પાડોશી દેશ નેપાળમાં ખ્રિસ્તી ધર્માંતરણનો મુદ્દો જટિલ બનતો જાય છે. મિશનરીઓ દ્વારા ગરીબ હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે. જેના કારણે એક સમયે હિંદુ રાષ્ટ્ર રહેલા દેશની ડેમોગ્રાફીમાં ઝડપથી ફેરફારો આવી રહ્યા છે. આ ધર્માંતરણ પાછળ કોરિયન મિશનરીઓની પણ મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે.
બીબીસીએ આ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે નેપાળમાં ઝડપથી ખ્રિસ્તી ધર્માંતરણ ઝડપથી વધી રહ્યું છે અને ગરીબ હિંદુઓ ધર્મ બદલી રહ્યા છે.
નેપાળમાં 2018થી ધર્માંતરણ વિરોધી કાયદો પણ અમલમાં છે પરંતુ તેમ છતાં હજુ પણ ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ એવું પણ જાણવા મળ્યું છે કે તેમ છતાં હજુ સુધી કોઈને પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી.
રિપોર્ટ અનુસાર, નેપાળમાં જેઓ ખ્રિસ્તી બની રહ્યા છે તેમાંથી મોટાભાગના હિંદુ દલિત છે અને ગરીબ વર્ગમાંથી આવે છે. રિપોર્ટમાં એક સાઉથ કોરિયન પાદરી પાંગ ચાંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે છેલ્લા બે દાયકામાં નેપાળના ધડિન્ગ જિલ્લામાં લગભગ 70 જેટલાં ચર્ચ શરૂ કરાવ્યાં છે.
કોરિયન પાદરી ચાંગ અને તેની પત્ની છેલ્લાં 20 વર્ષથી નેપાળમાં જ રહે છે. તે બંને બેન્કર હતાં પરંતુ વર્ષ 2003માં નેપાળ આવી ગયાં હતાં. પાંગ કહે છે કે, તેણે આવીને જોયું કે અહીં મૂર્તિઓની પૂજા થાય છે તો તે ‘આશ્ચર્યમાં’ મૂકાઈ ગયો હતો અને તેને લાગ્યું કે નેપાળને ભગવાન ઈસુના ઉપદેશોની ખાસ જરૂર છે.
તે કહે છે કે, અહીંના લોકો ચમત્કારમાં તો માને જ છે પરંતુ ધર્માંતરણના કારણે તેમને ગરીબી અને ભેદભાવમાંથી પણ છૂટકારો મળે છે. તે પોતાની ‘ઉપલબ્ધિઓ’ ગણાવતા કહે છે કે, દરેક પર્વતીય વિસ્તારમાં એક ચર્ચનું નિર્માણ થઇ રહ્યું છે. અહીંના લોકો ચર્ચનું દાન કરે છે અને કોરિયન મિશનરીઓ તેના બાંધકામ માટે મદદ કરે છે.
રિપોર્ટ અનુસાર, નેશનલ ક્રિશ્ચન કોમ્યુનિટીના સરવેમાં સામે આવ્યું હતું કે હાલ નેપાળમાં કુલ 7,758 જેટલાં ચર્ચ છે. જેની પાછળ સાઉથ કોરિયાની ખ્રિસ્તી મિશનરીઓને જવાબદાર ગણાવવામાં આવી છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે સાઉથ કોરિયાથી નેપાળમાં હજારો લોકો આવીને વસેલા છે, જેઓ અધિકારીક રીતે મિશનરીના ભાગ નથી પરંતુ કોઈક ટૂરિસ્ટ વિઝા પર આવ્યું છે તો કોઈક રેસ્ટોરન્ટ ચલાવે છે તો કોઈ કોઈક ટ્રસ્ટ સાથે સંકળાયેલું છે.
સાઉથ કોરિયન મિશનરીના લગભગ 300 જેટલા પરિવારો નેપાળમાં આવીને વસેલા હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાંથી પાંગ અને તેની પત્ની પણ એક છે. પાંગ અને તેની પત્ની કાઠમંડુમાં એક શાળા પણ ચલાવે છે, જ્યાં હાલ 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાનો મોટાભાગનો ખર્ચ કોરિયન દાતાઓ તરફથી જ મળે છે.
નેપાળથી દર વર્ષે 2 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દક્ષિણ કોરિયા જાય છે. એવા જ અભ્યાસ માટે કોરિયા ગયેલા અને ત્યારબાદ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બનેલા પાદરી દિલ્લી રામ વિશે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેઓ પહેલાં હિંદુ હતા પરંતુ નેપાળ જઈને ધર્મ પરિવર્તન કરી લીધું હતું. તેમણે કહ્યું કે, કોરિયામાં તેમનું કોઈ ન હતું અને એક દિવસ કેટલાક લોકોએ તેમને નેપાળી ભાષામાં છપાયેલી કોરિયન બાઇબલ આપી અને તે વાંચ્યા બાદ તેમણે ધર્માંતરણ કરી લીધું હતું.
રિપોર્ટ અનુસાર, વર્ષ 1951માં નેપાળમાં ખ્રિસ્તીઓ નહિંવત હતા. વર્ષ 1961માં તેમની વસ્તી માત્ર 458 જેટલી હતી. પરંતુ 2011 સુધીમાં તે 3,76,000 પર પહોંચી છે અને હાલના આંકડા મુજબ આ સંખ્યા 5,45,000 હોવાનું અનુમાન છે. હાલ ખ્રિસ્તીઓની વસ્તી 2 ટકા જેટલી છે. હિંદુઓ 80 ટકા અને 9 ટકા બૌદ્ધ ધર્મ પાળનારા લોકો છે.
નેપાળના પૂર્વ વડાપ્રધાન કમલ થાપાએ મિશનરીઓ દ્વારા થતા ધર્માંતરણને દેશની સાંસ્કૃતિક ઓળખ ઉપર એક સુનિયોજિત હુમલો ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલો ધાર્મિક સ્વતંત્રતાનો નથી પરંતુ ધર્મના નામે શોષણનો છે. તેમણે એમ પણ કહ્યું કે, નેપાળ ફરી હિંદુ રાષ્ટ્ર બને તે જરૂરી છે.