₹2000ની ચલણી નોટો બેન્કમાં જમા કરાવવાનો કે બદલવા માટેની અંતિમ તિથિ લંબાવી દેવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અગાઉની ઘોષણા પ્રમાણે નોટો બદલવા માટે આજે અંતિમ દિવસ હતો પરંતુ RBIએ હવે ડેડલાઈન લંબાવી દીધી છે.
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, વિથડ્રોઅલ પ્રોસેસ હવે અંત તરફ આવી રહી છે ત્યારે સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે એક્સચેન્જ અને ડિપોઝીટની વર્તમાન વ્યવસ્થા 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવશે. ત્યારબાદ બેન્કની શાખાઓમાં ₹2000ની ચલણી નોટો જમા કરવા કે બદલવા પર રોક લાગી જશે.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation – Reviewhttps://t.co/hOpOpA0J94
— ReserveBankOfIndia (@RBI) September 30, 2023
જોકે RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 7 ઓક્ટોબર બાદ રિઝર્વ બેન્કની 19 શાખાઓમાં એક સમયે 20 હજારની મર્યાદામાં આ નોટો બદલી શકાશે. ઉપરાંત, ગ્રાહકો કે સંસ્થાઓ આ શાખાઓમાં જઈને પોતાના બેન્ક અકાઉન્ટમાં જમા પણ કરાવી શકશે. આ સિવાય જો કોઇ રૂબરૂ ન જઈ શકે તો RBIની આ 19 શાખાઓમાં ઇન્ડિયા પોસ્ટ મારફતે પણ નોટ મોકલી શકશે. RBIની શાખાઓમાં આ એક્સચેન્જ/ડિપોઝીટની સુવિધા આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
રિઝર્વ બેન્કે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાની પાસે રહેલી 2 હજાર રૂપિયાની નોટ કાં તો બેન્કમાં જમા કરાવી દે અથવા તો બદલી લે.
ઉલ્લેખનીય છે કે 19 મે, 2023ના રોજ RBIએ ₹2000ની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરી હતી અને લોકોને બેન્કમાં જઈને જમા કરાવવા માટે કે બદલી લેવા માટે અપીલ કરી હતી. આ માટે ડેડલાઈન 30 સપ્ટેમ્બર, 2023 રાખવામાં આવી હતી. પરંતુ હવે વધુ સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. 7 ઓક્ટોબર બાદ બેન્કમાં આ નોટો જમા કરાવી કે બદલી શકાશે નહીં. જોકે, RBIની શાખાઓમાં આ સુવિધા ત્યારપછી પણ ચાલુ રહેશે.
RBI અનુસાર જાહેરાત સમયે ₹3.56 લાખ કરોડની રકમની 2 હજારની ચલણી નોટો સર્ક્યુલેશનમાં હતી, જેમાંથી અત્યાર સુધીમાં 3.42 લાખ કરોડની નોટ પરત આવી ચૂકી છે. હવે માત્ર 0.14 લાખ કરોડની નોટો સર્ક્યુલેશનમાં છે. જેથી 96 ટકા જેટલી નોટ પરત આવી ચૂકી હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.