ખેડાના નડિયાદમાં શૉ મિલ ચલાવતા એક હિંદુ વ્યક્તિ પર ખંડણીખોરોએ હુમલો કરી દીધો હતો. ₹ 1 લાખ 80 હજારની માંગણી કર્યા બાદ આપવાની ના પાડતાં શાહરૂખમિયાં મલેક અને અન્ય ઇસમોએ મળીને શૉ મિલમાં ઘૂસી જઈને મારામારી કરી હતી, જેમાં અમુકને ઈજા પણ પહોંચી હતી. નડિયાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ઘટના શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) બની હતી.
વધુ વિગતો એવી છે કે, નડિયાદમાં રહેતા નવીન પટેલ નામના વ્યક્તિ કમળા GIDCમાં સત્યનારાયણ ટીમ્બર માર્ટ નામની શૉ મિલ ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચેક દિવસથી કમળા સંતરામ કાંટા પાછળ રહેતો શાહરૂખમિયાં મલેક અવારનવાર તેમને રૂબરૂમાં નળીને તેમજ ટેલિફોન ઉપર સંપર્ક કરીને પૈસાની માંગણી કરતો હતો. જણાવ્યા અનુસાર, તેણે 1 લાખ 80 હજારની માંગણી કરી હતી. પરંતુ નવીનભાઈએ પોતે તેને ઓળખતા પણ ન હોઈ અને ક્યારેય કોઇ પૈસાના વ્યવહાર પણ ન કર્યા હોઈ પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે સાગરીતો સાથે હુમલો કરી દીધો હતો.
ખેડાનાં નડીયાદમાં અસામાજિક તત્વોનો આતંક, કમળા GIDCમાં શૉ મિલમાં માલિક પાસે 1.80 લાખની ખંડણીની માગ…#news18gujaratino1 #gujarat pic.twitter.com/kGWrok9vHD
— News18Gujarati (@News18Guj) September 25, 2023
પૈસા આપવાની ના પાડતાં શાહરૂખે ‘જો તમે મને રૂપિયા નહીં આપો તો હું તમને ધંધો કરવા દઈશ નહીં’ તેમ કહીને ધમકી આપી હતી અને શૉ મિલ પણ બંધ કરાવી દીધી હતી. ગત શુક્રવારે તેણે ફરી સંપર્ક કર્યો અને ‘આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં પૈસા નહીં આપ્યા તો બધાને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.
ફરિયાદ અનુસાર, શનિવારે (23 સપ્ટેમ્બર) શૉ મિલમાં સીસીટીવી લગાવવા માટે નવીન પટેલ અને તેમનો પુત્ર શૉ મિલ પર ગયા હતા ત્યારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં શાહરૂખ અને તેના ચાર સાગરીતો ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા માંડ્યા હતા. ત્યારબાદ તેમાંથી એકે નવીનભાઈના પુત્ર જિમિતને ગાળો બોલીને માર મારવાનું શરૂ કરી દીધું હતું તેમજ મિલમાં કામ કરતા કારીગરોને પણ માર માર્યો હતો.
આરોપ છે કે, શાહરૂખે શૉ મિલમાં જ રાખવામાં આવેલાં લાકડાંમનથી એક લઈને જિમિતના જમણા હાથ પર મારી દીધું હતું. દરમ્યાન તેને છોડાવવા માટે વચ્ચે પડતાં શાહરૂખે તેમાંની એક મહિલાને પણ લાકડું મારી દીધું હતું. જ્યારે અન્યોને પણ ઈજા પહોંચી હતી.
નવીનભાઈનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેઓ તેમની ઓફિસમાં બેઠા હતા. ત્યારબાદ બહાર બૂમાબૂમ થતાં બહાર આવીને જોતાં મારામારી કરીને શાહરૂખ અને તેના માણસો પરત જતા હતા. ત્યારે પણ તેઓ ધમકી આપીને ગયા હતા અને કહ્યું હતું કે, જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખશે અને મિલ પણ સળગાવી દેશે. ત્યારબાદ તેમણે 108 પર કૉલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઘટના બાદ નવીન પટેલે નડિયાદ પોલીસ મથકે પહોંચીને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે શાહરૂખમિયાં અશરફમિયાં મલેક તેમજ અન્ય ચાર અજાણ્યા ઈસમો સામે IPCની કલમ 143, 147, 148, 149, 325, 504, 506(2) અને GPA એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.