પાકિસ્તાનમાં મુલતાન શહેરમાંથી એક અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક હોસ્પિટલની છત ઉપર 500 જેટલા મૃતદેહો લાવારિસ પડ્યા હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ઘણા મૃતદેહોમાંથી અંગો પણ ગાયબ હોવાનું કહેવાય રહ્યું છે.
આ કિસ્સો પાકિસ્તાનમાં પંજાબના મુલતાન શહેરની પંજાબ નિશ્તાર હોસ્પિટલનો છે. જોકે, આ મૃતદેહો હોસ્પિટલની છત પર શા માટે રાખવામાં આવ્યા છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. આ મૃતદેહોના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જે અત્યંત ભયાવહ છે. (વિડીયો વિચલિત કરી શકે છે)
Pakistan: 500 abandoned dead bodies were recovered from Punjab province’s Nishtar Hospital.
— Parvez Iqbal (@PervezIqbal_) October 14, 2022
Many corpses had their chests ripped open and their organs removed, & the big size pants of the corpses indicate that they were Baloch people.#BalochGenocide pic.twitter.com/gzWh5L5YmI
રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રીના સલાહકાર ચૌધરી ઝમન ગુજ્જરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શબઘરની છત ઉપર મૃતદેહોનો ઢગલો જોયો હતો. તેમણે આ અંગે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપી આ મૃતદેહોનો નિકાલ કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત, આ મામલાની તપાસ માટે છ સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. જે ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપશે.
મેડિકલ યુનિવર્સીટીના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આ મૃતદેહોનો ઉપયોગ મેડિકલ પ્રયોગો માટે કરવામાં આવી રહ્યો હતો. તેણે કહ્યું કે, મૃતદેહોનો પ્રયોગ કરવામાં આવી ચૂક્યો હતો અને તેમને આગળના મેડિકલ પ્રયોગ માટે હાડકાં અને ખોપડીઓ કાઢવા માટે અગાસીએ રાખવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, આ મામલે સેક્શન અધિકારીએ નિશ્તાર હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, મુલતાનની નિશ્તાર હોસ્પિટલની અગાસીએ મૃતદેહોના સડવાની ભયાનક ઘટના સામે આવી છે. જેનાથી લોકોમાં આક્રોશ છે. પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.”
પત્રમાં આગળ જણાવવામાં આવ્યું કે, “ઉપરોક્ત વિષય અન્વયે મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરી તેનો રિપોર્ટ તૈયાર કરી ત્રણ દિવસની અંદર કાર્યાલયને મોકલવાનો રહેશે.”
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાકિસ્તાનની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે. ઉપરથી દેશના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણે જનજીવન ખોરવાયું હતું અને સ્વાસ્થ્યથી માંડીને તમામ ક્ષેત્રોને માઠી અસર પહોંચી હતી. બીજી તરફ, તેમણે મોટાભાગની અત્યંત જરૂરી દવાઓ માટે પણ ભારત ઉપર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ છે.