કટ્ટરપંથી સંગઠન PFI હાલ ચર્ચામાં છે ત્યારે હવે કેરળ હાઇકોર્ટે સંગઠનને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. સંગઠને હડતાળની આડમાં કરેલી હિંસા અને જાહેર સંપત્તિને કરેલા નુકસાનની ભરપાઈ માટે PFIને આ દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, લોકોના જીવ જોખમમાં મૂકી શકાય નહીં.
ગત 23 સપ્ટેમ્બરના રોજ NIA દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી દરમિયાન પીએફઆઈના નેતાઓ અને સભ્યોની ધરપકડ બાદ અચાનક સંગઠને હડતાળ જાહેર કરી હતી. ત્યારબાદ કેરળ હાઇકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને સુનાવણી હાથ ધરી હતી.
BREAKING| Kerala High Court Directs PFI To Deposit Over Rs 5 Crores Towards Hartal Damages, Says Citizens’ Lives Can’t Be Put In Peril #PFI #PopularFrontOfIndia #PFICrackdown @athira_prasad7 https://t.co/LLTJbN7wBU
— Live Law (@LiveLawIndia) September 29, 2022
સુઓમોટો સુનાવણી બાદ કેરળ રાજ્ય પરિવહન વિભાગે પણ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પીએફઆઈનાં હિંસક પ્રદર્શન દરમિયાન તેમની બસને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી હતી. કોર્પોરેશને પીએફઆઈ પાસે 5.06 કરોડ રૂપિયાની ભરપાઈ કરાવવા માંગ કરી હતી.
કેરળ હાઇકોર્ટે આજે PFIને બે અઠવાડિયાની અંદર દંડ પેટે પાંચ કરોડ 20 લાખ રૂપિયા રાજ્યના ગૃહ વિભાગને ચૂકવવાનો આદેશ કર્યો હતો. સાથે જિલ્લા કોર્ટ અને મેજિસ્ટ્રેસ્ટ કોર્ટને પણ આદેશ આપીને કહ્યું હતું કે, જ્યાં પણ તોડફોડમાં સામેલ પીએફઆઈના કાર્યકર્તાઓ જામીન માટે અરજી કરી ત્યાં નુકસાન ભરપાઈ તેમની પાસેથી જ કરાવવામાં આવે અને તો જ જામીન આપવામાં આવે.
કેરળ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે, સંગઠનના સમર્થકો દ્વારા નાગરિકોને થયેલ ઇજાઓ તેમજ જાહેર અને ખાનગી સંપત્તિને થયેલા નુકસાન માટે પીએફઆઈ અને તેના મહાસચિવ સંપૂર્ણ અને સીધી રીતે જવાબદાર છે. કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે, “હડતાળના બહાને નાગરિકોના જીવન જોખમમાં મૂકી શકાય નહીં અને જો કોઈ તેમ કરશે તો તેનાં પરિણામો ભોગવવાં પડશે. કોર્ટે કહ્યું કે, બંધારણ સંગઠન બનાવવાની, પ્રદર્શન કરવાની પરવાનગી આપે છે પરંતુ આ પ્રકારની અચાનક હડતાળની પરવાનગી આપતું નથી.”
કોર્ટે અગાઉ 2019ના એક આદેશમાં નિર્દેશો જારી કરીને કહ્યું હતું કે, હડતાળ કે બંધન કારણે કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોને હાનિ પહોંચવી જોઈએ નહીં તેમજ રાજ્યમાં કોઈ પણ પ્રકારની હડતાળ માટે સાત દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે. જો જાણ કર્યા વગર અચાનક હડતાળ કરવામાં આવે તો તેને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણવામાં આવશે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે પીએફઆઈ અને તેની સાથે સબંધિત અન્ય આઠ સંગઠનોને ગેરકાયદેસર ઠેરવીને તેમની ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.