દરમિયાન રવિવારે (22 ડિસેમ્બર) મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી એક વિશાળ વાવ મળી આવી છે. જે સદીઓ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેને પૂરી દેવામાં આવી હતી. તાજેતરમાં ખોદકામ કર્યું ત્યારે મળી આવી.
જે ચંદૌસીના લક્ષ્મણ ગંજ વિસ્તારમાંથી આ વાવ મળી આવી છે, તે ઘણા દાયકાઓ પહેલાં હિંદુબાહુલ્ય વિસ્તાર હતો. અહીં સૈની સમાજના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા. આજે હવે અહીં મુસ્લિમોની સંખ્યા વધુ છે. તાજેતરમાં સંભલમાંથી 46 વર્ષથી બંધ પ્રાચીન મંદિર મળી આવ્યું ત્યારબાદ જિલ્લા પ્રશાસનને આ વાવને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી.
#WATCH | Uttar Pradesh | Excavation work being carried out at an age-old Baori located in the Chandausi area of Sambhal pic.twitter.com/6meYAoStpg
— ANI (@ANI) December 22, 2024
શનિવારે જાહેર સભા દરમિયાન મુદ્દો ઉઠ્યા બાદ પ્રશાસને તપાસના આદેશ આપ્યા. ત્યારબાદ રાજસ્વ વિભાગ તરફથી નાયબ મામલતદાર પણ નકશા સાથે પહોંચ્યા. જ્યાં એક વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું તો જમીનમાંથી પ્રાચીન ઇમારત મળવાની ચાલુ થઈ ગઈ અને અધિકારીઓ પણ અચરજમાં મૂકાયા.
આજતકે નાયબ મામલતદારને ટાંકીને જણાવ્યું કે, ખોદકામ દરમિયાન બે માળની ઇમારત જોવા મળી રહી છે. વાવ અને તળાવનો ઉલ્લેખ અભિલેખોમાં પણ જોવા મળે છે. અહીં એક સુરંગ પણ મળી શકે. અધિકારીએ કહ્યું કે, વાવ ઘણી વિશાળ હોય તેમ જણાય રહ્યું છે, જે માટીમાં દબાઈ ગઈ હતી. હાલ માટી હટાવીને તપાસ કરવામાં આવી રહી છે.
સંભલના DM રાજેન્દ્ર પેંસિયાએ વધુ જાણકારી આપતાં કહ્યું કે, 400 વર્ગ મીટર વિસ્તારમાં આ વાવ ફેલાયેલી છે. તેના નીચેના બે માળ માર્બલના બનેલા છે અને ઉપરનું બાંધકામ ઈંટથી કરવામાં આવ્યું છે. ચાર કક્ષ છે, જે દબાઈ ગયા હતા. હાલ ધીમેધીમે માટી દૂર કરવામાં આવી રહી છે. હાલ 210 વર્ગ મીટર વિસ્તાર જ બહાર જોવા મળી રહ્યો છે. બાકીનું અતિક્રમણ છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Uttar Pradesh: Sambhal DM Dr Rajender Pensiya says, "… This matter was brought to our notice yesterday during the public hearing. The Nagar Palika team is removing the topsoil. At present only 210 square meters are outside and the rest is occupied. Action will be taken… https://t.co/GPGizmZbBV pic.twitter.com/UAq2o80Gio
— ANI (@ANI) December 22, 2024
તેમણે જણાવ્યું કે, બની શકે કે આ વાવ સવા સો-દોઢસો વર્ષ જૂની હોય શકે. સ્થાનિકોના સમુદાયના જે રાજા છે તેમના નાનાના સમયમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય નજીકથી જ એક બાંકે-બિહારીનું મંદિર પણ મળી આવ્યું હતું. જેને લઈને અધિકારીએ જણાવ્યું કે, આ મુદ્દો પણ સભામાં ચર્ચવામાં આવ્યો હતો. અમે જે લોકો પહેલાં પૂજા કરતા હતા, તેમને પણ અમે આમંત્રણ આપ્યું છે કે, આવો આપણે આનો જીર્ણોદ્ધાર કરીએ. આસપાસનું દબાણ છે એ પણ હટાવી દેવામાં આવશે અને ફરીથી પૂજા શરૂ કરવામાં આવશે.