હિંદુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. જેના કારણે જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આજે દેહ ત્યાગ કર્યો હતો.
આજે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ જેમ-જેમ સમર્થકો અને શિષ્યોને જાણકારી મળી રહી છે તેમ તેઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આજે બપોર પછી તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. અંતિમ સંસ્કાર મઠ પર જ કરવામાં આવશે.
આચાર્ય ધર્મેન્દ્ર રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા. શહેરના દિલ્હી રોડ પર વિરાટનગરમાં તેમનો મઠ આવેલો છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદના માર્ગદર્શક રહ્યા હતા તેમજ રામમંદિર આંદોલનમાં પણ ઘણા સક્રિય રહ્યા હતા.
આચાર્ય ધર્મેન્દ્રએ પોતાનું આખું જીવન હિંદુત્વ અને રાષ્ટ્રની રક્ષા માટે ખપાવી દીધું હતું. તેમણે અનેક મોટાં આંદોલનો અને સત્યાગ્રહ કર્યા હતા. અનેક વખત જેલમાં પણ ગયા હતા અને મહિનાઓ સુધી રહ્યા હતા. તેમણે રામમંદિર ઉપરાંત, ગાયો સાથે જોડાયેલાં આંદોલનની પણ આગેવાની લીધી હતી.
વિશ્વ હિંદુ પરિષદના માર્ગદર્શક મંડળમાં રહીને અગત્યની ભૂમિકા ભજવનાર સ્વામી આચાર્ય ધર્મેન્દ્ર રામજન્મભૂમિ આંદોલનના મોટા ચહેરાઓ પૈકીના એક રહ્યા હતા. તેઓ રામમંદિર મુદ્દે બેબાકીથી પોતાનો પક્ષ રાખતા હતા. આ આંદોલનમાં તેમણે મોટું યોગદાન આપ્યું હતું.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અન્ય હિંદુ નેતાઓ અને ભાજપ નેતાઓ સાથે તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં તેમના સહિત તમામ લોકોને નિર્દોષ મુક્ત કર્યા હતા. નિર્ણય પહેલાં તેમણે કહ્યું હતું કે, સત્યથી શું ડરવાનું? જે કોઈ નિર્ણય આવશે એ મને મંજૂર હશે. ચુકાદા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, સત્યનો વિજય થયો છે.
વિશ્વ હિંદુ પરિષદના માર્ગદર્શક મંડળમાં રહ્યા હોવાના કારણે અને એક હિંદુહિતનાં આંદોલનોની આગેવાની કરવાના કારણે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સંપર્કમાં રહેતા હતા. ઉપરાંત, ભાજપના અન્ય પણ અનેક દિગ્ગ્જ નેતાઓ તેમના સંપર્કમાં રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ટેલિફોન મારફતે તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.
श्रीपंचखण्ड पीठाधीश्वर आचार्य एवं श्रीरामजन्म भूमि आन्दोलन के अग्रणी सन्त स्वामी धर्मेन्द्र महाराज जी का निधन अत्यधिक दुखद है; आज राजस्थान विधानसभा की ना पक्ष लॉबी में भाजपा विधायक दल की बैठक से पहले 2 मिनट का मौन रख उन्हें श्रद्धांजलि दी। pic.twitter.com/9vJ8e0fZ74
— Satish Poonia (@DrSatishPoonia) September 19, 2022
આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું નિધન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ તેમના અંતિમ દર્શને પહોંચી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ભવન ખાતે આયોજિત પક્ષની બેઠક અગાઉ 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.