મણિપુરમાં મહિલાઓને નગ્ન હાલતમાં પરેડ કરાવવાનો 2 મહિના જૂનો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. બીજી તરફ મણિપુર પોલીસ પણ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ હ્રદયદ્રાવક વિડીયો બુધવારે (19 જુલાઈ, 2023) વાયરલ થયો હતો.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, મણિપુર પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરોદાસ મૈતેઈ તરીકે થઇ છે. તે પેચી આવાંગનો રહેવાસી છે. મણિપુર પોલીસે તેની તસ્વીર પણ જારી કરી હતી. જેમાં તે કસ્ટડીમાં જોવા મળે છે. આ કેસમાં આ પહેલી ધરપકડ હોવાનું કહેવાય છે.
Manipur | The main culprit who was wearing a green t-shirt and seen holding the woman was arrested today morning in an operation after proper identification. His name is Huirem Herodas Meitei (32 years) of Pechi Awang Leikai: Govt Sources
— ANI (@ANI) July 20, 2023
(Pic 1: Screengrab from viral video, Pic… pic.twitter.com/e5NJeg0Y2I
જાણવા મળ્યા અનુસાર વાયરલ વિડીયોમાં એક મહિલાને પકડીને ચાલતો ગ્રીન ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ મૈતેઈ જ છે, જેની હાલ ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. જાણવા મળ્યા અનુસાર, આ ઘટના 4 મે, 2023ના રોજ બની હતી. અહીં ઉલ્લેખનીય છે કે મણિપુર રાજ્યમાં 3જી મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. વિડીયોમાં જોવા મળે છે કે, બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવામાં આવી રહી છે અને તેમની આસપાસ પુરૂષો ચાલતા અને છેડતી કરતા જોવા મળે છે. ત્યારબાદ તેમને એક ખેતરમાં લઇ જવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, આ બંને સાથે રેપ પણ કરવામાં આવ્યો હતો. આ મામલે ગત 21 જૂન, 2023ના રોજ મણિપુરના એક પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે કેસ નોંધાયો હતો.
વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં તેના પ્રત્યાઘાતો પડ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ ઘટનાના કારણે મારું હૃદય પીડા અને ક્રોધથી ભરાઈ ગયું છે અને આ પ્રકારની ઘટનાઓ સાંખી લેવામાં નહીં આવે. તેમણે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને કોઈને ન બક્ષવાની ખાતરી આપી હતી. બીજી તરફ મણિપુર સીએમ એન બિરેન સિંઘે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિડીયો વાયરલ થયા બાદ મણિપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સવારે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે અને તેઓ સુનિશ્ચિત કરશે કે ગુનેગારોને ફાંસી જેવી કડકમાં કડક સજા મળે.