Friday, November 22, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરકોલકાતાની મહિલા ડૉક્ટર પર પાશવી બળાત્કાર બાદ હત્યા, ન્યાયની માંગ સાથે પ્રદર્શનો:...

    કોલકાતાની મહિલા ડૉક્ટર પર પાશવી બળાત્કાર બાદ હત્યા, ન્યાયની માંગ સાથે પ્રદર્શનો: બ્લુટૂથ હેડફોન પરથી પકડાયો આરોપી- જાણો અત્યાર સુધી કેસમાં ક્યારે શું બન્યું

    ઘટનાના બે દિવસ બાદ પોલીસતંત્ર પર દબાણ ઊભું થઈ રહ્યું હતું. સીસીટીવી કેમેરા અને અન્ય તપાસના આધારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપ છે કે, તેણે જ ટ્રેની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી એક હચમચાવનારી ઘટના સામે આવી હતી. શહેરની એક હોસ્પિટલમાં 32 વર્ષીય ટ્રેની ડૉક્ટરની લાશ મળી હતી. પછી જાણવા મળ્યું કે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટના બાદ પોલીસ અને એજન્સીઓએ તપાસની કમાન સંભાળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ પણ થઈ. મૃતદેહને પણ જ્યારે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો, ત્યારે શરીર પર અનેક ઈજાનાં નિશાન હતાં અને ગુપ્તાંગના ભાગેથી લોહી વહી રહ્યું હતું. હાલ આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેણે, પોલીસ સમક્ષ ગુનો પણ કબૂલી લીધો છે.

    બીજી તરફ કોલકાતામાં બનેલી આ ઘટનાને પગલે હજારો મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરો વિરોધમાં ઉતરી આવ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી છે અને ઝડપી ન્યાય માટેનું આહ્વાન કર્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો ઝડપી ન્યાય નહીં થાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ ભાજપે પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મામલે CBI તપાસની માંગણી કરી છે. જોકે, હાલ આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. પરંતુ, દેશભરમાં હવે આ ઘટનાના પડઘા પડવાના ચાલુ થયા છે. ત્યારે સમજીએ કે આખો કેસ શું છે અને ક્યારે શું-શું બન્યું.

    સેમિનાર હૉલમાં થઈ હત્યા

    કોલકાતાની સરકારી હોસ્પિટલમાં બનેલી આ ઘટના 8-9 ઑગસ્ટ, 2024ની હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની વિગતો અનુસાર, કોલકાતાની સરકારી હોસ્પિટલ (આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ)ના સેમિનાર હૉલમાં શુક્રવારે (9 ઑગસ્ટ) પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે CCTV સહિતના અનેક પુરાવાઓ હાથવગા કર્યા છે. સીસીટીવીમાં આ ઘટના વિશેની થોડી જાણકારી પણ પ્રાપ્ત થઈ શકી છે.

    - Advertisement -

    પોલીસ અનુસાર, 8-9 ઑગસ્ટની રાત્રે નાઈટ ડ્યુટી દરમિયાન મહિલા ડૉક્ટર તેમના જુનિયર સાથી મિત્રો સાથે બેસીને નીરજ ચોપડાની ઓલમ્પિક ગેમ જોઈ રહી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા સુધી તેણે તેના સાથી મિત્રો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ એપ પરથી ઓર્ડર કરીને ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રોને જાણ કરીને સેમિનાર હૉલમાં આરામ કરવા માટે ગઈ હતી.

    સેમિનાર હૉલમાં જઈને તેણે શરૂઆતમાં થોડું વાંચન કર્યું અને ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ ઊંઘી હતી. પરંતુ બીજા દિવસે શુક્રવારે (9 ઑગસ્ટ) સવારે સેમિનાર હૉલમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અર્ધનગ્ન હાલતમાં હતો. મોંઢામાંથી, આંખોમાંથી અને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ વહી રહ્યું હતું હતું. પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં શરૂઆતી સમયે દુષ્કર્મની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

    ‘આંખ, મો અને ગુપ્તાંગમાંથી વહી રહ્યું હતું લોહી’

    મહિલા ડૉક્ટરની હત્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે તેનો રિપોર્ટ સામે આવ્યો તો દેશભરમાં આ ઘટનાના પડઘા પડી ગયા. ખૂબ જ ક્રૂર અને નિર્દયી રીતે તેમની હત્યા અને બળાત્કાર થયો હોવાના ઘટસ્ફોટ થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ અધિકારીઓએ પણ નિવેદન આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી. બીજી તરફ ઘટના ધ્યાને આવતા જ પશ્ચિમ બંગાળમાં મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ શરૂ કરી દીધો હતો.

    ન્યૂઝ એજન્સી PTIએ પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, ચાર પાનાંના રિપોર્ટ અનુસાર, “તેમની બંને આંખો અને મોઢામાંથી પણ લોહી વહી રહ્યું હતું, ચહેરા અને નખ પર પણ ઈજાનાં નિશાનો જોવા મળ્યાં હતાં. તેમના પેટ, ડાબો પગ, ગરદન, જમણો હાથ અને હોઠ પર પણ ઈજાનાં નિશાન હતાં.” આ રિપોર્ટ અનુસાર, પહેલાં મહિલા ડોકટર પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.

    કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ગુનો સવારના ત્રણથી 6 વાગ્યા સુધીમાં આચરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલા ડૉક્ટરના ગળાનું હાડકું પણ તૂટી ગયું હતું. જે દર્શાવે છે કે, તેમની હત્યા ગળું દબાવવાથી થઈ છે. જોકે, શરૂઆતમાં એવી વાતો પણ ચાલી હતી કે, મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી. પરંતુ પોલીસે આ દાવાને નકારી કાઢ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા અનુસાર, આ કેસ આત્મહત્યાનો નથી.

    ડૉક્ટરના પિતાએ લગાવ્યો હતો રેપનો આરોપ

    ટ્રેની ડૉક્ટરના પિતાએ આ ઘટના બાદ પોતાનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર જ તેમની પુત્રી સાથે બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેમની હત્યા પણ કરી નાખવામાં આવી હતી. પીડિતાના પિતાનો આરોપ છે કે, હવે સત્યને છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    પોલીસે પીડિતાના પિતાના આરોપ બાદ તે દિશામાં તપાસ ચાલુ રાખી હતી. તેમના સહયોગી મિત્રો અને સાથીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. નાઈટ ડ્યુટી દરમિયાન તેમની સાથે મોડી રાત સુધી વાતો કરનારા તેમના જુનિયર સહકર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આ તમામ લોકોના નિવેદનો બાદ પોલીસે તેમને છોડી મૂક્યા હતા. ત્યારબાદ કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરા સહિતની તપાસ પણ કરવામાં આવી હતી.

    ઇયરફોનથી ગુનેગારની ધરપકડ, ગુનો કબૂલ્યો

    ઘટનાના બે દિવસ બાદ પોલીસતંત્ર પર દબાણ ઊભું થઈ રહ્યું હતું. સીસીટીવી કેમેરા અને અન્ય તપાસના આધારે પોલીસે શનિવારે (10 ઑગસ્ટ) એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેનું નામ સંજય રૉય હોવાનું સામે આવ્યું હતું. આરોપ છે કે, તેણે જ ટ્રેની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તરત જ તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતે ગુનો કર્યો હોવાની તમામ કબૂલાત પણ કરી લીધી છે. હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    સંજય રૉય નામનો આરોપી સિવિક વોલીન્ટિયર હતો. જોકે, આધિકારિક રીતે તેને નાગરિક સ્વયંસેવક જ કહેવામાં આવે છે, તેમ છતાં લોકો તેને ‘સિવિક પોલીસ’ તરીકે ઓળખે છે. તેની ઓળખ ‘સિવિક પોલીસ’ તરીકેની હોવાથી તે સરળતાથી હોસ્પિટલમાં આવજાવ કરી શકતો હતો. તે ગુરુવારે રાત્રે 2 વાગ્યે હોસ્પિટલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. જોકે, 40 મિનિટમાં તે પરત બહાર પણ આવી ગયો હતો. પરંતુ સવારે 4 વાગ્યે તે ફરીથી હોસ્પિટલમાં દાખલ થતો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તે પોલીસ સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે હજુ સુધી તેના વ્યવસાય વિશે કોઇ ફોડ પાડ્યો નથી.

    ન્યૂઝ18એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આરોપીના ઇયરફોનના કારણે જ તેની ધરપકડ થઈ શકી હતી, કારણ કે, તે બ્લૂટૂથ ઇયરફોન પહેરીને જ હોસ્પિટલમાં પ્રવેશ કરતો દેખાયો હતો, પરંતુ સીસીટીવીમાં જોતાં તે બહાર નીકળતો હતો, ત્યારે તે ઇયરફોન તેના ગળામાં નહોતા. ત્યારબાદ પોલીસની ટીમે હોસ્પિટલમાંથી તે ઇયરફોનને શોધ્યા હતા અને તેની પુરાવા તરીકે તપાસ પણ કરી હતી. હાલ તે પોલીસની રિમાન્ડ હેઠળ છે. તેના પર BNSની કલમ 64 (દુષ્કર્મ) અને 103 (હત્યા) હેઠળ ગુનો નોંધાયો છે. 23 ઑગસ્ટ સુધી તે પોલીસ કસ્ટડીમાં રહેશે. જોકે, પોલીસ સામે તેણે ગુનાની કબૂલાત પણ કરી લીધી છે.

    પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન યથાવત

    બીજી તરફ આ ઘટના બાદથી પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મેડિકલના અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારના રોજ જુનિયર ડૉક્ટરો, રેજીડેન્ટ અને પેરામેડિકલ સ્ટાફે રાજ્યની અનેક મેડિકલ કોલેજોમાં વિરોધ પ્રદર્શન કર્યાં હતાં, જેમાં આરજી કર મેડિકલ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. તે સિવાય શહેર અને રાજ્યની અન્ય કેટલીક હોસ્પિટલો અને કોલેજોમાં પણ વિરોધનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને આરજી કર મેડિકલ કોલેજમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ડૉક્ટરોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી.

    સેંકડો વિદ્યાર્થીઓ, જુનિયર ડૉક્ટરો અને સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના પર સખત કાર્યવાહીની માંગણી કરી છે. પરિસરમાં પોલીસદળોના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. ઘણી હોસ્પિટલોમાં OPDની સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે, સામાન્ય લોકો અને દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીઓએ 24*7 સુરક્ષાની અને સીસીટીવી કેમેરાની માંગણી કરી છે. આ ઉપરાંત તેમણે આરોપીઓને આકરી અને જલ્દી સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ લઈ જવાની પણ માંગણી કરી હતી. અન્ય વિદ્યાર્થિનીઓ રાજ્યમાં સુરક્ષિત રહે તે માટે કાયદા અને વ્યવસ્થામાં પરિવર્તન કરવાની માંગણી પણ કરવામાં આવી છે. હાલ પણ આ વિરોધ પ્રદર્શનો ચાલુ હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં