ઉત્તર પ્રદેશના લખનઉથી શ્રીનગર જતી એક ફ્લાઇટમાં એર હોસ્ટેસની છેડતી કરવા બદલ એક યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ઓળખ મોહમ્મદ દાનિશ તરીકે થઇ છે. તે ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો છે.
ઈન્ડિગો ફલાઇટ સવારે લગભગ 6:15 વાગ્યે લખનઉથી ઉપડી હતી અને 1 કલાક 40 મિનિટ બાદ અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. ફ્લાઇટ લેન્ડ થયા બાદ તરત જ સુરક્ષાકર્મીઓએ ફ્લાઇટમાં ઘૂસીને મોહમ્મદ દાનિશની ધરપકડ કરી લીધી હતી.
દાનિશ પર આરોપ છે કે તેણે ફ્લાઇટમાં એર હોસ્ટેસની છેડતી કરી હતી. ફ્લાઇટમાં કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. જે બાદ તેણે એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ એર હોસ્ટેસે સ્ટાફના અન્ય સભ્યોને ફરિયાદ કરતાં આ બાબતની જાણકારી અમૃતસર કન્ટ્રોલ રૂમને આપવામાં આવી હતી.
જેવી ફ્લાઇટ અમૃતસર લેન્ડ થઇ તેવી એરપોર્ટના સુરક્ષાકર્મીઓએ ફ્લાઇટમાં આવીને દાનિશને ઝડપી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે દાનિશની ધરપકડ કરીને તેની સામે આઇપીસી 509 (મહિલાઓ સાથે દુર્વ્યવહાર) હેઠળ કેસ દાખલ કર્યો હતો. જોકે, કલમ જામીનપાત્ર હોઈ કાર્યવાહી બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
ફ્લાઇટ લખનઉથી ઉપડીને અમૃતસર અને ત્યાંથી શ્રીનગર પહોંચવાની હતી. પરંતુ અમૃતસર એરપોર્ટ ઉપર મોહમ્મદ દાનિશ વિરુદ્ધ પોલીસ અને એરપોર્ટ સ્ટાફની કાર્યવાહીના કારણે ફ્લાઇટ લગભગ 15 મિનિટ મોડી પડી હતી.
આ પહેલાં પણ ફ્લાઇટમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં મુંબઈથી દિલ્હી જતી એક ફ્લાઇટમાં એક અભિનેત્રી સાથે અભદ્ર વ્યવહાર કરવા બદલ ગાઝિયાબાદના એક ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ફ્લાઇટ લેન્ડ થયા બાદ તેની છેડતી કરવામાં આવી હતી. મહિલાએ ફરિયાદ કર્યા બાદ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ થયા બાદ તેણે કહ્યું હતું કે, તેણે પુરુષ પેસેન્જર સમજીને એવો વ્યવહાર કર્યો હતો. જોકે, પોલીસે તેની વિરુદ્ધ આઇપીસીની કલમ હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.