જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પોતાનું સુગર લેવલ વધારવા માટે જાણીજોઈને એ પ્રકારનો ખોરાક લઇ રહ્યા છે- આવો આરોપ એજન્સી EDએ લગાવ્યો છે, એ પણ કોર્ટમાં. કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન EDએ આ ઘટસ્ફોટ કર્યો હતો. જેનો કેજરીવાલના વકીલે વિરોધ કર્યો, પણ પછીથી અરજી પરત ખેંચી લીધી હતી. હવે તેઓ ફરીથી સંશોધન કરીને અરજી દાખલ કરશે.
#Breaking
— Bar and Bench (@barandbench) April 18, 2024
Enforcement Directorate alleges that Arvind Kejriwal is deliberately eating mangoes, sweets and taking sugar with tea to raise his blood sugar level.
ED says Kejriwal wants to create a ground for bail citing fluctuations in blood sugar level.@ArvindKejriwal… pic.twitter.com/17F11f4n46
આ સુનાવણી અરવિંદ કેજરીવાલની એક અરજી પર ચાલી રહી હતી, જેમાં તેમણે પોતાનું સુગર લેવલ સતત મોનિટર કરવા માટે અને ડૉક્ટરની સલાહ લેવા માટે પરવાનગી માંગી હતી. જેના વિરોધમાં EDએ જણાવ્યું કે, કેજરીવાલ જેલમાં જાણીજોઇને કેરી, મીઠાઈઓ વગેરે ખાઈ રહ્યા છે અને ચામાં પણ વધારાની ખાંડ નાખે છે, જેથી લોહીમાં સુગરની માત્રા વધે.
એજન્સીએ જણાવ્યું કે, કેજરીવાલ સુગર લેવલ વધારીને તેમાં થતી વધઘટનું કારણ આપીને જામીન મેળવવા માંગે છે, એટલે આવું કરી રહ્યા છે.
બીજી તરફ, દિલ્હી સીએમના વકીલે વાંધો ઉઠાવ્યો અને કોર્ટને કહ્યું કે, EDના વકીલ માત્ર મીડિયા માટે આ નિવેદન આપી રહ્યા છે. જોકે, પછીથી તેમણે કહ્યું કે તેઓ અરજી પરત ખેંચી રહ્યા છે અને સંશોધન સાથે ‘વધુ સારી’ અરજી ફરીથી દાખલ કરશે. વધુમાં, કોર્ટે તિહાડ જેલ પાસેથી કેજરીવાલના ડાયટ ચાર્ટ અંગે વિગતો માંગી છે.
ઉલ્લેખનીય છે કે ગત 21 માર્ચના રોજ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ધરપકડ થયા બાદથી કેજરીવાલ કસ્ટડીમાં છે. પહેલાં EDએ 2 વખત તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડી એટલે જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. તેમણે જામીન અને ધરપકડને પડકારતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટ આ અરજી ફગાવી ચૂકી છે અને ધરપકડને વ્યાજબી ઠેરવી હતી. ત્યારબાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ત્યાંથી પણ તાત્કાલિક રાહત ન મળી. કોર્ટે EDને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. એપ્રિલ અંતમાં મામલાની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, 15 એપ્રિલે કેજરીવાલને કોર્ટમાં હાજર કરવામાં આવતાં જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી.