કેનેડામાં ફરી એક વાર મહાત્મા ગાંધીની મૂર્તિને ક્ષતિ પહોંચાડવાની ઘટના સામે આવી છે. આ મુદ્દાને લઈને ભારતે ભારે વિરોધ નોંધાવ્યો છે. કેનેડામાં આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, તેમજ અપરાધીઓને પકડીને કડક સજા કરવાની બાહેંધરી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં સ્થિત સિમોન ફ્રેઝર યુનિવર્સિટીના કેમ્પસમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત હતી. આ મૂર્તિને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ક્ષતિ પહોચાડવામાં આવી છે. મૂર્તિને ક્ષતિ પહોંચાડેલા ફોટો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોવા મળે છે કે મૂર્તિ પરથી માથાના ભાગને તોડીને અલગ કરીને દૂર ફેંકી દેવામાં આવ્યો છે. આ બાબતને લઈને ભારતે કડક વલણ ધરાવ્યું છે. જેના જવાબમાં કેનેડા તરફથી પણ આ મામલે સખત કાર્યવાહી કરવા માટે બાંયધરી આપવામાં આવી છે. એક એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટનાને ખાલિસ્તાનીઓએ જ અંજામ આપ્યો હોવો જોઈએ.
કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસે આ મામલે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, ‘શાંતિના અગ્રદૂત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડ કરવાના જઘન્ય અપરાધની સખત નિંદા કરીએ છીએ. કેનેડિયન સત્તાધારીઓને આ બાબતે તાત્કાલિક તપાસ કરવા અને આરોપીઓ સામે પગલાં લેવા અપીલ કરીએ છીએ.’
Consulate General of India in Vancouver condemns the vandalising of the statue of Mahatma Gandhi at @SFU Burnaby campus. https://t.co/8ZQ5JGoaZ7 pic.twitter.com/wx6g7B9ODJ
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 28, 2023
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે (23 માર્ચ 2022) કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સ્થિત સિટી હોલમાં બનેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ નુકસાન પહોચડવામાં આવ્યું હતું. આરોપીઓએ મૂર્તિ પર સ્પ્રે કલર પણ કર્યો હતો. આ મામલે પણ ખાલિસ્તાની કનેક્શન સામે આવ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી વિશ્વભરમાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતનો વિરોધ કરીને આવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. જુલાઈ 2022માં પણ કેનેડાના રિચમંડ હિલમાં વિષ્ણુ મંદિરની બહાર સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. આટલું જ નહીં વિવિધ દેશોમાં કેટલાક હિંદુ મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં તેમજ વિવિધ માધ્યમોથી ભારતને ધમકીઓ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.