તમિલનાડુ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ FIR મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (21 એપ્રિલ, 2023) ઑપઇન્ડિયાનાં એડિટર-ઇન-ચીફ નૂપુર જે શર્મા અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રાહુલ રોશનને ચાર અઠવાડિયાનું રક્ષણ આપ્યું હતું. કોર્ટે કહ્યું કે, તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતું ન હોવાના કારણે તેઓ FIR રદ કરશે નહીં પરંતુ અરજદારોને તમિલનાડુ પોલીસ દ્વારા ધરપકડ સામે સુરક્ષા પૂરી પાડશે. ત્યારબાદ કોર્ટે તેમને મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
CJI ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ PS નરસિમ્હાના નેતૃત્વ હેઠળની બેન્ચે આજે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટમાં ઑપઇન્ડિયાના એડિટર-ઇન-ચીફ નુપુર જે શર્મા અને CEO રાહુલ રોશનનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી અને રવિ શર્માએ કર્યું હતું. તેમણે કોર્ટ સમક્ષ કલમ 32 હેઠળ FIR રદ કરવાની અરજી કરી હતી પરંતુ CJI ડીવાય ચંદ્રચૂડે તેમને કલમ 482 હેઠળ મદ્રાસ હાઈકોર્ટ જવા માટે કહ્યું હતું.
FIR રદ કરવા માટેની અરજી પર સુનાવણીનો ઇનકાર કરતાં CJIએ કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ જ સીધી FIR રદ કરી નાંખે તો તે કાયદા હેઠળ યોગ્ય નથી, પરંતુ તેઓ અરજદારોને રક્ષણ જરૂરથી આપી શકે તેમ છે.
આ ઉપરાંત, વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટને એવી વિનંતી કરી હતી કે જો જરૂર જણાય તો તમિલનાડુ પોલીસને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પૂછપરછ કરવાનો નિર્દેશ આપવામાં આવે, કારણકે, રાહુલ રોશન કોવિડથી સંક્રમિત છે અને નૂપુર જે શર્માને 6 વર્ષનું બાળક છે, તેથી તેઓ યાત્રા કરી શકે તેમ નથી. જેની ઉપર CJIએ કહ્યું કે, તેમણે પહેલેથી જ કોઈ કઠોર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને સાથે મજાકમાં એમ પણ ઉમેર્યું કે, સીઈઓને કોવિડ છે એટલે પોલીસ પોતે તેમને પૂછપરછ માટે બોલાવવામાં ડરશે તેથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એડિટર-ઇન-ચીફ નૂપુર જે શર્માએ ટ્વિટર પર તેમના વકીલનો આભાર માન્યો હતો અને કહ્યું કે ઑપઇન્ડિયા કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરશે અને તમિલનાડુ સરકારની આ દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી નિષ્ફ્ળ જાય તે સુનિશ્ચિત કરશે.
In the FIR filed against Rahul Roushan (CEO) of OpIndia and me (EIC) by Tamil Nadu police, Justice Chandrachud granted 4 weeks of protection from arrest to us, giving us time to approach Madras HC for quashing the FIR. We will follow due process and ensure this malicious…
— Nupur J Sharma (@UnSubtleDesi) April 21, 2023
FIR શા માટે થઈ છે?
એપ્રિલની શરૂઆતમાં તમિલનાડુ પોલીસે નુપુર જે શર્મા અને રાહુલ રોશન સામે ઑપઇન્ડિયાના એક રિપોર્ટ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. આ અહેવાલમાં દૈનિક ભાસ્કર દ્વારા તમિલનાડુમાં બિહારી શ્રમિકો પર હુમલાના આરોપો કવર કરવામાં આવ્યા હતા. ઑપઇન્ડિયાના અહેવાલમાં ભાસ્કર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો, બિહારના મુખ્યમંત્રી (નીતીશ કુમાર) અને તમિલનાડુ પોલીસના નિવેદન ટાંકવામાં આવ્યા હતા.
DMK નેતા અને આઈટી વિંગના સભ્ય સૂર્ય પ્રકાશની ફરિયાદના આધારે તમિલનાડુ પોલીસે IPCની કલમ 153-A, 501 અને 505 હેઠળ FIR દાખલ કરી હતી.