કેરળના વાયનાડથી લોકસભા પેટાચૂંટણીમાં વિજેતા બનેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની (Priyanka Gandhi Vadra) જીતને કેરળ હાઇકોર્ટમાં (Kerala High Court) પડકારવામાં આવી છે. પ્રિયંકા સામે ઉમેદવારી કરનાર ભાજપ નેતા નવ્યા હરિદાસે (Navya Haridas) જ આ અરજી કરી છે. અરજીમાં તેમણે દાવો કર્યો કે પ્રિયંકાએ પેટાચૂંટણી દરમિયાન ભરેલા નામાંકન પત્રમાં પોતાની અને પોતાના પરિવારની સંપત્તિની પૂરતી માહિતી નથી આપી. તેમણે જે માહિતી આપી છે તે અધૂરી અને વિસંગતતા પેદા કરનારી છે. તેમણે આચારસંહિતા અને નિયમભંગ બદલ કાર્યવાહી કરીને જીત રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં આ અરજી શુક્રવારે (20 ડિસેમ્બર, 2024) આપી હતી. જોકે હાઇકોર્ટમાં 23 ડિસેમ્બરથી લઈને 5 જાન્યુઆરી સુધી રજાઓ હોવાથી આ કેસની સુનાવણી 5 જાન્યુઆરી બાદ થઈ શકશે. નવ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પ્રિયંકા વાડ્રાએ મતદારોને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. તેમણે પોતાના અને પોતાના પરિવારની સંપત્તિની ખોટી માહિતી આપીને જનતાને અંધારામાં રાખી છે.” તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રા પર જનપ્રતિનિધિ અધિનિયમ, 1951 અંતર્ગત ભ્રષ્ટ આચરણનો આરોપ લગાવ્યો છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રિયંકા ગાંધીએ નામાંકનમાં પોતાની અને પરિવારની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી નથી અને જે વિગતો આપવામાં આવી છે તે તેમની સામે જે કેસ ચાલી રહ્યા છે તેમાં ઉપલબ્ધ વિગતો સાથે મેળ ખાતી નથી. પ્રિયંકા પર નિયમોનું ઉલ્લંઘન કરીને મતદારોને ભ્રમિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અરજી હાઇકોર્ટમાં હજુ લિસ્ટ થઈ નથી. વૅકેશન બાદ આ મામલે વધુ વિગતો જાણવા મળશે.
શું કહે છે પ્રિયંકા અને તેમના પરિવારની સંપત્તિનો ગ્રાફ
પ્રિયંકા વાડ્રાએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે માત્ર 4.24 કરોડ રૂપિયાની ચલ અને 13.89 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. તેમણે પતિ રોબર્ટની માહિતી આપતાં તેમની પાસે 37.91 કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યું છે. પ્રિયંકાએ પોતાના પર 15 લાખ 75 હજારનું દેણું હોવાનું જણાવ્યું છે જ્યારે તેમના પતિ પર 10.3 કરોડનું દેણું હોવાનું તેમણે જણાવ્યું છે. પ્રિયંકા ગાંધી પાસે 59.83 કિલો ચાંદી અને 2.5 કિલો સોનું છે. આ સોના સહિત તેમની પાસે 4.41 કિલો ઘરેણાં છે. પ્રિયંકા શિમલામાં 48,997 વર્ગ ફૂટનું વિશાળ ઘર ધરાવે છે, સાથે જ તેમની પાસે 2.10 કરોડની ખેતીલાયક જમીન પણ છે.
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધીએ ઉમેદવારી કરી હતી. ત્યારબાદ તેમણે રાયબરેલીથી પણ ફોર્મ ભર્યું. પરિણામ બાદ બંને બેઠકો પરથી જીત મળી, જેથી નિયમાનુસાર એક બેઠક છોડવી પડે છે. ત્યારબાદ રાહુલે વાયનાડ બેઠક છોડી, જેની ઉપર પછીથી પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી કરી હતી. તાજેતરમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત થઈ હતી. તેમની સામે ભાજપે નવ્યા હરિદાસને ઉતાર્યાં હતાં.