બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી જ્યારે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી હતાં ત્યારે થયેલા ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયો છે. લૉજિક્સ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ નામની રિયલ એસ્ટેટ કંપનીએ માયાવતીના ભાઈ-ભાભીને નોઈડામાં 261 ફ્લેટ ગેરકાયદેસર રીતે ફાળવ્યા હોવાનું સામે આવ્યું છે. કંપનીએ આ ફ્લેટ બંનેને અડધા ભાવે આપી દીધા હતા. અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા આ ડીલ સંબંધિત સત્તાવાર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટાચાર અંગે ખુલાસો થયો હતો.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર, માયાવતીના ભાઈ-ભાભીને નોઈડામાં 261 ફ્લેટ 46% ડિસ્કાઉન્ટથી ફાળવવામાં આવ્યા હતા. માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમના પત્ની વિચિત્ર લતાને ફાળવવામાં આવેલા ફ્લેટમાં ‘છેતરપિંડી’ અને ‘અંડરવેલ્યુએશન’નો મામલો સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચાર માયાવતીના મુખ્યમંત્રી રહેતાં થયો હતો. રિપોર્ટમાં રિયલ એસ્ટેટ કંપનીની શરૂઆતથી લઈને તેની નાદારી સુધી, એમ કુલ 12 વર્ષની લેવડદેવડ અને અન્ય ગતિવિધિઓની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં મે 2023ના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લૉજિક્સ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સ્થાપના મે 2010માં કરવામાં આવી હતી. મે 2007માં બસપાએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતી અને માયાવતી મુખ્યમંત્રી બન્યાં હતાં.
લૉજિક્સ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડની સ્થાપનાને બે મહિના પણ નહોતા થયા અને કંપનીએ માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતા સાથે કરાર કર્યો હતો. કંપનીએ તેના પ્રોજેક્ટ ‘બ્લોસમ ગ્રીન્સ’માં લગભગ બે લાખ વર્ગ ફૂટની જગ્યા માટે 2,300 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ અને 2,350 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે કરાર કર્યો હતો. એ મુજબ, આનંદ કુમાર માટે કુલ ખરીદ કિંમત 46.02 કરોડ રૂપિયા અને વિચિત્ર લતા માટે 46.93 કરોડ રૂપિયા થાય છે.
Bahujan Hitay…Mayawati Sukhay
— Kumar Sahil (@KumarSahil30) June 15, 2023
Mayawati as CM, brother & wife got 261 flats at 46% discount, audit flags ‘fraudulent’ sale…#Mayawati #BSP #UttarPradesh pic.twitter.com/AOHerZxLCm
ત્યારબાદ સપ્ટેમ્બર 2010 સુધીમાં કંપનીને નોઈડામાં 22 ટાવર વિકસાવવા માટે લગભગ 22 એકર જમીન લીઝ પર આપવામાં આવી હતી. કંપનીએ 2022-23 સુધીમાં આ જમીન પરના 2,538 ફ્લેટમાંથી 2,329 ફ્લેટ વેચ્યા છે. બીજી તરફ, કંપનીએ આનંદ કુમાર અને વિચિત્ર કલાને 28.24 કરોડ અને 28.19 કરોડ રૂપિયાના 135 અને 126 પ્લોટ 4 એપ્રિલ, 2016 સુધી આપ્યા છે.
15 ફેબ્રુઆરી 2020ના રોજ લૉજિક્સ ઇન્ફ્રાટેકને બાંધકામ કંપની અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ લિમિટેડ તરફથી રૂ. 7.72 કરોડના બાકી લેણાંની માંગ કરતી પ્રથમ નોટિસ મળી હતી. લૉજિક્સ દ્વારા તેના ‘બ્લોસમ ગ્રીન્સ’ પ્રોજેક્ટ માટે આહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડને રૂ. 259.80 કરોડમાં સિવિલ અને સ્ટ્રક્ચરલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2020માં લૉજિક્સે કોવિડ-19 અને એનસીઆરમાં બાંધકામ પર પ્રતિબંધનું કારણ આપીને બાકી ચૂકવણી કરી ન હતી. જેથી તેના પર નાદારીની કાર્યવાહીનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
એ પછી મે 2023માં કંપનીનો ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ આવ્યો હતો તેની તપાસ પણ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરવામાં આવી હતી. આ રિપોર્ટ અનુસાર, બ્લોસમ ગ્રીન્સ પ્રોજેક્ટમાં માયાવતીના ભાઈ અને ભાભીને વેચવામાં આવેલા ફ્લેટમાં અંડરવેલ્યુએશન થયું હતું અને લેવડદેવડમાં પણ છેતરપિંડી થઈ હતી. આનંદ કુમાર અને તેમની પત્નીએ નાદારીની કાર્યવાહી હેઠળ લૉજિક્સ ઇન્ફ્રાટેક પાસેથી રૂ. 96.64 કરોડની રકમનો દાવો કર્યો છે.