સોમાલિયામાં એક શહેરની હોટેલમાં મધ્ય રાત્રિએ થયેલા હુમલામાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે 47 લોકો ગંભીર રીતે ઇજા પામ્યા છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે. ભારતીય સમય અનુસાર, આ આતંકી હુમલો મોડી રાત્રે થયો હતો અને આતંકવાદીઓએ ગોળીબાર અને બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેમાં હોટેલ અને આસપાસના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Somalia | The attack on a hotel, in Kismayo a port city in southern Somalia, was claimed by Al-Shabaab group, reported Reuters
— ANI (@ANI) October 23, 2022
આ હુમલો સોમાલિયાના દક્ષિણ ભાગમાં આવેલ કિસ્માયો શહેરમાં થયો હતો. અહીં આવેલ એક હોટેલમાં રાત્રિના અરસામાં આતંકવાદીઓએ ઘૂસીને જઈને ગોળીબાર શરૂ કરી દીધો હતો. પહેલાં એક આતંકવાદીએ વિસ્ફોટકો ભરેલી કાર હોટેલના મુખ્ય ગેટ સાથે અથડાવી દીધી હતી અને ત્યારબાદ બાકીના આતંકીઓ હથિયારો લઈને ઘૂસી ગયા હતા.
આ હુમલાની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે. હુમલો જ્યાં થયો તેની આસપાસ શાળા પણ આવેલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે હુમલામાં અનેક બાળકો પણ ઘાયલ થયાં છે.
BREAKING: Suspected Al Shabab militants attack Tawakal Hotel in Kismayu. Police statement indicates gunfire still ongoing in the precinct. #Kismayu #Somalia pic.twitter.com/ydOyxykrkh
— Kulan Post (@kulanpost) October 23, 2022
આ હુમલામાં ચાર આતંકવાદીઓ સામેલ હોવાનું કહેવાય છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલો થયો ત્યારે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ હોટેલમાં એક બેઠક માટે હાજર હતા. જેથી આતંકવાદીઓએ તેમને જ નિશાન બનાવવા માટે હુમલો કર્યો હોવાનું અનુમાન છે.
આતંકીઓએ હુમલો કર્યા બાદ સુરક્ષાબળોએ એક ઓપરેશન ચલાવ્યું હતું, જે લગભગ છ કલાક ચાલ્યું હતું. જેમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે એક આતંકી કાર વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો હતો. જ્યારે કેટલાક સુરક્ષાકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
સોમાલિયામાં અલ-શબાબનો આતંક વર્ષો જૂનો છે. લગભગ 15 વર્ષથી આ આતંકી સંગઠન સ્થાનિક સરકારે ઉખાડી ફેંકવા માટે હુમલાઓ કરતું આવ્યું છે. કિસ્માયો એક સમયે અલ-શબાબનો ગઢ કહેવાતું હતું. જોકે, 2012માં તેને આતંકીઓના કબજામાંથી છોડાવી લેવામાં આવ્યું હતું.
આ પહેલાં વર્ષ 2019માં આ આતંકી સંગઠને સોમાલિયામાં કિસ્માયોની જ એક હોટેલમાં આતંકી હુમલો કર્યો હતો અને જેમાં કુલ 26 લોકોની હત્યા કરી નાંખી હતી અને 56 લોકોને ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ આ આતંકી સંગઠને સોમાલિયાની રાજધાની મોગાદિશુની એક હોટેલમાં હુમલો કરીને 21 જેટલા લોકોને મારી નાંખ્યા હતા.