રાજકોટમાં એક હિંદુ મહિલાએ મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેને શારીરિક-માનસિક ત્રાસ આપી ધર્માંતરણ માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. જે સંદર્ભે મહિલાએ મહિલા પોલીસ મથકે પતિ અવજીલ જસાણી અને અન્ય બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
ઑપઇન્ડિયા પાસે આ FIR નકલ ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યા અનુસાર, હિંદુ મહિલાનાં લગ્ન ગત 2015માં રાજકોટના જ અવજીલ જસાણી સાથે થયાં હતાં. બંનેએ પ્રેમલગ્ન કર્યાં હતાં અને ત્યારબાદ પુત્રીનો પણ જન્મ થયો હતો, જે હાલ સાડા પાંચ વર્ષની છે.
મહિલાએ જણાવ્યું કે, લગ્ન બાદ એકાદ અઠવાડિયા સુધી તેનું લગ્નજીવન સારું ચાલ્યું પરંતુ પછી તેની સાસુ મુમતાઝ જસાણી પતિ અવજીલને તેની વિરુદ્ધ ઉશ્કેરતી હતી અને મેણાંટોણાં મારી કરિયાવરમાં કંઈ નથી લાવી તેમ કહીને ત્રાસ આપતી હતી. તેણે પતિ ઉપર દારૂ પીને ગાળાગાળી કરવાનો અને માર મારવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ધર્મપરિવર્તન, નોનવેજ બનાવવા માટે દબાણ
હિંદુ મહિલા આગળ ફરિયાદમાં જણાવે છે કે, તેનો મુસ્લિમ પતિ તેને જમાતખાને જવા માટે દબાણ કરતો હતો અને જેને વશ થઈને તે એક-બે વખત ગઈ પણ હતી. પરંતુ તેને અંદર જવા દેતા ન હોવાના કારણે તેના પતિ સાથે ઝઘડા થતા હતા અને ત્યારબાદ તેનો પતિ અને સાસુ તેને ધર્માંતરણ કરી લેવા માટે દબાણ કરવા માંડ્યા હતા.
ઉપરાંત, મહિલા નોનવેજ ન ખાતી હોવા છતાં તેને નોનવેજ બનાવવાનું કહેવામાં આવતું તેમ પણ તેણે જણાવ્યું હતું. મહિલાએ એ પણ જણાવ્યું કે તેનો પતિ તેની સાથે સતત ઝઘડા કરીને મારી નાંખવાની ધમકી આપતો તેમજ તેની પુત્રી પર પણ હાથ ઉપાડી દેતો હતો.
પરિવારની મરજીથી વિરુદ્ધ લગ્ન કર્યાં હોવાના કારણે તે માતા-પિતાને પણ કહી શકતી ન હતી. આખરે પાંચ મહિના પહેલાં તે સાસરેથી ભાગી છૂટીને તેના ધર્મના ભાઈના ઘરે આવી ગઈ હતી, જ્યાં હાલ તે રહે છે.
મહિલાનું કહેવું છે કે તે હવે પતિ સાથે સમાધાન કરવા માંગતી નથી જેથી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ લખાવે છે.
ફરિયાદના આધારે રાજકોટ પોલીસે અવજીલ જસાણી, સાસુ મુમતાઝ જસાણી અને દિયર નવજીલ જસાણી સામે IPCની કલમ 498A (પતિ કે તેના સબંધીઓ દ્વારા ક્રૂરતા) અને 114 (દુષ્પ્રેરણા) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.