આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાનાં પત્ની રિંકી ભુઇયાં સરમાએ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુવાહાટીની કોર્ટમાં કેસ દાખલ કરતા તેમણે 100 કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે. મનિષ સિસોદિયાએ આ મહિને એક પ્રેસ કોન્ફરન્સ કરીને હિમંત બિસ્વા સરમા અને તેમની પત્ની ઉપર આરોપ લગાવ્યા હતા.
રિંકી સરમાના વકીલે આ બાબતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બુધવાર સુધીમાં કેસ લિસ્ટ થાય તેવી તેમને આશા છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ગત 4 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવેલા પીપીઈ કિટમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપો મામલે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મનિષ સિસોદિયાએ દિલ્હીમાં 4 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આસામ સરકારે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનાં પત્નીની ફાર્મ અને પુત્રના બિઝનેસ પાર્ટનરને માર્કેટ કિંમતથી વધુ કિંમતે પીપીઈ કીટ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જોકે, આ આરોપોને આસામ સીએમ તેમજ તેમનાં પત્ની નકારી ચૂક્યા હતા અને હિમંત બિસ્વ સરમાએ એમ પણ કહ્યું કે, તેઓ મનિષ સિસોદિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરશે.
મનિષ સિસોદિયાએ વામપંથી પ્રોપેગેન્ડા મીડિયા પોર્ટલ ‘ધ વાયર’ના એક રિપોર્ટના આધારે હિમંત બિસ્વા સરમા અને તેમના પત્ની વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીએમ સરમાની પત્ની રિંકી ભુઈયાં સરમાની માલિકીની એક ફર્મને પીપીઈ કિટ અને કોવિડ-19 સબંધિત અન્ય સામાનના સપ્લાય માટે જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર આદેશ આપવામાં આવ્યો હતો.
આ આરોપોનો જવાબ આપતા હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “જ્યારે દેશ 100થી વધુ વર્ષોની સૌથી ખરાબ મહામારીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આસામ પાસે પીપીઈ કિટની ઘટ હતી. આવા સમયે મારી પત્નીએ આગળ આવવાનું સાહસ કર્યું અને લોકોના જીવ બચાવવા માટે સરકારને લગભગ 1500 કિટ મફત દાન કરી હતી. તેમણે એક પણ રૂપિયો લીધો ન હતો.”
The company in question wrote to Assam’s NHM stating that supply of around 1,500 PPE kits for Covid warriors must be treated as CSR contribution and hence not a single rupee must be paid by Govt. pic.twitter.com/HnFbs5ZbPy
— Himanta Biswa Sarma (@himantabiswa) June 5, 2022
રિપોર્ટ બાદ રિંકી સરમાએ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે, તેમણે પીપીઈ કિટની આપૂર્તિ માટે એક પણ રૂપિયો લીધો નથી અને CSR હેઠળ નેશનલ હેલ્થ મિશનને પીપીઈ કિટ દાનમાં આપવામાં આવી હતી અને તે માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો ન હતો.
જોકે, તેમ છતાં મનિષ સિસોદિયાએ માફી માંગી ન હતી કે નિવેદન પરત ખેંચ્યું ન હતું. જે બાદ આખરે હવે આસામ સીએમનાં પત્નીએ મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયા આમ આદમી પાર્ટીના એકમાત્ર વરિષ્ઠ નેતા નથી જેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપોને પગલે કેસ દાખલ થયો હોય. આ પહેલાં આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાઓ અરૂણ જેટલી અને નીતિન ગડકરી વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા હતા. જે બાદ માનહાનિના કેસ દાખલ થતા કેજરીવાલે માફી માંગવી પડી હતી.