Sunday, September 8, 2024
More
    હોમપેજદુનિયાગાઝાની મસ્જિદમાં શરણ લઈને બેઠા હતા આતંકવાદીઓ, ઈઝરાયેલની સેનાએ ધ્વસ્ત કરી: હમાસના...

    ગાઝાની મસ્જિદમાં શરણ લઈને બેઠા હતા આતંકવાદીઓ, ઈઝરાયેલની સેનાએ ધ્વસ્ત કરી: હમાસના ઈન્ટેલિજન્સ ચીફનું ઘર પણ ફૂંકી માર્યું, અત્યાર સુધીમાં 400 આતંકીઓનો સફાયો  

    ગાઝામાં હમાસ દ્વારા મસ્જિદોમાં સંચાલિત બે સિચ્યુએશન રૂમ તોડી પાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ મસ્જિદનો ઉપયોગ હથિયારો રાખવા માટે અને શરણ લેવા માટે કરતા હતા પરંતુ ઇઝરાયેલે હવે આ મસ્જિદો પણ તોડવાનું શરૂ કર્યું છે. 

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ ઈઝરાયેલે તેનો સફાયો કરવાનું શરૂ કર્યું છે. ‘ઑપરેશન આયરન સ્વોર્ડ’ હેઠળ ઇઝરાયેલની સેના એક પછી એક હમાસના ઠેકાણાંને નિશાન બનાવી રહી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 400 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બીજી તરફ, ગાઝામાં આતંકવાદીઓ અમુક મસ્જિદોમાં શરણ લઈને બેઠા હતા, જે પણ તોડી પાડવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલની સેનાએ ગાઝા સ્થિત અલ-અમીન મુહમ્મદ મસ્જિદને ધ્વસ્ત કરી નાખી છે. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ધ્વસ્ત થયેલી મસ્જિદનો ગુંબજ અને કાટમાળ જોવા મળે છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે, ઈઝરાયેલની સેનાનાં વિમાનોએ તેને તોડી પાડી હતી. 

    IDF દ્વારા X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને કાર્યવાહીને લઈને જાણકારી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, ગાઝામાં હમાસ દ્વારા મસ્જિદોમાં સંચાલિત બે સિચ્યુએશન રૂમ તોડી પાડવામાં આવ્યા હતા. આતંકવાદીઓ મસ્જિદનો ઉપયોગ હથિયારો રાખવા માટે અને શરણ લેવા માટે કરતા હતા પરંતુ ઈઝરાયેલે હવે આ મસ્જિદો પણ તોડવાનું શરૂ કર્યું છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, ઇઝરાયેલ સેનાએ આતંકી સંગઠન હમાસના ઇન્ટેલિજન્સ વિભાગના ચીફનું ઘર પણ ફૂંકી માર્યું છે. જેનો વીડિયો પણ જારી કરવામાં આવ્યો, જેમાં સૈન્ય વિમાનો ઇમારતો પર બોમ્બમારો કરતાં જોવા મળે છે. વીડિયો ફાઈટર જેટમાંથી લેવામાં આવ્યો હતો, જેમાં બૉમ્બ ફેંકતાંની સાથે જ ઇમારત ધ્વસ્ત થઈ જતી જોવા મળે છે. 

    ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે હાલ દેશનું એકેય શહેર એવું નથી જ્યાં તેમની સેના હાજર ન હોય. તમામ શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને હમાસના આતંકવાદીઓને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. IDFનાં મિશનો અંગે જાણકારી આપતાં સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ ગાઝા સરહદનાં શહેરો ખાલી કરવી રહ્યા છે તેમજ ઇઝરાયેલની ધરતી પર જે આતંકવાદીઓ ઘૂસી આવ્યા છે તેમનો સફાયો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ગાઝામાં સક્રિય હમાસના આતંકવાદી કેમ્પો પર હુમલા સતત ચાલુ છે. 

    ઉલ્લેખનીય છે કે શનિવારે (7 ઓક્ટોબર) ગાઝામાં સક્રિય ઇસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો અને એકસાથે 5 હજાર રોકેટ છોડ્યાં હતાં. જેમાં અમુક નાગરિકોનાં મોત થઈ ગયાં તો અનેક લોકોને ઈજા પહોંચી. બીજી તરફ, સરહદ પાર કરીને પણ અમુક આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા. 

    હમાસના હુમલા બાદ ઇઝરાયેલે યુદ્ધ જાહેર કરી દીધું અને ઑપરેશન લૉન્ચ કરીને હમાસના આતંકવાદીઓને ઠાર કરવાનું અને તેમના કેમ્પો પર એર સ્ટ્રાઈક કરવાનું શરૂ કરી દીધું હતું. આ કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે હજારોની સંખ્યામાં ઘાયલ છે. બીજી તરફ, કેટલાક જીવતા પણ પકડાયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં