ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીં બાર ગાઉએ બોલી ઉપરાંત જીવનશૈલી, ખાવાપીવાની રીત વગેરે પણ બદલાય છે. રાજ્ય તો ઠીક, દરેક જિલ્લાની પણ કોઈને કોઈ વિશેષતા છે. લગભગ 800 ભાષાઓ ધરાવતા આ દેશમાં કેટલીક ભાષાઓ વિદેશથી પણ આવી છે, કારણ કે ભારતે તમામ સમુદાયોને આવકાર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં ચીની ભાષાનું અખબાર પણ ચાલતું હતું.
જોકે, હવે ભારતનું એક માત્ર ચીની ભાષાનું અખબાર બંધ થઈ ગયું છે. આ અખબાર ચીનની મેન્ડરિન ભાષામાં પ્રકાશિત થયું હતું. ‘સેઓંગ પૉવ’ નામનું આ અખબાર ‘ધ ઓવરસીઝ ચાઈનીઝ કોમર્સ ઑફ ઈન્ડિયા’ તરીકે પણ જાણીતું હતું. આ અખબાર કોલકાતામાં પ્રકાશિત થતું હતું કારણ કે, કોલકાતામાં એક એવો વિસ્તાર છે જેને ‘મિની ચાઈના’ કહેવામાં આવે છે અને ત્યાં ચીની ભાષા જાણતા લોકોની વસ્તી છે.
2020માં છપાઈ હતી અખબારની છેલ્લી આવૃત્તિ
‘સેઓંગ પૉવ’ની સ્થાપના 1969માં ચીની સમુદાયના નેતા લી યુઓન ચીન દ્વારા કરવામાં આવી હતી. માર્ચ 2020માં જયારે વૈશ્વિક કોરોના મહામારીના કારણે લૉકડાઉન લાદવામાં આવ્યું હતું એ પહેલાં જ તેની છેલ્લી આવૃત્તિ છપાઈ હતી.
જોકે, ચોક્કસ તારીખ વિશે કોઈ નથી જાણતું. તો 2020માં જ અખબારના સંપાદક કુઓ-ત્સાઈ ચાંગનું અવસાન થયું હતું. આ ઉપરાંત, અખબારનું સર્ક્યુલેશન પણ સતત ઘટી જતાં તેને બંધ કરવાની ફરજ પડી હતી.
4 પાનામાં પ્રકાશિત થતું હતું ‘સેઓંગ પૉવ’
આ પહેલાં ‘ચાઈનીઝ જર્નલ ઑફ ઈન્ડિયા’ નામનું ચીની અખબાર પ્રકાશિત થયું હતું. તેની શરૂઆતના 34 વર્ષ પછી ‘સેઓંગ પૉવ’નું પ્રકાશન શરુ થયું હતું. તે 4 પાનામાં પ્રકાશિત થતું હતું. સમાચારોની સંખ્યા ઓછી હોવાથી ચીન, તાઈવાન અને હોંગકોંગ ઉપરાંત કોલકાતાના અંગ્રેજી અખબારોમાંથી સમાચારો લઈને તેમાં છાપવામાં આવતા હતા. તેનો મેન્ડરિન ભાષામાં અનુવાદ થતો હતો. તેના પ્રથમ પાના પર આંતરરાષ્ટ્રીય સમાચાર, બીજા પાના પર ચીન અને કોલકાતાના ચીનીઓના સમાચાર, ત્રીજા પાના પર આરોગ્ય, બાળકોને લગતા સમાચાર અને છેલ્લા પાના પર હોંગકોંગ, મકાઉ અને તાઈવાનના સમાચાર છપાતા હતા.
TOI ના એક રિપોર્ટ મુજબ, પસ્તીના એક વેપારી દીપુ મિસ્ત્રીએ કહ્યું હતું કે, આ જગ્યા ભવિષ્યમાં ખુલે તેવી કોઈ શક્યતા નથી. દીપુ મિસ્ત્રી અવારનવાર પસ્તી લેવા માટે અખબારોની ઓફિસમાં જાય છે. તેમણે જણાવ્યું કે ‘સેઓંગ પૉવ’ની ઓફિસમાં કેટલીક ખુરશીઓ, ડેસ્ક, પ્રિન્ટર અને કમ્પ્યુટર હતા. જોકે, તંત્રીના મૃત્યુ બાદ સ્ટાફે અહીં આવવાનું બંધ કરી દીધું હતું અને ફર્નિચરની પણ ચોરી થઈ હતી. ચાઈનીઝ એસોસિયેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ ચેન યાઓ હુઆ આ અખબારના નિયમિત ગ્રાહક હતા.
The city's – and, possibly the country's – only Mandarin newspaper, 'The Oversees Chinese Commerce of India' or 'Seong Pow', may have gone forever, in a tragic blow to the rapidly dwindling Chinese community of Kolkata and their culture. https://t.co/2nx2haPIz6
— The Times Of India (@timesofindia) May 22, 2023
તેમણે કહ્યું કે કોલકાતાના તંગરામાં ચાઈનીઝ લોકોની સંખ્યા ઘટી રહી છે, એટલે એવી યોગ્ય વ્યક્તિઓ નથી મળી રહી જે આ અખબાર ચલાવી શકે. અહીંના મોટાભાગના યુવાનો ન તો ચાઈનીઝ વાંચી શકે છે કે ન તો લખી શકે છે. તેમણે દિવંગત સંપાદકના અસિસ્ટંટ હેલેન યાંગને નવા લોકોની ભરતી કરીને તેમને મેન્ડરિન શીખવવા કહ્યું હતું, પણ આ યોજના પણ નિષ્ફળ ગઈ કેમકે, તંગરામાં હવે હક્કા ચીનીઓની જ સંખ્યા છે, જે મેન્ડરિન નથી સમજતા.
ચીનની મીડિયા સંસ્થા SCMPએ ડિસેમ્બર 2020માં જ પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવ્યું હતું કે આ ચીની ભાષાનું અખબાર બંધ કરવામાં આવી રહ્યું છે. અહીં રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં આ અખબાર હસ્તલિખિત સ્વરૂપમાં પ્રકાશિત થતું હતું. 4-5 લોકો મળીને 2000 નકલો છાપતા હતા. જેમણે આ અખબારની સ્થાપના કરી, તેમનો પૌત્ર હવે કોલકાતામાં એક રેસ્ટોરાં ચલાવે છે. આ પહેલાં ચીની ભાષાનું જે છાપું છપાતું હતું, તે 2001માં અનેક સમસ્યાઓના કારણે બંધ થઈ ગયું હતું.
બંગાળની ખાડીમાં આવ્યું તોફાન અને બની ગયું ‘મિની ચાઈના’
એક સમય હતો જયારે ‘સેઓંગ પૉવ’ની માંગ પણ ખૂબ હતી. લૉકડાઉન પહેલા હાલત એવી થઈ ગઈ હતી કે માત્ર 200 નકલો પ્રકાશિત થતી હતી અને એક નકલ રૂ. 2.50માં વેચાતી હતી. હવે ભારતમાં પણ ચાઈનીઝ મૂળના વિદ્યાર્થીઓ મેન્ડેરિન કરતાં અંગ્રેજી પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચીનના લોકોના વસવાટની કહાણી પણ રસપ્રદ છે. આ વાત અંગ્રેજોના જમાનાની છે. ત્યારે યાંગ ડઝહાઓ નામનો એક વેપારી વહાણમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન બંગાળની ખાડીમાં તોફાન આવતાં તે ફસાઈ ગયો હતો. તેને ટોંગ અચીવ અથવા ‘અચી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેણે કોલકાતા હાર્બર (તે સમયે કલકત્તા)માં આશ્રય લીધો જ્યાં તેમને બ્રિટિશ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સની મદદ મળી. તેમને કોલકાતાના અચીપુરમાં જમીન આપવામાં આવી હતી. આના પર તેમણે શુગર પ્લાન્ટેશન કર્યું. શુગર મિલ ઉપરાંત પિગ ફાર્મ પણ બનાવવામાં આવ્યું હતું. તેમને ચીનથી મજૂરોને અહીં લાવવાની પરવાનગી પણ મળી હતી. એક સમયે અહીં 30,000 ચીની મજૂરો રહેતા હતા.
તંગરા અને તિરેટ્ટા બજાર બંગાળના ચાઇનાટાઉન તરીકે જાણીતા હતા. એક સમયે અહીં ચાઈનીઝ ભાષાની ઘણી શાળાઓ હતી. ‘પેઇ મેઈ’ નામની એક શાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે બંધ થઈ ચૂકી છે. અહીંથી સુપ્રીમ કોર્ટે 2002માં ચામડા બનાવતી 230 ફેક્ટરીઓને અન્યત્ર મોકલવાનો આદેશ આપ્યો, જે બાદ ચીની વસ્તી ઘટતી ગઈ. કેટલાકે પોતાનો વ્યવસાય બદલી નાખ્યો. હવે આ ચાઇનાટાઉન નથી રહ્યો. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ કોલકાતામાં ચીની બ્રેકફાસ્ટ માર્કેટ પણ છે. ત્યાં પણ છેલ્લા એક દાયકામાં ચાઈનીઝ રેસ્ટોરાંની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે ચીની પ્રભાવ પણ ઘટી રહ્યો છે.