દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં (Khambhalia) એક હિંદુ મંદિરની આગળની સરકારી જમીન (Government Land) પર ગેરકાયદેસર કબજો કરીને અમુક મુસ્લિમ શખ્સોએ દીવાલ તાણી બાંધી હતી, જેના કારણે મંદિરનો (Hindu Temple) રસ્તો બ્લૉક થઈ ગયો હતો. આખરે પ્રશાસને દબાણ કરનારાઓ સામે FIR નોંધીને ધરપકડ કરી લીધી અને બીજી તરફ બુલડોઝર ફેરવીને જગ્યા ખાલી કરાવીને મંદિર જવાનો માર્ગ ખુલ્લો કરાવી દીધો છે.
મામલો ખંભાળિયાના દ્વારકા ગેટ વિસ્તારમાં આવેલા સંતોષી માતા મંદિરનો છે. અહીં મુખ્ય પૂજારી તરીકે સેવા આપતા હિરેનપુરી ગોસ્વામીએ સ્થાનિક પોલીસ મથકે કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની આરોપ હતો કે આ તમામે મંદિરની ઉત્તર દિશામાં આવેલી સરકારી જમીન ખોટા દસ્તાવેજો તૈયાર કરીને, પચાવી પાડીને મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરવા ન આવી શકે તેવા ઇરાદે આડશ ઊભી કરી દીધી હતી અને રસ્તો બ્લૉક કરી દીધો હતો.
પોલીસે આ ફરિયાદના આધારે ગુલમામદ સુલેમાન ખફી, હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી, અબ્બાસ ઉમર ખીરા અને ખતીજા કાસમ ખફી આમ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમ 420, 120B, 465, 467, 468, 471, 474 હેઠળ ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓની ઓળખ હનીફ, અબ્બાસ અને ગફાર તરીકે થઈ છે. બાકીના બે મૃત્યુ પામ્યા છે.
ત્યારબાદ ગત 17 ડિસેમ્બરના રોજ પોલીસ અને સ્થાનિક તંત્રએ સાથે મળીને બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરાવી દીધી અને મંદિર જવાનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો.
કાર્યવાહી અંગે ખંભાળિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ સરવૈયાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, લગભગ વર્ષ 2019માં આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે સરકારી જમીન પર દબાણ કરી દીધું હતું. ત્યારબાદ ત્યાં દીવાલ ઊભી કરી દેવામાં આવી હતી, જેના કારણે મંદિરમાં જવા-આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ જમીન હતી એ સરકારી માલિકીની હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરીને દબાણ હટાવી દેવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસની આ કાર્યવાહી અંગે એક X પોસ્ટ પર જાણકારી આપી હતી.
50-year-old Santoshi Mata temple in Khambalia, Dwarka, was blocked by Hanif Suleman, Gafar and Umar. Police took Swift action an FIR was filed, and the encroachment cleared! pic.twitter.com/bPXGlpTrOG
— Harsh Sanghavi (@sanghaviharsh) December 18, 2024
કઈ રીતે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને પચાવી પાડવામાં આવી હતી જમીન?
ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું કે, જમીન વર્ષોથી સરકારી માલિકીની હતી, પરંતુ આરોપીઓએ કાવતરું રચીને એક ધનજી દલવાડી નામની વ્યક્તિના નામે ખોટો મહારાજા જામસાહેબ નવાનગર સ્ટેટનો લેખ બતાવીને વર્ષ 1959માં જમીન કાસમ ખફી નામની વ્યક્તિને વેચાણે આપી હોવાનો ખોટો દસ્તાવેજ તૈયાર કર્યો હતો. ત્યારબાદ તે દસ્તાવેજના આધારે જ વારસાઈ તરીકેનાં નામો ચડાવી દેવામાં આવ્યાં હતાં. પછીથી વર્ષ 2021માં જમીન હુસૈન ભોકલ નામના શખ્સને વેચી દેવામાં આવી હતી.
જામનગર અભિલેખાગાર કચેરીના દસ્તાવેજો અનુસાર, વર્ષ 1919ના જામનગરના તત્કાલીન મહારાજાના દસ્તાવેજોમાં જમીનની માલિકી ખાતેદાર ભાટિયા દામોદર કલ્યાણના નામે દર્શાવવામાં આવી છે. આ 665 નંબરના લેખમાં ક્યાંય દલવાડી ધનજીભાઈનું નામ નથી. ત્યારબાદ વર્ષ 1959માં ધનજીભાઈએ કાસમ મેરુભાઈ ખફીને આ જમીન વેચાણે આપી હોવાનો એક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદીનું કહેવું છે કે, તેના પાના નંબર 4 ઉપર સાક્ષી તરીકે જે વકીલનો ઉલ્લેખ છે, તેવી કોઈ વ્યક્તિ ખંભાળિયામાં છે જ નહીં. ઉપરાંત, આ જ પાના પર 1-134 નંબરની બુકમાં 1959માં નોંધણી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું, પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતાં આવો કોઈ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.
તેમ છતાં કાસમના વારસદારોએ વર્ષ 1998માં આ જ બનાવટી દસ્તાવેજના આધારે પોતાનાં નામો રેકર્ડ પર ચડાવવા માટે અરજી કરી હતી. પરંતુ સિટી સરવે સુપ્રિટેન્ડન્ટે જમીન સરકારી મિલકત હોવાનું ઠેરવીને હુકમ કર્યો હતો. જેની સામે વર્ષ 2005માં કાસમના વારસદારોએ નાયબ કલેક્ટરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં નાયબ કલેક્ટરે ફરી સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટને નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
આ મામલે સુપ્રિટેન્ડેન્ટે પછીથી તપાસ કરતાં જમીન સરકારી હોવાનો અગાઉનો ઠરાવ જ નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ ત્યારબાદ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરવાને બદલે હનીફ સુલેમાન ખફીએ સિટી સરવે અધિકારી સાથે મેળાપીપણું કરીને કેસ રિઓપન કરાવીને સિટી સરવે કચેરીના હુકમમાં કાસમ ખફીનું નામ દાખલ કરાવી દીધું હતું. ત્યારબાદ 2021માં છેલ્લો વેચાણ દસ્તાવેજ થયો અને આરોપીઓએ હુસૈન ભોકલ નામની વ્યક્તિને જમીન વેચી દીધી હતી.
પૂજારીએ કહ્યું- કાર્યવાહીથી સંતોષ, વર્ષો બાદ મંદિર આવવાનો માર્ગ ખુલ્યો
આ અંગે મંદિરના પૂજારી હિરેન ગોસ્વામીએ પણ ઑપઇન્ડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આરોપીઓએ મંદિરનો રસ્તો બંધ કરવાના ઇરાદે જ દીવાલ તાણી બાંધી હતી. જેના કારણે વર્ષોથી મંદિર આવવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. વાહન તો દૂર પણ કોઈ વૃદ્ધ વ્યક્તિએ એકલા પણ પહોંચવું હોય તો કઠિન બની ગયું હતું.
તેમણે કહ્યું કે, “અમે જ્યારે દબાણ કરનારાઓને પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે તેમની પાસે દસ્તાવેજ છે. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજો બનાવટી હતા અને જે વ્યક્તિઓનો ઉલ્લેખ છે તેવી કોઈ વ્યક્તિ જ નથી. ત્યારબાદ અમે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે પોતાની રીતે તપાસ કરાવતાં સમગ્ર હકીકત છતી થઈ ગઈ. તાજેતરમાં તંત્રએ જમીન ખુલ્લી કરાવી દીધી છે.”
તેમણે ઉમેર્યું કે, “તેઓ કાર્યવાહીથી સંતુષ્ટ છે અને હવે મંદિર ખુલ્લું થઈ ગયું છે. પોલીસનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.”