કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં હિંદુ સંગઠન ‘બજરંગ દળ’ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ અંગે PM મોદીએ કર્ણાટક રાજ્યના હોસપેટમાં કહ્યું હતું કે, આ હનુમાનજીની પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિને નમન કરવું તેમના માટે અત્યંત સૌભાગ્યની વાત છે, પરંતુ કમનસીબી જુઓ કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ બલીને તાળાબંધ કરવાનો નિર્ણય કર્યો છે.
PM મોદીએ કર્ણાટક પ્રચારમાં કહ્યું કે, પહેલા કોંગ્રેસે ભગવાન શ્રીરામને તાળામાં બંધ કર્યા હતા, હવે ‘જય બજરંગ બલી’ બોલનારાઓ પર તાળા મારવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ પાર્ટીને પ્રભુ શ્રીરામથી પણ તકલીફ થતી હતી અને હવે ‘જય બજરંગ બલી’ કહેનારાઓથી પણ તકલીફ થઈ રહી છે. PMએ એવું કહ્યું કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ ગેરંટી પૂરી કરવાનો નહીં, પણ ગરીબોને લૂંટવાનો છે.
પીએમનો વિપક્ષ પર પ્રહાર: ‘આપણે કર્ણાટકને કોંગ્રેસની 85% કમિશનવાળી આદતથી બચાવવાનું છે’
PMએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, “લોન માફીથી લઈને દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની ગેરંટી સુધી કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણું જ બોલી છે. કોંગ્રેસ ગેરંટીની વાત કરે છે, પણ તેનો હેતુ કંઈક બીજો જ છે. કોંગ્રેસ યોજનાઓમાં 85% નાણા પર નજર રાખે છે. આપણે કર્ણાટકને કોંગ્રેસની 85% કમિશનવાળી આદતથી બચાવવાનું છે. કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેને દેશના દરેક ક્ષેત્રમાં નકારી કાઢવામાં આવી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ એવી ડંફાસ મારતી હતી કે આખા ભારતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તેનું જ શાસન છે, પરંતુ આજે ભારતની જનતા પાર્ટીએ તેને ગણ્યાગાંઠયા રાજ્યોમાં સમેટી દીધી છે.
#WATCH | Today it is my great fortune to bow down to this holy land of Hanuman ji and see the misfortune, today when I have come here, at the same time the Congress party has decided to lock Bajrangbali in its manifesto. Earlier Shri Ram was locked up and now they have taken the… pic.twitter.com/F2IqRrQ8xp
— ANI (@ANI) May 2, 2023
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું: ‘સિદ્ધારમૈયા જીતે તો PFI પરથી પ્રતિબંધ હટાવી લેશે’
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૈસુરમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળ થાય અને સિદ્ધારમૈયા જીતે તો આ લોકો PFI પરથી પ્રતિબંધ હટાવી લેશે. ઉલ્લેખનીય છે કે, કટ્ટર ઇસ્લામી સંગઠન PFI ભારતને 2047 સુધી ‘ઇસ્લામી રાજ્ય’ બનાવવાના મિશન પર લાગેલું હતું, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમિત શાહે કહ્યું કે સિદ્ધારમૈયાએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી.
અમિત શાહે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકને કેન્દ્રનું એટીએમ બનાવ્યું. સિદ્ધારમૈયાના રાજમાં કર્ણાટકમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે. સમગ્ર ભારતમાં સૌથી ભ્રષ્ટાચાર કરનારી સરકાર સિદ્ધારમૈયાની સરકાર હતી. સિદ્ધારમૈયાએ ‘લિંગાયતોએ અહીં ભ્રષ્ટાચાર કર્યો છે’ કહીને લિંગાયત સમુદાયનું અપમાન કર્યું છે. નિજલિંગપ્પા અને વીરેન્દ્ર પાટિલને હટાવીને કોંગ્રેસ પાર્ટી પહેલા પણ લિંગાયત સમુદાયનું અપમાન કરી ચૂકી છે.