સંભલ હિંસા બાદ વિવાદમાં આવેલા સ્થાનિક સમાજવાદી પાર્ટી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને જિલ્લા પ્રશાસને એક નોટિસ ફટકારી છે. કારણ એ છે કે, તેમણે નકશો પાસ કરાવ્યા વગર જ મકાન ઉભું કરવાનું શરૂ કરી દીધું હતું. નોટિસમાં તેમને 12 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું. નોટિસ 5 ડિસેમ્બરે ઇસ્યુ કરવામાં આવી છે. વહીવટી તંત્રએ તેમને મકાનનું બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવવા માટે નિર્દેશ આપ્યા હતા અને સાથે જણાવ્યું હતું કે, જો સૂચનાનું પાલન કરવામાં ન આવે તો જોગવાઈઓ અનુસાર દંડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરે સંભલ ખાતે જામા મસ્જિદના સરવે દરમિયાન જે પોલીસવિરોધી હિંસા કરવામાં આવી હતી તે મામલે આરોપીઓમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનું પણ નામ સામેલ હતું. હિંસા પછી પોલીસ અને પ્રશાસન હિંસામાં સામેલ લોકોની સંપત્તિ મામલે તપાસ કરી રહ્યા હતા ત્યારે સંભલ SDMના ધ્યાને આવતાં સપા સાંસદને નોટિસ મોકલવામાં આવી હતી.
એસડીએમ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, દીપસરાઈમાં ચાલી રહેલા બર્કના મકાનના નિર્માણકાર્ય માટે કોઈપણ નકશાની મંજૂરી લેવામાં આવી નથી, જે ઉત્તર પ્રદેશ રેગ્યુલેશન ઑફ બિલ્ડિંગ ઑપરેશન એક્ટ, 1958નું ઉલ્લંઘન છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાંધકામ તાત્કાલિક ધોરણે રોકીને તે અંગે લેખિતમાં જાણ કરવામાં આવે.
નોટિસ અનુસાર જો આ બાંધકામ નહીં રોકવામાં આવે તો નિયમો અનુસાર ₹10,000 દંડની જોગવાઈ છે, તેથી બર્કને ₹10,000નો દંડ કરવામાં આવશે ઉપરાંત જો બાંધકામ ચાલુ રહેશે, તો પ્રતિ દિવસ ₹500 નો દંડ વસૂલવામાં આવશે.
નોંધનીય છે કે બુધવાર, 11 ડિસેમ્બરે ડીએમ ડો. રાજેન્દ્ર પાંસિયા, એસપી કૃષ્ણા વિશ્નોઈ, એસડીએમ વંદના મિશ્રા અને સીઓ અસમોલી આલોક સિદ્ધુએ સાંસદ બર્કના વિસ્તારમાં આરએએફ, પીએસી અને આરઆરએફની ફ્લેગ માર્ચ કરી હતી. આ દરમિયાન જ તેમણે ત્યાં થયેલ અતિક્રમણ જોયું હતું, સાથે જ સાંસદ બર્કનું મકાન પણ નકશો પાસ કરાયા વિના બની રહ્યું હતું તે પણ જોયું હતું. ત્યારપછી પ્રશાસને બર્કને નોટિસ આપી હતી.
આ અંગે ડીએમ ડો.રાજેન્દ્ર પાંસિયાએ જણાવ્યું હતું કે, “સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરવામાં આવી રહી છે. નકશો પાસ કરાવ્યા વિના બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં. આ જ ક્રમમાં સાંસદને પણ નોટિસ આપવામાં આવી છે. તેમનું મકાન પણ નકશો પાસ કરાવ્યા વગર જ બનાવવામાં આવી રહ્યું છે.”
જોકે આ અંગે બર્કે કહ્યું હતું કે, તેમને નોટિસ અંગે કોઈ જાણકારી નથી અને જો કોઈ નોટિસ આવી હશે તો તેનો જવાબ આપવામાં આવશે. સાંસદે કહ્યું કે હાલમાં તેમના ઘરનું બાંધકામ છેલ્લા એક વર્ષથી બંધ છે.