રાજકોટમાં એક 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તે એક સ્યુસાઇડ નોટ પણ છોડી ગઈ છે. જેમાં તેના પિતાને મૃત્યુનું કારણ ગણાવ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
કિશોરી દિવ્યા ડોડિયા ધોરાજીની રોયલ સ્કુલની હોસ્ટેલમાં રહીને ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેણે શનિવારે મોડી રાત્રે હોસ્ટેલના પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લઈને જીવન ટૂંકાવી લીધું હતું.
રાત્રે 12 વાગ્યે કિશોરીએ આત્મહત્યા કરી હોવાની જાણકારી મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ આદરી હતી. તેમને ત્યાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જે પણ મીડિયાના માધ્યમથી બહાર આવી છે.
સ્યુસાઇડ નોટમાં કિશોરીએ તેના પિતાને જવાબદાર ગણાવીને અંગ્રેજીમાં ‘આઈ હેટ યુ પપ્પા’ લખ્યું હતું. કિશોરીએ લખેલી સ્યુસાઇડ નોટ અક્ષરસ: આ પ્રમાણે છે.
‘પપ્પા, મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઇ ગઈ હતી, કેમ કે તમે મને ક્યારેય પોતાની દીકરી જ ન હતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું. મારા મરવા પાછળ મને એક બાણો અફસોસ છે, જેણે મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. Sorry Dadi.
‘I Hate you Papa.
‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજે કેમકે આટલા ટેંશનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક-એક આંસુનો હું બદલો લઈશ.’
દિવ્યા કુતિયાણાની વતની છે. તે ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તેના મૃત્યુ બાદ પરિવારને પણ જાણ કરવામાં આવતાં તેઓ પણ રાત્રે જ દોડી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, કિશોરીએ મૃત્યુ પહેલાં અડધા કલાક સુધી પરિવારના સભ્યો સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.
રાજકોટમાં વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત મામલે પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી.