રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કર્યાના થોડા જ દિવસોમાં શરદ પવારે મોટો યુ-ટર્ન લીધો છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ પાર્ટીના અધ્યક્ષ પદે યથાવત રહેશે.
I can't disrespect your sentiments. Due to your love, I am respecting the demand that was made to me to withdraw my resignation and the resolution that was passed by senior NCP leaders. I withdraw my decision to step down as the national president of Nationalist Congress Party… https://t.co/Qcf2NwidX7 pic.twitter.com/nt9jcod9Mf
— ANI (@ANI) May 5, 2023
એક પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે, હું તમારી ભાવનાઓનો અનાદર કરી શકું તેમ નથી. તમારા પ્રેમને વશ થઈને મારું રાજીનામું પરત ખેંચવા માટેની માંગ અને વરિષ્ઠ NCP નેતાઓ દ્વારા બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનું સન્માન કરતાં હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પરત લઉં છું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં શરદ પવારે પોતાની આત્મકથાના વિમોચન દરમિયાન રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે હવે પછી તેઓ ચૂંટણી પણ લડશે નહીં. તેમણે કહ્યું હતું, “મેં 1 મે, 1960ના રોજ મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ગઈકાલે આપણે મે ડેની ઉજવણી કરી. લાંબા રાજકીય કાર્યકાળ બાદ વ્યક્તિએ ક્યાં અટકવું તે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ અને લોભી બનવું ન જોઈએ.”
શરદ પવારે રાજીનામું આપવાની ઘોષણા કર્યા બાદ આગામી અધ્યક્ષ નક્કી કરવા માટે 18 સભ્યોની એક સમિતિ બનાવી હતી. જેમાં અજિત પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિની આજે એક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને શરદ પવારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને અધ્યક્ષ પદે યથાવત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.
#WATCH | The committee unanimously passed a proposal today and we have rejected Sharad Pawar's resignation and we request him to continue as NCP chief: Praful Patel, Vice-President, Nationalist Congress Party pic.twitter.com/SMfX67auXy
— ANI (@ANI) May 5, 2023
એક તરફ પવારે રાજીનામું આપવાની ઘોષણા કર્યા બાદ એનસીપીના અન્ય નેતાઓએ પણ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા જીતેન્દ્ર આવ્હાડનો પણ સમાવેશ થાય છે. તેમણે પાર્ટીના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉપરાંત, થાણેના પાર્ટીના આખા એક યુનિટે રાજીનામાં મોકલી આપ્યાં હતાં.
શરદ પવારની જાહેરાત બાદથી જ ચર્ચા ચાલતી હતી કે એનસીપીની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ જે રીતે NCP નેતાઓએ વલણ દાખવ્યું તેને જોઈને લાગી રહ્યું હતું કે પવાર પોતાનો નિર્ણય પરત ખેંચી લેશે. એક હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આખરે એ જ થયું છે.