Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભ્રામક સમાચાર ફેલાવતા ઝડપાયા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી: ‘મન કી બાત’ને...

    ભ્રામક સમાચાર ફેલાવતા ઝડપાયા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી: ‘મન કી બાત’ને લઈને ખોટા દાવા કર્યા, પોલ ખુલી જતાં ડિલીટ કર્યું ટ્વિટ

    ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પીએમ મોદી પર આરોપ લગાવવા જતાં ઈસુદાન ગઢવીએ ભ્રામક દાવા સાથે એક ટ્વિટ કર્યું હતું.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારી ગયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને હાલના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ફરી ભ્રામક સમાચાર ફેલાવતા ઝડપાયા છે. ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પીએમ મોદી પર આરોપ લગાવવા જતાં તેમણે ભ્રામક દાવા સાથે એક ટ્વિટ કર્યું હતું, પરંતુ પછીથી પોલ ખુલી જતાં ડિલીટ કરી દીધું હતું. 

    ઈસુદાન ગઢવીનું ડિલીટ થયેલું ટ્વિટ

    ડિલીટ થઇ ગયેલા ટ્વિટમાં ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો એક દિવસનો ખર્ચ રૂ. 8.3 કરોડ હોવાનો દાવો કર્યો હતો. તેમણે લખ્યું, ‘મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે, બોલો! 100 એપિસોડના 830 કરોડ તો ખાલી મન કી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા. હવે તો હદ થાય છે! ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે. મોટાભાગે એ જ સાંભળે છે.’ (વ્યાકરણની ભૂલો સુધારવામાં આવી છે.)

    કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ AAP નેતા ઈસુદાન ગઢવીના આ દાવાનું ફેક્ટચેક કરી નાંખ્યું હતું. PIBએ જણાવ્યું કે આ દાવો ભ્રામક છે અને સાથે વાસ્તવિકતા પણ જણાવી હતી. 

    - Advertisement -

    PIB અનુસાર, 8.3 કરોડનો આંકડો કોઈ એક એપિસોડ માટેનો નથી પરંતુ 2014થી લઈને 2022 સુધીના મન કી બાતના તમામ એપિસોડની જાહેરાત-પ્રમોશન કરવા માટે કરવામાં આવેલો ખર્ચ છે. જેથી એક એપિસોડનો 8.3 કરોડ ખર્ચ મૂકીને કુલ ખર્ચ 830 કરોડ ગણાવી શકાય નહીં. 

    સત્ય હકીકત બહાર આવતાં ઈસુદાન ગઢવીએ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. હવે તેમની ટાઈમલાઈન પર ટ્વિટ દેખાઈ રહ્યું નથી.

    જેટલો ખર્ચ થયો તેના કરતાં પાંચ ગણી વધુ આવક થઇ 

    અહીં એ પણ નોંધનીય છે કે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ પાછળ આઠ વર્ષમાં કુલ 8.3 કરોડ રૂપિયા ખર્ચ થયો છે પરંતુ તેની સામે ઑલ ઇન્ડિયા રેડિયોને પાંચ ગણી વધુ રકમની કમાણી થઇ હતી. આ બાબત RTIમાં સામે આવી હતી. 

    એક RTIના જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમના પ્રમોશન અને જાહેરાતો પાછળ જેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેનાથી લગભગ પાંચ ગણી આવક થાય છે. RTIનો જવાબ જાન્યુઆરી, 2023માં આપવામાં આવ્યો હતો. ત્યાં સુધીના આંકડાઓ અનુસાર, મન કી બાતના પ્રમોશન પાછળ 7.29 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જ્યારે બીજી તરફ 2014થી અત્યાર સુધી 33.16 કરોડ રૂપિયાની આવક થઇ છે. 

    ‘મન કી બાત’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ છે, જેના થકી તેઓ દેશવાસીઓ સાથે સંવાદ કરે છે. આ કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે દેશભરમાં પ્રસારિત કરવામાં આવે છે. રવિવારે (30 એપ્રિલ, 2023) ‘મન કી બાત’નો 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં