Friday, November 8, 2024
More
    હોમપેજદેશરતન ટાટાના નિધનથી શોકમગ્ન થયો દેશ પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ: ઝારખંડ-મહારાષ્ટ્રમાં એક...

    રતન ટાટાના નિધનથી શોકમગ્ન થયો દેશ પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ: ઝારખંડ-મહારાષ્ટ્રમાં એક દિવસીય શોક, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

    રતન ટાટાના નિધન બાદ વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાની ઘોષણા કરી છે.

    - Advertisement -

    બુધવારે રાત્રે (9 ઓક્ટોબર 2024) દેશના દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન (Ratan Tata Death) થયું. આ સમાચાર બાદ દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ હતી અને તેઓ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ વડાપ્રધાન મોદીએ (PM Modi) શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાની ઘોષણા કરી છે. ઝારખંડમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત સીએમ હેમંત સોરેને (Hemant Soren) કરી છે. સાથે જ રતન ટાટાના અંતિમ સંસ્કાર વિશે પણ જાણકારીઓ સામે આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર રતન ટાટાના મૃત્યુના સમાચાર બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે. સીએમ હેમંત સોરેન દ્વારા X પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પોતાના તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારની ઘોષણા કરી છે.

    બીજી તરફ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3:30 વાગ્યા સુધી રતન ટાટાના પાર્થિવ દેહને જાહેર જનતાના દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસ ટ્રાફિક તેમજ પાર્કિંગની વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરી રહી છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી સ્મશાન ખાતે સાંજે 4 વાગ્યાના આસપાસ કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા ડૉ. મોસેસ રોડ પરથી નીકળશે અને વર્લી સ્મશાનઘાટ સુધી કાઢવામાં આવશે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

    નોંધનીય છે કે વડાપ્રધાન મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ X પર લખ્યું કે, “રતન ટાટા એક દીર્ઘદૃષ્ટા વ્યાવસાયિક નેતા, એક દયાળુ વ્યક્તિત્વ અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સતત નેતૃત્વ પ્રદાન કર્યું હતું. વળી, તેમનું યોગદાન બોર્ડરૂમથી પણ ઘણું આગળ વધી ગયું હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારો બનાવવાની અવિરત પ્રતિબદ્ધતા માટે ઘણા લોકોના દિલ જીતી લીધા.”

    આ દુઃખની ઘડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે પણ ટેલીફોનીક વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ભારત સરકાર તરફથી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થશે.

    રતન ટાટાના જીવનમાં એક ડોકિયું

    રતન ટાટાનો જન્મ વર્ષ 1937માં દેશના પ્રતિષ્ઠિત પૈકીના એક એવા ટાટા પરિવારમાં થયો હતો. રતન ટાટાએ શરૂઆતનો અભ્યાસ મુંબઈની કેમ્પિયન સ્કૂલ અને બાદમાં બાકીનો અભ્યાસ જોન કેનન સ્કૂલમાંથી કર્યો હતો. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. દેશમાં તેમના અનુપમ યોગદાન માટે તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    રતન ટાટા 1990થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. તેમણે ચાર મહિના સુધી માનદ ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેમની ઉપલબ્ધિઓની વાત્કરીએ તો, દેશની સહુથી સસ્તી 1 લાખ રૂપિયાની કાર નેનોનું લોન્ચિંગ, ફોર્ડ ગ્રુપની લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર અને લેન્ડ રોવરને ખરીદવા સહિત અન્ય બાબતોનો સમાવેશ થાય છે. ટાટાનું માર્કેટ કેપિટલાઇઝેશન દેશમાં સૌથી વધુ છે. મહત્વનું છે કે રતન ટાટા દ્વારા કંપનીમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે જ આ શક્ય બન્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં