રાજકોટ એરપોર્ટ પર રવિવારે (23 જુલાઈ, 2023) રાત્રે વિચિત્ર ઘટના બની. અહીં દિલ્હીથી રાજકોટ જનાર એક એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવી પડી. રદ કરવાનું કારણ ખરાબ હવામાન કે ટેક્નિકલ ખામી ન હતું પણ પાયલોટની જીદ હતી. આ જ ફ્લાઇટમાં ભાજપના ત્રણ સાંસદો પણ જવાના હતા પરંતુ આખરે પાયલોટ ટસનો મસ ન થતાં તેમણે યાત્રા ટૂંકાવવી પડી.
વાસ્તવમાં બન્યું એવું કે, રવિવારે રાત્રે 8:30 વાગ્યે રાજકોટ-દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટ શિડ્યુલ કરવામાં આવી હતી. જેમાં રાજકોટથી ભાજપ સાંસદ મોહન કુંડારિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને તાજેતરમાં ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિત 100 લોકો યાત્રા કરવાના હતા. બોર્ડિંગ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તમામ મુસાફરોને બેસાડી પણ દેવામાં આવ્યા પરંતુ 9:45 સુધી ફ્લાઇટ એરપોર્ટ પરથી ઉપડી જ નહીં. આખરે પોણા દસે તેમને જણાવવામાં આવ્યું કે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. રદ થવાનું કારણ એ છે કે આ ફ્લાઇટ જે પાયલોટ લઇ જવાનો હતો તેના શિફ્ટના કલાકો પૂરા થઇ ગયા હતા, જેથી તેણે જવાની ના પાડી દીધી હતી.
પહેલાં એરપોર્ટ ઓથોરિટી અને ત્યારબાદ દિલ્હીથી પણ તેને સમજાવવાના ઘણા પ્રયાસો કરી જોયા પણ તે ટસનો મસ થયો ન હતો અને ફ્લાઇટ લઇ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આખરે 10 વાગ્યે મુસાફરોને કહી દેવામાં આવ્યું કે તેમની ફ્લાઇટ હવે સોમવારે બપોરે ઉપડશે.
આ ઘટનાને લઈને સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, કલાકો સુધી અમે દિલ્હીની ફ્લાઇટ ઉડાન ભરે તેની રાહ જોઈ રહ્યા, પણ પાયલટ માનવા તૈયાર ન હતા. તેમના કામના કલાકો પૂર્ણ થઇ ગયા હોવાની ફ્લાઇટ ઉપાડવાની ના પાડી દીધી હતી. કલાકો સુધી આ મામલાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવા છતાં પાયલટ ન માનતાં આખરે ફ્લાઇટ રદ કરવી પડી હતી.
ફ્લાઇટ ન ઉપડવાના કારણે સાંસદ પૂનમબેન જામનગર રવાના થયાં હતાં અને જ્યાંથી દિલ્હીની ફ્લાઇટ પકડી હતી. જ્યારે મોહનભાઈ કુંડારિયાએ તેમની યાત્રા રદ કરી દીધી. કેસરીદેવસિંહ ઝાલા અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી દિલ્હીની ફ્લાઈટમાં રવાના થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે રિ-શિડ્યુલ કરવામાં આવી હતી.