ઝારખંડના પલામુમાં બુધવારે (15 ફેબ્રુઆરી, 2023) મહાશિવરાત્રિ નિમિત્તે તોરણદ્વાર લગાવતા ભક્તો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો અને આગચંપી પણ થયાં હતાં. આ ઘટના પલામુના પાંકી બજાર સ્થિત એક મસ્જિદ પાસે બની હતી.
ઘટનામાં લગભગ 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. હાલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને વધુ જાણકારી મેળવી હતી.
ઑપઇન્ડિયાએ પાંકી બજારના સામાજિક કાર્યકર્તા કમલેશ સિંહ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે મહાશિવરાત્રિનું આયોજન કોઈ નવી વાત નથી અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું, “જે ચોક પર ધમાલ થઇ ત્યાં જામા મસ્જિદ નામની એક મોટી મસ્જિદ છે. મુસ્લિમોનો નાનામાં નાનો કાર્યક્રમ હોય તોપણ આ આખી જગ્યા ઘેરી લેવામાં આવે છે પરંતુ હિંદુઓની મહાશિવરાત્રિ પર તેઓ એક તોરણદ્વાર પણ સહન કરી ન શક્યા.”
તદુપરાંત, પાંકીનાં એક ભાજપ નેતા મંજુલતા દૂબેએ જણાવ્યું હતું કે મસ્જિદમાંથી છાશવારે હિંદુઓના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવામાં આવે છે. તાજેતરની ઘટનાને લઈને જણાવ્યું કે, જે રસ્તે તોરણદ્વાર લગાવવામાં આવી રહ્યો હતો ત્યાંથી જ શિવજીની યાત્રા નીકળે છે અને થોડા અંતરે આવેલા એક પર્વત પર શિવજીના ધર્મસ્થળે જાય છે.
કમલેશ સિંહ અનુસાર, જામા મસ્જિદમાંથી જ આ વિવાદ શરૂ થયો હતો અને જે એક સમિતિ દ્વારા ચલાવવામાં આવે છે, જેનો અધ્યક્ષ અબ્દુલ હસન નામનો વ્યક્તિ છે. તેના સાથીદારો તરીકે અક્સર હસન અન્સારી, અનવર આલમ, મહબૂબ અન્સારી, શાહિદ અન્સારી અને બબલુ અન્સારીનાં નામ સામે આવ્યાં છે. તેઓ હંમેશા બજાર અને આસપાસ વિવાદ સર્જવાનું કામ કરતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બંને વ્યક્તિઓએ જણાવ્યું કે વિવાદની શરૂઆત મુસ્લિમો તરફથી થઇ હતી અને શાંતિપૂર્વક તોરણદ્વાર લગાવતા હિંદુઓને રોકવા માટે પહેલાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો આવ્યા અને પછી તેમણે દ્વાર તોડી નાંખ્યો હતો. જ્યારે હિંદુઓએ આ હરકતનો વિરોધ કર્યો તો તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને લાકડી-દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો. હિંદુઓ પર પેટ્રોલ બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, હુમલા માટે મસ્જિદને જ બેઝ બનાવવામાં આવી હતી અને હુમલાખોરો આ મસ્જિદમાંથી જ નીકળ્યા હતા. તેમજ મસ્જિદની છત પરથી પેટ્રોલ બૉમ્બ અને પથ્થર ફેંકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. કમલેશ સિંહે કહ્યું કે, “આજે ન તો જુમ્મા હતો કે ન આ વિસ્તારમાં મુસ્લિમોની એટલી વસ્તી. ન ઘટના સમયે કોઈ નમાજ કે બીજો કાર્યક્રમ હતો, તો પછી હુમલાખોરોની આટલી ભીડ ક્યાંથી અને કઈ રીતે આવી?” તેમણે આ ઘટનાને સુનિયોજિત ગણાવી હતી.
કમલેશ સિંહે અમને એ પણ જણાવ્યું કે, સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે જ હિંદુઓ ઉપર હુમલો કરનારાઓએ પોતાની દુકાનોમાં પણ તોડફોડ કરી હતી અને જાતે જ કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આમ કરવા પાછળ હુમલાખોરોનો ઉદ્દેશ્ય લોકોની સહાનુભૂતિય ઉઘરાવવાનો અને હિંદુઓને ફસાવવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાજપ નેતા મંજુલતાએ ઝારખંડની હેમંત સોરેન સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમની તુષ્ટિકરણની નીતિના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમના અનુસાર, પલામુમાં જે જગ્યાએ હુમલો થયો તે ચોકનું નામ કેટલાક મુસ્લિમો મસ્જિદ ચોક રાખવા માંગે છે પરંતુ હિંદુ સમાજ તેને શહીદ ચોક તરીકે જ ઓળખે છે.
કમલેશસિંહ અને મંજુલતાએ અમને જણાવ્યું કે, મસ્જિદ બહુ જૂની નથી. કમલેશ સિંહે તો એમ પણ દાવો કર્યો કે આ મસ્જિદ હિંદુઓના સહયોગથી જ બની હતી. બીજી તરફ મંજુલતાએ આરોપ લગાવ્યો કે જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો મસ્જિદનો કેટલોક ભાગ અતિક્રમણમાં નીકળી શકે તેમ છે.
પાંકી બજારની આ ઘટનાને કમલેશ સિંહે ‘ગઝવા-એ-હિંદ’નું એક ટ્રાયલ ગણાવ્યું અને કહ્યું કે કટ્ટરપંથીઓ આખા દેશમાં તેમની શક્તિઓ પારખી રહ્યા છે અને જ્યાં વધતું-ઓછું પ્રમાણ દેખાય ત્યાં તૈયારી કરી રહ્યા છે.
ઑપઇન્ડિયાએ આ ઘટનાને લઈને સ્થાનિક ભાજપ સાંસદ સુનિલ સિંહ સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે પોલીસ અધિક્ષક સાથે વાત કરીને સ્પષ્ટ કહ્યું છે કે આ ઘટનામાં એકપક્ષીય કાર્યવાહી કરવામાં ન આવે. કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવીને સાંસદ સુનિલ સિંહે કહ્યું કે તેઓ મહાશિવરાત્રિ જેવા તહેવારો પર સુરક્ષા પૂરી પાડી શકતા નથી.
ભાજપ સાંસદ અનુસાર, આજે શિવરાત્રિના બહાને રોડાં નાંખનારા લોકો કાલે કદાચ લગ્ન પ્રસંગોમાં પણ કોઈને કોઈ બહાને વાંધો ઉઠાવી શકે છે.
પલામુના સ્થાનિક પ્રશાસને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે અને હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારા 144 લાગુ હોવાની જાણકારી આપીને DCએ કોઈ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પણ અપીલ કરી છે.