ગુજરાત રમખાણો મામલે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપેલી ક્લીન ચિટ મામલે સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફરી એક વખત ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે રમખાણોમાં સરકાર કે મુખ્યમંત્રીનો કોઈ હાથ ન હતો અને સરકારે રમખાણો રોકવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા. આ મામલે કોર્ટે અરજી પણ ફગાવી દીધી હતી. હવે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે મૌન તોડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આજે ANI સાથે વાતચીત કરતા ગોધરા કાંડ અને ત્યારબાદના ગુજરાત રમખાણો અંગે વાતો કરી હતી.
ઇન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહે ગોધરા કાંડ, ગુજરાત રમખાણોથી લઈને રાજ્ય સરકારે કાયદો-વ્યવસ્થા જાળવવા ઉઠાવેલાં પગલાં તેમજ ત્યારે મીડિયા અને વિપક્ષી પાર્ટીઓની ભૂમિકા અંગે વિસ્તારથી વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ભાજપ વિરોધી રાજકીય પાર્ટીઓ, વિચારધારાથી પ્રેરિત અમુક પત્રકારો અને કેટલાક NGOએ મળીને એટલો અપપ્રચાર કર્યો કે લોકો તેને જ સત્ય માનવા લાગ્યા.
પીએમ મોદી ઉપર આટલાં વર્ષો સુધી ગુજરાત રમખાણો મામલે આરોપો લાગતા રહ્યા અને તેઓ કંઈ પણ બોલ્યા વગર આ આરોપો સહન કરતા રહ્યા તે મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે, ‘મેં મોદીજીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે. 18-19 વર્ષની લડાઈ દરમિયાન તેઓ ભગવાન શંકરના વિષપાનની જેમ ગળે ઉતારીને દુઃખો સહન કરતા રહ્યા. આ બધું ખૂબ જ મજબૂત મનનો માણસ જ કરી શકે છે. પરંતુ આજે 20 વર્ષ પછી સત્ય સોનાના સૂરજની જેમ ચમકતું બહાર આવ્યું છે.
#WATCH | …Basic reason for the riots was Godhra train burning. 59 people, incl a 16-day-old child, were set on fire…No parade was done, it’s false. They were taken to Civil Hospital & bodies were taken by families to their homes in closed ambulances: HM on 2002 Gujarat riots. pic.twitter.com/PrFFrfVSCV
— ANI (@ANI) June 25, 2022
ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું કે, રમખાણોનું મૂળ કારણ ગોધરામાં ટ્રેન સળગાવવાનું હતું. માતાના ખોળામાં રહેલી 16 દિવસની બાળકીને પણ સળગાવી દીધી હતી. મેં ગોધરામાં પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યા છે. તે ટ્રેનમાં સળગતા લોકોના અંતિમ સંસ્કાર થતા પોતાની આંખે જોયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યા હતા. લોકોમાં શોક અને રોષ ફેલાયો હતો.
તેમણે કહ્યું કે, ગોધરામાં ટ્રેનમાં સળગી ગયેલા લોકોના મૃતદેહોની પરેડ કાઢવામાં આવી હતી જેવી બાબતો ષડ્યંત્ર છે અને ગોધરામાં ટ્રેન સળગાવી દેવાના કારણે તોફાનો થયા હતા. ગુજરાત રમખાણોનો કોઈ અધિકારીક ઇનપુટ ન હતો અને તે સમયે જવાબદાર તમામ લોકોએ બહુ સારું કામ કર્યું હતું.
#WATCH |Today SC said Zakia Jafri worked on someone else’s instructions. NGO signed affidavits of several victims&they didn’t even know. Everyone knows Teesta Setalvad’s NGO was doing this. When UPA Govt came to power at that time, it helped the NGO: HM Shah on 2002 Gujarat riots pic.twitter.com/wQ8yMwqxG7
— ANI (@ANI) June 25, 2022
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘ગુજરાતમાં ચોક્કસપણે ભાજપની સરકાર હતી, પરંતુ બાદમાં કેન્દ્રમાં સત્તા પર આવેલી યુપીએ સરકારે NGOને મદદ કરી. આ બધું કામ પીએમ નરેન્દ્ર મોદીની ઈમેજ ખરાબ કરવા માટે જ કરવામાં આવ્યું હતું. અમિત શાહે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતા હતા. શાહે કહ્યું કે કેટલીક એનજીઓએ ઘણા પીડિતોના એફિડેવિટ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેઓ જાણતા પણ ન હતા. અમિત શાહે કહ્યું કે બધા જાણે છે કે તિસ્તા સેતલવાડની એનજીઓ આ બધું કરતી હતી અને યુપીએ સરકારે તેમની એનજીઓને ઘણી મદદ કરી હતી.