વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે વડોદરામાં પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ટાટા અને એરબસ મળીને 40 C-295 જેટલાં વિમાનો બનાવવા જઈ રહ્યા છે.
વડોદરામાં પ્લાન્ટનો શિલાન્યાસ કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારતને દુનિયાનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યા છીએ. ભારત આજે પોતાનાં ફાઈટર પ્લેન બનાવી રહ્યું છે, પોતાની ટેન્ક બનાવી રહ્યું છે. પોતાની સબમરિન બનાવી રહ્યું છે.”
India is becoming a big manufacturing hub for the world. pic.twitter.com/AAlEcJrQrX
— PMO India (@PMOIndia) October 30, 2022
તેમણે ઉમેર્યું કે, “મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ’ના મંત્ર પર આગળ વધતાં ભારત આજે પોતાનું સામર્થ્ય વધારી રહ્યું છે. ભારત હવે ટ્રાન્સપોર્ટ પ્લેન્સનું પણ એક મોટું નિર્માતા બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, અહીં બનવા જઈ રહેલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણી સેનાને શક્તિ તો આપશે જ, પરંતુ તેનાથી એરક્રાફ્ટ મેન્યુફૅક્ચરિંગ માટે એક ઈકોસિસ્ટમનો પણ વિકાસ થશે.
વડાપ્રધાને કહ્યું કે, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું એવિએશન સેક્ટર આજે ભારતમાં છે અને એરટ્રાફિકના મામલામાં પણ આપણે દુનિયાના ટોચના ત્રણ દેશોમાં પહોંચવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત વિશ્વ માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. કોરોના અને યુદ્ધની પરિસ્થિતિઓ છતાં અને સપ્લાય ચેનમાં વિક્ષેપ પડ્યા છતાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ હજુ પણ યથાવત છે.
A new saga of economic reforms is being written in India today. pic.twitter.com/neyjuOWqaF
— PMO India (@PMOIndia) October 30, 2022
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લાં આઠ વર્ષોમાં જે બદલાવ અમારી સરકારે કર્યા છે, તેનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગનું અભૂતપૂર્વ પર્યાવરણ તૈયાર થયું છે. ભારતમાં આજે આર્થિક બદલાવની એક નવી ગાથા લખાઈ રહી છે, જેનો મોટો ફાયદો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, આજે દેશ મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ રહેવાની તૈયારી કરે છે તો સેમીકંડક્ટરથી લઈને એરક્રાફ્ટ સુધી, દરેક ક્ષેત્રમાં આગળ રહેવાના ઇરાદે આગળ વધી રહ્યા છીએ.
વડોદરા ખાતેનો આ પ્લાન્ટ દર વર્ષે 8 જેટલાં એરક્રાફ્ટ તૈયાર કરશે અને 2026થી 2031 વચ્ચે 40 જેટલાં વિમાનો તૈયાર કરશે. જ્યારે 16 વિમાનોનો પહેલો જથ્થો એરબસ દ્વારા બનાવવામાં આવશે, જેનું નિર્માણ 2023થી 2025 વચ્ચે સ્પેનમાં કરવામાં આવશે. આ કરાર હેઠળ કુલ 56 વિમાનો બનાવવામાં આવનાર છે.