દેવભૂમિ દ્વારકાના (Dwarka) ભાણવડમાં એક હિંદુ સગીરાનું અપહરણ કરવા બદલ બે મુસ્લિમ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીરાને લલચાવીને ભગાડી લઈ ગયો હતો અને એક દરગાહ ખાતે લઈ જતો હતો, ત્યારે પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ ગુનામાં તેને મદદ કરનાર કૌટુંબિક મામાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ રઝાક નાગલા અને હનીફ કાંટેલિયા તરીકે થઈ છે.
ઘટનાની વધુ વિગતો અનુસાર, ભાણવડના એક ગામમાં રહેતી હિંદુ સગીરા સતત બીમાર રહેતી હોઈ પરિવારે મોડપર ગામના એક મુસ્લિમ શખ્સનો સંપર્ક કર્યો હતો. રઝાક નામનો આ ઇસમ પોતાને ‘ભૂવો’ ગણાવીને ધૂપ-ધુમાડા કરતો અને સગીરાના ઘરે પણ જઈ આવ્યો હતો. ત્યારબાદ તેણે પરિવારની જાણ બહાર સગીરાનો ફોનસંપર્ક લઈને વાતચીત કરવાની શરૂ કરી હતી અને ફસાવી લીધી હતી.
ગત 15 ડિસેમ્બર, 2024ના રોજ રઝાક સગીરાને તેના ઘરેથી લલચાવીને ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ તે પોરબંદર તેના કૌટુંબિક મામા હનીફને ત્યાં પહોંચ્યો હતો, જ્યાંથી બંને સગીરાને દરગાહ ખાતે લઈ જવાના હતા. પરંતુ તે પહેલાં બંને સગીરાને પોરબંદરના બજારમાં લઈ ગયા હતા, જ્યાંથી બુરખાની ખરીદી કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમને પકડી લીધા હતા.
ભાણવડ પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 16 ડિસેમ્બરના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87 અને પોક્સો એક્ટની કલમ 18 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, પોલીસને આરોપી અને પીડિતાના લૉકેશન વિશે જાણકારી મળતાં જ ટીમો પોરબંદર પહોંચી હતી અને ધરપકડ કરી લાવી હતી.
હૈદરાબાદ લઈ જવાનો હતો પ્લાન: પોલીસ
ભાણવડ પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે તેઓ સગીરાને દરગાહ ખાતે લઈ જવાના હતા અને તે પહેલાં પોરબંદર લઈ જઈને બુરખો ખરીદવાની પણ ગણતરી હતી. એટલું જ નહીં, ત્યાંથી બંને હૈદરાબાદમાં કોઈ સ્થળે સગીરાને લઈ જવાનો પ્લાન હતો. પરંતુ પોલીસની સતકર્તાના કારણે પ્લાન સફળ ન થયો અને પોરબંદર છોડે તે પહેલાં જ પકડાઈ ગયા હતા.
પોલીસે સગીરાને છોડાવી લઈને બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે.