Saturday, October 12, 2024
More
    હોમપેજદેશ'માત્ર સિસ્ટમ સાથે છેતરપિંડી નહીં, લાયક વિદ્યાર્થીઓના અધિકારો સાથે પણ ખિલવાડ': પૂજા...

    ‘માત્ર સિસ્ટમ સાથે છેતરપિંડી નહીં, લાયક વિદ્યાર્થીઓના અધિકારો સાથે પણ ખિલવાડ’: પૂજા ખેડકરને કોર્ટમાંથી પણ રાહત ન મળી, આગોતરા જામીનની અરજી ફગાવાઈ

    આ સાથે કોર્ટે બેન્ચમાર્ક ડિસેબિલિટી ક્વોટામાં લાભો મેળવીને નોકરી મેળવી હોય પરંતુ તેને લાયક ન હોય તેવા ઉમેદવારો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

    - Advertisement -

    દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે (1 ઑગસ્ટ) ભૂતપૂર્વ તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર (Puja Khedkar) દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન માટેની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, પૂજા ખેડકર સામેના આરોપો ગંભીર છે અને પ્રથમ દ્રષ્ટિએ આ આરોપો માટે તેમની સામે એક બૃહદ તપાસ અને પૂછપરછ જરૂરી છે, જેથી આગોતરા જામીન આપી શકાય નહીં. નોંધવું જોઈએ કે UPSC દ્વારા પૂજા સામે કાયદેસર ફરિયાદ દાખલ કરાવવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જેમાં ધરપકડ સામે રાહત મેળવવા માટે પૂજાએ કોર્ટમાં અરજી કરી હતી.

    આ મામલે કોર્ટે આદેશ આપતાં કહ્યું છે કે, “આ કેસમાં તપાસનો વિસ્તાર વધારવાની જરૂર છે. પૂજાએ એક સુનિયોજિત ષડ્યંત્ર રચ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. જેથી સત્ય સામે લાવવા માટે તેમની પૂછપરછ અને તપાસ જરૂરી છે. સાથે કહ્યું કે, પૂજાએ અનેક વખત ગેરરીતિ આચરીને માત્ર UPSC સાથે જ છેતરપિંડી નથી કરી પરંતુ બાકીના ઉમેદવારોને મળતા હકો સાથે પણ ખિલવાડ કરી છે.” કોર્ટે કહ્યું કે, આ ગેરરીતિ આચરવામાં પૂજાને UPSCમાંથી કોઈએ મદદ કરી છે કે કેમ, તે પણ તપાસ કરવામાં આવે.

    આ સાથે કોર્ટે બેન્ચમાર્ક ડિસેબિલિટી ક્વોટામાં લાભો મેળવીને નોકરી મેળવી હોય પરંતુ તેને લાયક ન હોય તેવા ઉમેદવારો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, કમિશને તાજેતરના ભૂતકાળમાં અન્ય કોઇ ઉમેદવારે નિયત મર્યાદા કરતાં વધુ પ્રયત્નોનો લાભ મેળવ્યો હોય, લાયક ન હોવા છતાં OBC (નોન ક્રીમી લેયર) ક્વોટાનો લાભ મેળવ્યો હોય, લાયક ન હોવા છતાં દિવ્યાંગતા ક્વોટામાં ભરતી પામ્યા હોય તેવા ઉમેદવારો છે કે કેમ તે પણ તપાસ કરવી જોઈએ.

    - Advertisement -

    બીજી તરફ, પૂજા ખેડકરે કોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે એક અધિકારી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવા બદલ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. સાથે પોતાના દિવ્યાંગતા પ્રમાણપત્રનો પણ બચાવ કર્યો અને મીડિયા સામે આંગળી ચીંધીને કહ્યું કે, UPSC દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સતત તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. તેમના વકીલે ધરપકડ પર રોક લગાવીને આગોતરા જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.

    દિલ્હી પોલીસ તરફથી પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું કે, છેતરપિંડીનો ગુનો ત્યાં સુધી ન બને જ્યાં સુધી કોઇ એક પક્ષ છેતરાયો ન હોય. આ કિસ્સામાં એવું UPSC સાથે બન્યું છે. આ તબક્કે સંપૂર્ણ અને તલસ્પર્શી તપાસ જરૂરી છે. જ્યારે UPSC તરફથી હાજર વકીલે કહ્યું હતું કે, ખેડકરે UPSC પરીક્ષા પદ્ધતિની નીતિમત્તાને નુકસાન પહોંચાડ્યું છે. આ કિસ્સામાં તેમની પૂછપરછ અને તપાસ અત્યંત જરૂરી છે.

    બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ખેડકરના આગોતરા જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે “હાલના તથ્યો અને સંજોગો અનુસાર, કોર્ટનો અભિપ્રાય છે કે આરોપીની તરફેણમાં આગોતરા જામીનની સત્તાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી.” જેથી સ્પષ્ટ છે કે દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે (31 જુલાઈ) UPSC દ્વારા વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરવાની અને તેમને ભવિષ્યની પરીક્ષાઓ માટે પ્રતિબંધિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. તે પહેલાં UPSCની ફરિયાદ પર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ ખેડકર વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ અને OBC (નોન-ક્રિમી લેયર) ક્વોટાનો દુરુપયોગ કરવા બદલ કેસ નોંધ્યો હતો. જે મામલે હાલ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં