બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં ગયો તે સમયે આખો ખાન પરિવાર અને બૉલીવુડ પણ હચમચી ગયું હતું. આ બહુચર્ચિત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં આ કેસની તપાસમાં સામેલ રહેલા અધિકારી સમીર વાનખેડેએ કોર્ટમાં એક ચેટ રજૂ કરી છે, જે શાહરૂખ ખાન સાથેની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ચેટમાં શાહરૂખ ખાને આર્યનને મુક્ત કરવા માટે આજીજી કરી હોવાનું અને તેનું ધ્યાન રાખવા માટે કહ્યું હોવાનું જણાવાવમાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન અને સમીર વાનખેડે વચ્ચે થયેલી ચેટ દરમિયાન બોલીવુડ એક્ટરે પોતાના પુત્ર માટે રીતસર ભીખ માંગી હતી. આ ચેટમાં શાહરૂખ કથિત રીતે લખે છે કે, ‘હું તમારી પાસે ભીખ માંગું છું, તેને (આર્યનને) જેલમાં ન રહેવા દેશો, હમણાં વેકેશન આવશે અને તે ભાંગી પડશે. હું મારા પાવરથી જે થઈ શકશે તે કરીશ જેનાથી તેઓ મારી વાત સાંભળે અને જે પણ તેમણે તમને કહ્યું છે તે પરત લઈ લે. વચન આપું છું કે હું આ બધું જ કરીશ અને ભીખ માંગવામાં પાછો નહીં પડું. પ્લીઝ મારા દીકરાને ઘરે મોકલી દો, પ્લીઝ એક પિતા તરીકે હું ભીખ માંગું છું.”
આ કથિત ચેટમાં શાહરૂખ આગળ કહે છે કે, “હું તમારી આગળ ભીખ માંગું છું, પ્લીઝ મારા અને મારા પરિવાર પર રહેમ ખાઓ. અમે બહુ સરળ લોકો છીએ, મારો દીકરો ભલે થોડો ભટકી ગયો છે. પરંતુ તેને કોઈ રીઢા ગુનેગારની જેમ ન રહી શકે, અને તે તમે પણ જાણો જ છો. મહેરબાની કરીને થોડું હ્રદયથી કામ લો. હું તમારી સામે કરગરું છું.”
'He will be shattered': Shah Rukh Khan's chat with former NCB officer Sameer Wankhende's surfaces#ITVideo | @akshita_N @sahiljoshii @divyeshas pic.twitter.com/4JEqjgsF52
— IndiaToday (@IndiaToday) May 19, 2023
સમીર વાનખેડેને હાઈકોર્ટની રાહત
બીજી તરફ સમીર વાનખેડેને આર્યન ખાન ક્રુઝ ડ્રગ્સ મામલે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોમાં બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે વાનખેડેને 22 મે સુધી ધરપકડમાં રાહત આપીને તેમને તપાસમાં સહયોગ આપવા જણાવ્યું છે. આ સાથે જ વાનખેડે 20 મેના રોજ CBIની ઓફિસે નિવેદન આપવા પણ જશે. ઉલ્લેખનીય છે કે વાનખેડે પર NCB અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે.
સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેમને ન્યાયપ્રણાલી અને CBI પર પૂરો ભરોસો છે. તેમણે તેમ પણ કહ્યું કે તેમને CBI સામે કોઈ વાંધો નથી, પરંતુ NCBના અધિકારી તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. વાનખેડેએ કોર્ટમાં દાખલ કરેલી આ જ અરજીમાં શાહરૂખ ખાનની ચેટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે શાહરુખને એમ પણ જણાવ્યું હતું કે આર્યન સાથે કશું જ ખોટું નથી થયું.