મધ્ય પ્રદેશના મુરૈનામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં રેલવે વિભાગે હનુમાનજીને નોટિસ પાઠવી છે અને તેમને અતિક્રમણ કરનારા ગણાવીને સાત દિવસની અંદર અતિક્રમણ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાસ્તવમાં, હાલ મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર-શ્યોપુર બ્રોડગેજ રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેમાં મુરૈના જિલ્લાના સબલગઢમાં આવેલું એક હનુમાનજીનું મંદિર વચ્ચે આવી રહ્યું છે. રેલવે વિભાગનું કહેવું છે કે આ મંદિર વિભાગની જમીન પર બનાવવામાં આવ્યું છે અને જેથી તેને હટાવવામાં આવે.
हिम्मत तो देखो.. रेल विभाग ने बजरंगबली को दिया नोटिस, सात दिवस में मंदिर हटाये अन्यथा तोड़ दिया जायेगा, मुरैना जिले की सबलगढ़ तहसील मुख्यालय का मामला @ABPNews pic.twitter.com/9se85qMrbu
— Brajesh Rajput (@brajeshabpnews) February 12, 2023
આ હટાવવા માટે રેલવે વિભાગે એક નોટિસ પાઠવી હતી. આ નોટિસ સ્વયં મંદિરમાં બિરાજમાન હનુમાનજીને પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં અતિક્રમણ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવ્યું છે કે જો અતિક્રમણ હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા તેને હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને જેનો ખર્ચ તેમની પાસેથી (હનુમાનજી પાસેથી) વસૂલવામાં આવશે.
રેલવે વિભાગની આ નોટિસ ઝાંસી રેલ મંડળના સિનિયર બ્લોક એન્જિનિયર તરફથી 8 ફેબ્રુઆરીના રોજ ઇસ્યુ કરવામાં આવી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
શું લખવામાં આવ્યું છે નોટિસમાં?
નોટિસમાં હનુમાનજીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, ‘તમારા દ્વારા સબલગઢની વચ્ચે મકાન બનાવીને રેલવે ભૂમિ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. જેથી આ નોટિસના સાત દિવસની અંદર રેલવે જમીન પર કરવામાં આવેલું અતિક્રમણ હટાવીને જમીન ખાલી કરવામાં આવે અથવા તમારા દ્વારા કરવામાં આવેલ આ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવશે અને જેના તમામ ખર્ચની જવાબદારી સ્વયં તમારી હશે.’
રેલવે અધિકારીએ પહેલાં સામાન્ય પ્રક્રિયા ગણાવી, પછી કહ્યું- ભૂલથી ભગવાનનું નામ લખાઈ ગયું
આ નોટિસનો મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ મીડિયા દ્વારા રેલવે વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ‘અમર ઉજાલા’ના રિપોર્ટ અનુસાર જ્યારે આ નોટિસની સત્યતા જાણવા માટે ઝાંસી રેલ મંડળના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો પહેલાં તેમણે આને રેલવેની સામાન્ય પ્રક્રિયા ગણાવી હતી અને કહ્યું કે આ નોટિસ સંપૂર્ણ રીતે સાચી છે. જોકે, પછીથી તેમણે જણાવ્યું હતું કે, ભૂલથી મંદિર માલિકની જગ્યાએ ભગવાન બજરંગબલીનું નામ નોટિસમાં લખી દેવામાં આવ્યું હતું, જેને હાલ સુધારવામાં આવી રહ્યું છે.