ગત વર્ષે નવરાત્રિમાં ખેડામાં ચાલુ ગરબાએ મુસ્લિમ તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ખેડા પોલીસે જાહેરમાં આ ઈસમોને મેથીપાક આપ્યો હતો. આ મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં ચાલુ ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવનાર 4 પોલીસ કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટે અવમાનના હેઠળ દોષી ઠેરવ્યા છે. તેવામાં હવે ગુજરાત હાઈકોર્ટે ખેડામાં ગરબા પર પથ્થરમારો કરનાર તોફાનીઓને માર મારનાર 4 પોલીસકર્મીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે.
અહેવાલો અનુસાર ન્યાયાધીશ એ.એસ સુપેહિયા અને એમ.આર મેંડગેની સંયુક્ત બેન્ચે પોલીસકર્મીઓ વિરુદ્ધ સત્તાવાર આરોપો નક્કી કર્યા હતા. આ દરમિયાન એક પોલીસ કર્મચારી ડીબી કુમાવતે દલીલ આપી હતી કે ઘટનામાં તેમની કોઈ સક્રિય ભૂમિકા નહોતી. જેના પર જસ્ટીસ સુપેહિયાએ જણાવ્યું હતું કે, “યુવકોને જાહેરમાં કોરડા મારવામાં આવી રહ્યા હતા, તેનાથી તમારે તેમનું રક્ષણ કરવું જોઈતું હતું. જાહેરમાં આ રીતની સજા આપવી એ અપમાનજનક છે. તમે ભલે સક્રિય ભૂમિકા ન ભજવી હોય. પરંતુ તમે તેમને બચાવવામાં નિષ્ક્રિય રહ્યા છો.”
આ સમગ્ર મામલે હાઈકોર્ટે આ પોલીસ કર્મચારીઓને પોતાના બચાવમાં સોગંદનામું રજુ કરવા માટે 11 ઓકટોબર 2023 સુધીનો સમય આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ખેડા પોલીસના એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે મુસ્લિમ તોફાનીઓને જાહેરમાં માર મારવા બદલ આરોપો નક્કી કર્યા છે.
‘શાંતિ અને સુલેહ જાળવવા કાર્યવાહી જરૂરી હતી’: એસપીએ દાખલ કર્યું હતું સોગંદનામું
નોંધનીય છે કે ચાલુ ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવા મામલે ખેડાના જિલ્લા પોલીસ અધિક્ષકે સોગંદનામું દાખલ કર્યું હતું. તેમાં પોલીસે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવા આ પ્રકારની કાર્યવાહી જરૂરી હતી. નોંધનીય છે કે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કુમાર ગઢિયાએ નોંધ્યું હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો અને આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કરવામાં આવી હતી. તેના માટે જ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આરીફ અને ઝહીર સહિતના મુસ્લિમ ટોળાએ ખેલૈયાઓ પર પથ્થર વરસાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. આ બાબતે ડીએસપી ખેડાએ જણાવ્યું હતું કે ઉંધેલા ગામમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન આરિફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે તુરંત માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસે સઘન કાર્યવાહી આદરી હતી, જેમાં આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.