બ્રિટનના પીએમ તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકની વરણી થયા બાદ હવે તેમણે કેબિનેટની રચના કરી છે. પીએમ બન્યા બાદ નવા મંત્રીમંડળની ઘોષણા પહેલાં તેમણે પૂર્વ પીએમ લિઝ ટ્રસના મંત્રીમંડળના ઘણા સભ્યોને રાજીનામું આપી દેવા માટે કહ્યું હતું. ઋષિ સુનકે પોતાના મંત્રીમંડળમાં અન્ય નેતાઓના વફાદાર નેતાઓને પણ સ્થાન આપી સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે.
ઋષિ સુનકના કેબિનેટમાં ઘણા મોટા ચહેરાઓ સામેલ છે, પરંતુ સૌથી વધુ ધ્યાન સુએલા બ્રેવરમેને ખેંચ્યું છે. તેઓ આમ તો ભારતીય મૂળનાં છે પરંતુ થોડા દિવસો પહેલાં જ તેમણે ભારતીયોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અનેક ભારતીયો પ્રવાસી વિઝાની અવધિ પૂર્ણ થઇ ગયા બાદ પણ બ્રિટનમાં જ રહે છે. બ્રિટિશ લોકોએ બ્રેગ્ઝિટ માટે એટલા માટે મત નહતો આપ્યો કે ભારતીયો માટે બ્રિટનની સરહદો આ રીતે ખોલી દેવામાં આવે. જોકે, હવે તેઓ સુનક કેબિનેટમાં ગૃહમંત્રી બન્યાં છે.
આ પહેલાં ટ્રસ કેબિનેટમાં સામેલ રહેલા જેમ્સ ક્લેવર્લીને પણ ઋષિ સુનકે પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. તેઓ વિદેશ સચિવ નિયુક્ત થયા છે. બીજી તરફ, બોરિસ જોહન્સન સરકારમાં ડેપ્યુટી પીએમ રહેલા ડોમિનિક રાબ પણ ફરી એક વખત એ જ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બેન વૈલેસ પણ રક્ષા સચિવના પદે જ ફરી નિયુક્ત થયા છે.
જોકે, અમુક એવાં પણ નામો છે જેમને સુનક કેબિનેટની રચના સમયે બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. જેમાં ઋષિ સુનકે બિઝનેસ સેક્રેટરી જૈકબ રીસ-મોગ, જસ્ટિસ સેક્રેટરી બ્રેન્ડન લુઈસ, વર્ક એન્ડ પેશન સેક્રેટરી ક્લો સ્મિથ વગેરેને બહાર કરી દીધા છે. ભારતીય મૂળના આલોક કુમાર પણ મંત્રીમંડળમાંથી બહાર થઇ ગયા છે.
ઋષિ સુનકના મંત્રીમંડળને જોઈને જાણકારોએ કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન પદ પર રહીને પાર્ટીને એકજૂથ રાખવા માંગે છે અને અંદરોઅંદર ચાલતા વિવાદોને ખતમ કરવા માંગે છે, જેના કારણે તેમણે આ પ્રકારના મંત્રીમંડળની રચના કરી છે.
ઉલ્લેખનીય છે કે બોરિસ જોહન્સને બ્રિટિશ પીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ થયેલ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે લિઝ ટ્રસ ચૂંટાઈ આવ્યાં હતાં અને વડાંપ્રધાન બન્યાં હતાં. જોકે, આર્થિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે તેમણે માત્ર 45 દિવસમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું. ત્યારબાદ ચૂંટણીમાં ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટાઈ આવ્યા હતા. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા પીએમ બને છે.
ઋષિ સુનકનું નામ અગાઉ પણ ચર્ચામાં હતું, પરંતુ તેઓ લિઝ ટ્રસ સામેની ચૂંટણીમાં હારી ગયા હતા. જોકે, ટ્રસે રાજીનામું આપતાં તેમનો પીએમ બનવાનો માર્ગ મોકળો બન્યો હતો. ઋષિ સુનક ગઈકાલે બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સને મળ્યા હતા, જેમણે સુનકને અધિકારીક રીતે વડાપ્રધાન નિયુક્ત કર્યા હતા.