Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘વિસ્તાર છોડી દો, અથવા તમને આતંકવાદીઓના સમર્થક ગણવામાં આવશે’: ઈઝરાયેલની ઉત્તર ગાઝાના...

    ‘વિસ્તાર છોડી દો, અથવા તમને આતંકવાદીઓના સમર્થક ગણવામાં આવશે’: ઈઝરાયેલની ઉત્તર ગાઝાના નાગરિકોને ચેતવણી, અત્યાર સુધીમાં લાખોનું સ્થળાંતર

    આદેશમાં કહેવામાં આવ્યું કે- ‘ગાઝાના નાગરિકો માટે તાકીદની ચેતવણી. ગાઝાના ઉત્તર ભાગમાં તમારી હાજરી જીવ જોખમમાં મૂકી શકે છે. જેઓ ઉત્તર ગાઝા નહીં છોડે અને દક્ષિણ તરફ નહીં જાય તેમને આતંકવાદી સંગઠનોના સમર્થકો તરીકે ગણવામાં આવશે.'

    - Advertisement -

    હમાસ સામે ચાલતા યુદ્ધ વચ્ચે હવે ઈઝરાયેલ સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરીને આતંકવાદીઓનો સફાયો કરવાની યોજના બનાવી રહી છે. આ માટે ઘણા દિવસોથી IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) દ્વારા ઉત્તર ગાઝામાં રહેતા નાગરિકોને વિસ્તાર છોડી દેવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. હવે સેનાએ અંતિમ ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ પાલન નહીં કરે તો તેમને આતંકવાદીઓના સમર્થકો ગણવામાં આવશે. 

    રોયટર્સના રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલી સેનાએ ગાઝાના નાગરિકોને કહ્યું છે કે જો તેઓ દક્ષિણ તરફ સ્થળાંતર નહીં કરે તો આતંકવાદી સંગઠનના સમર્થકો ગણવામાં આવશે અને તેમની સાથે તેવો જ વ્યવહાર થશે. રિપોર્ટ અનુસાર, આ સંદેશા લીફલેટ મારફતે પહોંચાડવામાં આવ્યા હતા તેમજ લોકોના મોબાઈલ પર ઓડિયો મેસેજ પણ મોકલાયા હતા. 

    લીફલેટમાં કહેવામાં આવ્યું કે, ‘ગાઝાના નાગરિકો માટે તાકીદની ચેતવણી. ગાઝાના ઉત્તર ભાગમાં તમારી હાજરી જીવ જોખમમાં મૂકી શકે છે. જેઓ ઉત્તર ગાઝા નહીં છોડે અને દક્ષિણ તરફ નહીં જાય તેમને આતંકવાદી સંગઠનોના સમર્થકો તરીકે ગણવામાં આવશે.’ જોકે, સેનાએ કહ્યું છે કે જેમણે સ્થળાંતર નથી કર્યું તેમને આતંકવાદી સંગઠનના સભ્યો ગણવાનો તેમનો કોઇ ઈરાદો નથી અને તેઓ નાગરિકોને ટાર્ગેટ નહીં કરે. મિલિટરીએ કહ્યું કે, તેઓ નાગરિકોને નુકસાન પહોંચાડવા નથી માંગતા અને એટલા માટે જ આ સંદેશ મોકલવામાં આવ્યો છે.

    - Advertisement -

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ગાઝાના ઉત્તર ભાગમાં લગભગ 10 લાખ લોકો વસવાટ કરે છે, જેમાંથી મોટાભાગના સ્થળાંતર કરી ચૂક્યા છે. હજુ પણ સ્થળાંતર ચાલી જ રહ્યું છે, પરંતુ હમાસના આતંકવાદીઓ તેમને તેમ કરતાં રોકી રહ્યા છે અને ઘણે ઠેકાણે રોડબ્લૉક પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાઝા એ ઈઝરાયેલની પશ્ચિમે આવેલો એક નાનકડો 40 કિમી લાંબો અને 10 કિમી પહોળો એક પટ્ટો છે, જેમાં 20 લાખ લોકો વસવાટ કરે છે. 

    ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન માટે તૈયારીઓ કરતી ઇઝરાયેલી સેના

    નોંધવું જોઈએ કે ઈઝરાયેલ અગાઉ પણ અનેક વખત ગાઝાના ઉત્તર ભાગમાં રહેતા નાગરિકોને દક્ષિણમાં જતા રહેવા માટે સૂચના આપી ચૂક્યું છે. સેનાએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમને કહેવામાં ન આવે ત્યાં સુધી ઉત્તર વિસ્તારમાં ન આવે. સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવા માટે તૈયારી કરી રહી હોવાના કારણે આ આદેશ આપવામાં આવ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. 

    ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઇઝરાયેલે સરહદ પર સેના ખડકી દીધી છે. સિક્યુરિટી કેબિનેટની આધિકારિક મંજૂરી બાદ ગમે તે ક્ષણે ઇઝરાયેલી સેના ગાઝામાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો શરૂ કરી દેશે. હાલ મોટાપાયે એરસ્ટ્રાઈક કરીને ગાઝામાં અનેક આતંકવાદી ઠેકાણાં ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં