દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોના ધરણા ચાલી રહ્યા છે ત્યારે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા બુધવારે (3 મે, 2023) પોતાનું સમર્થન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલવાનોના સમર્થકોએ પીટી ઉષા સાથે ગેરવર્તણૂક કરી હતી. લોકો વચ્ચે ઘેરાયેલા પીટી ઉષાને બાદમાં સુરક્ષાદળોએ બહાર કાઢ્યા હતા.
ભારતના દિગ્ગજ મહિલા રનર પીટી ઉષા જંતર-મંતર પર પહેલવાનોના ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા હતા. જોકે, જે પહેલવાનોને તેમનું સમર્થન મળ્યું તે જ પહેલવાનોના સમર્થકોએ પીટી ઉષા સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દિગ્ગજ ખેલાડી સાથે આ પ્રકારના વર્તનને લઈને લોકો રોષે ભરાયા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સહિત અનેક લોકો પીટી ઉષાને ઘેરી વળ્યા હતા અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. એક મહિલા પીટી ઉષા તરફ આંગળી ચીંધીને કહી રહી છે કે, ‘આમણે મહિલાઓનું અપમાન કર્યું છે.’ આ દરમિયાન પીટી ઉષા ભીડથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ પીટી ઉષા સામે જોરજોરથી રાડો પાડતા જોવા મળે છે. કારમાં બેઠેલા પીટી ઉષા સામે આવીને એ વૃદ્ધ વ્યક્તિ બરાડા પાડીને બોલે છે કે, ‘અમે લશ્કરી માણસો છીએ. અમારી બહેન-દીકરીઓ માટે કંઈ કરી શકતા હો તો કહો.’
PT Usha देश की शान रही हैं, वो भी उस वक्त से, जब #जंतर_मंतर पर बैठे पहलवान पैदा भी नहीं हुए होंगे।अगर किसी ने कोई बयान दिया है तो इसका मतलब यह नहीं कि उसके साथ ऐसा बर्ताव हो।जंतर मंतर पर बैठी बेटियाँ अगर देश की बेटी हैं तो #PTUsha भी उसी देश की बेटी हैं।#WrestlersProtest pic.twitter.com/7ow3Gldd3h
— Jitender Bhardwaj (@journo_jitendra) May 3, 2023
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાએ જંતર-મંતર પર પહેલવાનોના ધરણા અંગે ટીકા કરી હતી. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે, કુસ્તીબાજો રસ્તા પર ઉતરીને ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. આ અંગે રેસલર સાક્ષી મલિકે કહ્યું હતું કે, “હું પીટી ઉષાનું સન્માન કરું છું. તેમણે અમને પ્રેરિત કર્યા છે, પણ હું મેમને પૂછવા માગું છું કે મહિલા કુસ્તીબાજોએ આગળ આવીને ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો છે. શું અમે હવે વિરોધ પણ ન કરી શકીએ?”
નોંધનીય છે કે, ઓલિમ્પિક વિજેતા પહેલવાનો રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર પર ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પીટી ઉષા પહેલવાનોને મળ્યા ત્યારબાદ રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે, “પીટી ઉષા અમારી સાથે ઊભા છે અને તેઓ અમને ન્યાય અપાવશે. તેઓ પહેલા એક એથ્લેટ છે એટલે અમારી સમસ્યા જરૂર ધ્યાનમાં લેશે.”
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ જ્યારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધી હતી ત્યારે રેસલર વિનેશ ફોગાટે કહ્યું હતું કે, ધરણા કરી રહેલા હરિયાણાના પહેલવાનોને દિલ્હી પોલીસ પર ભરોસો નથી. તો કુસ્તીબાજ સાક્ષી મલિકે એટલે સુધી કહ્યું હતું કે, “અમે સુપ્રીમ કોર્ટમાં અમારું નિવેદન આપશું. અમારો વિરોધ તેમને (બ્રિજભૂષણ શરણ સિંહ) જેલમાં નાખીને તમામ પદો પરથી હટાવ્યા પછી જ સમાપ્ત થશે.” પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહને સંસદના સભ્યપદ પરથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે.