થોડા દિવસ પહેલાં રાજકોટમાં એક યુવતીની લાશ મળી આવી હતી, જે મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ જૂનાગઢના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ યુવતી તેમની જ પુત્રી છે અને તેઓ પોતે DNA ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, જૂનાગઢના પંકજભાઈ રાયઠા નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, રાજકોટની લાલપરી ખાણમાંથી એક યુવતીની કટકા કરેલી લાશ મળી આવી છે, જેની ઉંમર પોલીસના જણાવ્યા અનુસાર 17થી 21 વર્ષ જેટલી છે અને મારી દીકરીની ઉંમર પણ 17 વર્ષ છે.
તેમણે દાવો કર્યો કે જે લાશ મળી આવી છે તે તેમની દીકરીની જ છે અને તે માટે તેઓ DNA ટેસ્ટ કરવા પણ તૈયાર છે. તેમણે રાજકોટ પોલીસથી લઈને એસપી, DIG અને ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી.
મુસ્લિમ યુવકે અપહરણ કર્યું હતું
મૃતક યુવતી પોતાની પુત્રી હોવાનો દાવો કરનાર જૂનાગઢના વ્યક્તિએ જણાવ્યું હતું કે, દોઢેક મહિના પહેલાં સલમાન નામનો એક ઈસમ તેમની પુત્રીનું અપહરણ કરીને લઇ ગયો હતો. જે અંગે તેમણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ દોઢ મહિના પછી પણ સંતોષકારક તપાસ થઇ નથી તેમ તેમણે જણાવ્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીનું અપહરણ કરી જનાર સલમાન બાનવા પાસે બે આધારકાર્ડ છે. જેમાં એકમાં તેનું પોતાનું નામ લખ્યું છે અને બીજું અજય પંડ્યા નામનું આધારકાર્ડ છે.
દસ દિવસ પહેલાં લાશ મળી આવી હતી, ઓળખ હજુ થઇ શકી નથી
દસેક દિવસ પહેલાં રાજકોટમાં લાલપરી નદીના કિનારેથી બે કોથળામાં લાશના કટકા કરેલી હાલતમાં એક યુવતીની લાશ મળી આવી હતી. હજુ સુધી તેની ઓળખ થઇ શકી નથી અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને મારી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
યુવતીના ગળામાંથી પોલીસને ભગવાન શિવજીના ચાર લોકેટ મળી આવ્યાં હતાં, જે ચોટીલાનાં હોવાનું જાણવા મળતાં પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત, જ્યાંથી લાશ મળી તે નદીમાં પણ ફાયરબ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
હાલ આ મામલે રાજકોટ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ IPCની કલમ 302, 201 અને 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.