ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નારણપુરામાં બનવા જઈ રહેલા ઓલમ્પિક સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમહુર્ત કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિત પ્રામાણિક, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ અને યુવા-રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમહુર્ત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આટલા વર્ષોથી આવડું મોટું મેદાન પડી રહ્યું પણ કોઈની નજર ન પડી. મેં મોદી સાહેબને કહ્યું અને તેમણે તરત પાંચસો કરોડ મંજૂર કર્યા અને હવે આપણું સ્વપ્ન સાકાર થશે. જે જગ્યા વર્ષો સુધી પડી રહી હતી ત્યાં હવે આપણા બાળકો અને યુવાનો રમશે.
ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આગામી 30 મહિનાની અંદર બનીને તૈયાર થઇ જશે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત કોમ્પલેક્સનું નામકરણ પણ તેના ઉદ્ઘાટન સમયે જ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારણપુરા ખાતે ₹632 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓલંમ્પિક સ્તરના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ… https://t.co/CQYCVArsdS
— Amit Shah (@AmitShah) May 29, 2022
રમતગમતનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, પહેલાં ગુજરાત બે બાબતોમાં પાછળ પડતું હતું. સેનાની ભરતીમાં ગુજરાતનો ક્વોટા ખાલી રહેતો તો રમતગમતમાં પણ આપણે પાછળ રહેતા હતા. આજે સેનાની ભરતી મામલે પણ ગુજરાત આગળ જઈ રહ્યું છે તો રમતગમતની બાબતમાં એક સમયે ગુજરાતનો ક્રમ 29મો હતો, જ્યાંથી રાજ્ય દસમા ક્રમે પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દસ વર્ષમાં ગુજરાત રમતગમતની બાબતમાં દેશમાં પહેલા નંબરે પહોંચે તેવા પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી રહ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું કે, બધા બાળકો રમે અને જેનામાં પ્રતિભા હોય તેમને મંચ મળે અને તેઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તેવા પ્રયાસો આપણે કરી રહ્યા છીએ.
આ સાથે ગૃહમંત્રીએ પોતાના ગાંધીનગર મતવિસ્તારમાં થયેલા કામો ગણાવતા કહ્યું કે, ત્રણ વર્ષમાં 8,613 કરોડના કામો થઇ ચૂક્યા છે અને 2024 સુધીમાં સૌથી વિકસિત મતવિસ્તારોની યાદીમાં ગાંધીનગરનો સમાવેશ થઇ જશે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે તેમ જણાવતા ગૃહમંત્રીએ ઉમેર્યું કે ઓલમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલો લાવતા થયા છે અને આગામી દસ વર્ષમાં ભારતીય ખેલાડીઓ 1 થી 5માં પહોંચે તે માટે પીએમ મોદી પ્રયાસો કરી રહ્યા છે.
અંતે ગૃહમંત્રીએ મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આઠ વર્ષમાં દેશને દુનિયાના નકશા પર આગળ લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. તેમના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને દુનિયામાં તેમણે ભારતનું સ્થાન આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે.