ઇઝરાયેલ અને (Israel) હિઝબુલ્લાહ (Hezbollah) વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં સતત નવા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં હિઝબુલ્લાહ ચીફને ઉડાવી દીધા બાદ હવે ઇઝરાયેલે હિઝબુલ્લાહના અન્ય એક વરિષ્ઠ કમાન્ડરને ફૂંકી માર્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ઇઝરાયેલી સેનાની એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહનો કમાન્ડર નબીલ કૌક (Nabil Qaouk) માર્યો ગયો છે. શનિવારે (28 સપ્ટેમ્બર) IDFએ બૈરૂતમાં કરેલા હવાઈ હુમલામાં તેનું મોત થયું હોવાનું કહેવાય રહ્યું છે. ઇઝરાયેલી સેનાએ રવિવારે (29 સપ્ટેમ્બર) નબીલ કૌકના મોતની પુષ્ટિ પણ કરી છે.
IDF અનુસાર, નબીલ કૌક હિઝબુલ્લાહના પ્રિવેન્ટેટિવ સિક્યુરિટી યુનિટનો કમાન્ડર હતો અને આતંકી સંગઠનની સેન્ટ્રલ કાઉન્સિલનો વરિષ્ઠ સભ્ય પણ હતો. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે, તેને હિઝબુલ્લાહના શીર્ષ નેતૃત્વની નજીકનો માણસ માનવામાં આવી રહ્યો હતો અને તે તાજેતરના દિવસોમાં ઇઝરાયેલ અને તેના નાગરિકો વિરુદ્ધ આતંકી હુમલાઓને આગળ વધારવામાં સીધી રીતે સામેલ પણ હતો.
🔴ELIMINATED: The Commander of Hezbollah's Preventative Security Unit and a member of their Executive Council, Nabil Qaouk, was eliminated in a precise IDF strike.
— Israel Defense Forces (@IDF) September 29, 2024
Qaouk was close to Hezbollah's senior commanders and was directly engaged in terrorist attacks against the State of… pic.twitter.com/dcvKLRkMbf
ઇઝરાયેલી સેનાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આતંકી નબીલ કૌક 1980ના દશકમાં હિઝબુલ્લાહમાં સામેલ થયો હતો. આ સાથે જ તેણે ઓપરેશનલ કાઉન્સિલમાં દક્ષિણી ક્ષેત્રના કમાન્ડર અને ઓપરેશન કાઉન્સિલના ડેપ્યુટી કમાન્ડર તરીકે કામ કર્યું હતું. સેનાએ વધુમાં કહ્યું છે કે, IDF હિઝબુલ્લાહ આતંકી સંગઠનના કમાન્ડરો પર હુમલો કરવાનું અને તેને ખતમ કરવાનું સતત ચાલુ રાખશે અને ઇઝરાયેલી નાગરિકોને ધમકી આપનારા કોઈપણની વિરુદ્ધ આવી જ કાર્યવાહી હાથ ધરશે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર, રવિવારે IDFએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સેનાએ આખી રાત લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાં પર હુમલા કર્યા હતા. તેમાં ઇઝરાયેલને ટાર્ગેટ કરીને છોડવામાં આવેલા રોકેટ લૉન્ચર અને હિઝબુલ્લાહના હથિયારઘરોનો પણ સમાવેશ થાય છે. નોંધવા જેવું છે કે, તાજેતરના દિવસોમાં જ ઇઝરાયેલે આતંકી સંગઠન હિઝબુલ્લાહના અનેક કમાન્ડરોને ઠાર કર્યા હતા. તે પહેલાં પેજર એટેક અને વૉકીટૉકી બ્લાસ્ટ પણ ચર્ચાનો વિષય રહ્યા હતા.
નોંધનીય છે કે, ઇઝરાયેલની સેનાએ શુક્રવારના રોજ લેબનોનની રાજધાની બૈરુતમાં કરેલા હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ નસરલ્લાહ માર્યો ગયો હતો. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ (IDF) દ્વારા આ બાબતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. નસરલ્લાહના મોત બાદ મધ્ય-પૂર્વમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે તે પણ જાણવા મળ્યું હતું કે, નસરલ્લાહના મોત બાદ ઈરાનના સુપ્રીમ લીડરે પણ સુરક્ષિત સ્થળ શોધી લીધું હતું અને ત્યાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.