તિરુપતિ મંદિરના પ્રસાદમાં (Tirupati Tirumala Mandir Prasadm) ભેળસેળનો મામલો હાલ ચર્ચામાં છે. પ્રસાદમાં માછલીનું તેલ અને ગૌમાંસની ચરબી મળતા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ મામલો સામે આવ્યા બાદ દેશના અન્ય મંદિરોમાં પણ સતર્કતાના ભાગરૂપે પ્રસાદના નમૂના લેવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઘણા શહેરોમાં ખાદ્ય વિભાગની ટીમ સતત ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કરી પરિક્ષણ કરી છે. ત્યારે મથુરામાં (Mathura) પણ ખાદ્ય પદાર્થો વેચતી ઘણી દુકાનોમાંથી પ્રશાસને પેંડા (Peda) સહિતના નમૂના લેવાનું શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મંદિરોના પ્રસાદમાં ભેળસેળ કરી હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના મામલાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે મથુરા અને વૃંદાવન અને અન્ય સ્થળોએ ધાર્મિક સ્થળોની નજીકની 15 દુકાનોમાંથી ખાદ્ય ચીજોના 43 નમૂના એકત્ર કર્યા હતા. ભેળસેળયુક્ત સામગ્રીના ઉપયોગની શંકાના આધારે મથુરામાં ધરાવાતા પ્રસાદ પેંડા નમૂના સ્વરૂપે લખનૌની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
FSDA સહાયક કમિશનર ધીરેન્દ્ર પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે, સોમવારે મથુરા અને વૃંદાવનમાં હાથ ધરવામાં આવેલા નમૂના અભિયાન દરમિયાન 15 વેપારીઓ પાસેથી કુલ 43 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં દૂધ, પનીર, પેડા, બરફી, મિલ્ક કેક, રસગુલ્લા, ઈમરતી, સોનપાપડી, અન્ય મીઠાઈઓ અને મસાલામાંથી બનેલી મીઠાઈઓ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. 42 નમૂના બરાબર હતા પરંતુ પેંડાનો એક નમૂનો પરિક્ષણ માટે લખનૌ મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માત્ર પેંડાનો નમૂનો પરિક્ષણ માટે એટલા માટે મોકલવામાં આવ્યો છે, કારણ કે મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આવતા ભક્તો મોટા ભાગે પેંડાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરતા હોય છે. આ સિવાય મથુરાના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. તેથી શ્રદ્ધાળુઓ અને ભક્તોની આસ્થા તથા હિંદુ આસ્થાને કેન્દ્રમાં રાખીને પેંડાનો નમૂનો પરિક્ષણ માટે લખનૌ મોકલવામાં આવ્યો હતો.
તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો આવ્યો સામે
નોંધનીય બાબત છે કે, ગત અઠવાડિયે જ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળ કર્યો હોવાનો દાવો વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કર્યો હતો. આ બાદ પૂર્વ મુખ્યમંત્રી જગન મોહનની સરકાર વખતનો વર્ષ 2019નો એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં આ આરોપોની પુષ્ટિ થઇ હતી. તથા પ્રસાદમાં ગૌમાંસની ચરબી અને માછલીનું તેલ તથા અન્ય વસ્તુઓની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ બાદ હિંદુઓમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાની નોંધ લઇ સાવચેતીના ભાગ રૂપે યોગી સરકારે પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રીના નમુનાનું પરિક્ષણ કરવા નિર્ણય લીધો હતો.