આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલના સુરક્ષા દળો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. IDF (ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ) સતત આતંકવાદીઓનો સફાયો કરી રહી છે અને હમાસના ટોચના કમાન્ડરોને ઠાર કરી રહી છે. આ જ ક્રમમાં હવે હમાસ કમાન્ડર આતંકી અયમાન નોફાલ માર્યો ગયો છે. તે ગાઝામાં હમાસનો સેન્ટ્રલ બ્રિગેડનો કમાન્ડર હતો.
મંગળવારે ઈઝરાયેલે કરેલી એરસ્ટ્રાઈકમાં હમાસનો સેન્ટ્રલ ગાઝા બ્રિગેડનો ચીફ માર્યો ગયો હતો. તે આતંકવાદી સંગઠનમાં ઊંચા પદ પર હતો. બીજી તરફ, ઈઝરાયેલના રક્ષામંત્રીએ આતંકવાદી સંગઠનના સભ્યોને ચેતવણી આપી છે કે તેઓ કાં તો આત્મસમર્પણ કરી દે અથવા તો મોત વહાલું કરે. હમાસ કમાન્ડર નોફાલ ઠાર મરાયો હોવાની માહિતી ઇઝરાયેલ સેના દ્વારા આપવામાં આવી હતી.
ઠાર મરાયેલો હમાસ કમાન્ડર અયમાન નોફાલ આતંકવાદી સંગઠનના જનરલ મિલેટ્રી કાઉન્સિલનો સભ્ય હતો. નોફાલે ઇઝરાયેલ અને તેના સુરક્ષાદળો પર અનેક હુમલાઓ કરાવ્યા હતા. કમાન્ડર બન્યો તે પહેલાં તે હથિયારો બનાવવાના કામ સાથે જોડાયેલો હતો. વર્ષ 2006માં IDFના સૈનિક ગિલાટના અપહરણમાં પણ તે સામેલ હતો. ઇઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર નોફાલ હમાસનો સહુથી એક્ટિવ આતંકી હતો અને તેને સેનાના ચીફ મોહમદ ડૈફ ખૂબ નજીકનો માનવામાં આવતો હતો.
We just eliminated Ayman Nofal, a senior Hamas operative.
— Israel Defense Forces (@IDF) October 17, 2023
Nofal was the Commander of Hamas’ Central Brigade in Gaza and the former Head of Military Intelligence.
Nofal directed many attacks against Israeli civilians and besides being one of the most dominant figures in the… pic.twitter.com/t686L6gSuN
હિઝબુલ્લાના 4 આતંકવાદીઓ પણ ઇઝરાયેલના હાથે ઠાર મરાયા
બીજી તરફ ઈઝરાયેલની ઉત્તરે લેબનાન સરહદે પણ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે. પહેલાં ઇઝરાયેલી સેનાએ જાણકારી આપ્યા બાદ હિઝબુલ્લાએ પણ પુષ્ટિ કરી. જોકે, આતંકી સંગઠને કહ્યું કે તેમના ચાર ‘ઓપરેટિવ’ ‘જેહાદ કરતા-કરતા’ મૃત્યુ પામ્યા છે.
સેનાએ જણાવ્યું કે, ચાર આતંકવાદીઓ લેબનાન સરહદેથી ઘૂસણખોરી કરીને ઈઝરાયેલના રહેણાંક વિસ્તારોમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. ડ્રોન ફૂટેજમાં દેખાય ગયા બાદ સેનાએ એક ઑપરેશન લૉન્ચ કરીને આતંકવાદીઓ કોઇ કાવતરું કરે તે પહેલાં જ ઠેકાણે પાડી દીધા હતા.
આ પહેલાં એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો હમાસનો આતંકવાદી બિલાલ
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસનો કમાન્ડર બિલાલ અલ-કેદરા માર્યો ગયો હતો. હમાસે ઇઝરાયેલનાં બે સરહદી ગામો નિરિમ અને નીર ઓજ પર આતંકવાદીઓએ હુમલા કર્યા હતા, તેની આગેવાની બિલાલે લીધી હતી. ઇઝરાયેલની વાયુ સેના (IAF)એ રવિવારે (15 ઓક્ટોબરે) કહ્યું કે, “ઈઝરાયેલ સુરક્ષા એજન્સી દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, હમાસના નુખબા યુનિટના દક્ષિણી ખાન યુનિસ બટાલિયનનો કમાન્ડર બિલાલ અલ-કેદરા ઇઝરાયેલી વાયુ સેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો છે. ઇઝરાયેલી એરફોર્સે એરસ્ટ્રાઈકનો એક વિડીયો પણ શૅર કર્યો હતો.
તે પહેલાં IDFએ હમાસ એરફોર્સના ચીફ અબુ મુરાદ અને ત્યારબાદ અન્ય એક કમાન્ડર અલી કાદીને ઠાર કર્યા હતા. આ બંને પણ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા.