સુરેન્દ્રનગર જીલ્લાના માલવણ તાલુકાના સિદ્ધસર ગામના રામજી મંદિરમાંથી ગત સપ્તાહે ગામના જ રહેવાસી હિસ્ટ્રીશીટર મોહસિન ખાને ભગવાન રામ, લક્ષમણજી અને માતા જાનકીની આશરે 200 વર્ષ જૂની પંચધાતુની મૂર્તિઓ ચોરી લીધી હતી. પેઢીઓથી રામલલાની સેવા પૂજા કરતા મહંત માયારામ વૈષ્ણવને આ ઘટના બાદ જાણે વજ્રાઘાત થયો હોય તેમ તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો. આ મહંત બ્રહ્મલીન થયા છે. બીજી તરફ ઘટનાનો આરોપી મોહસિન ખાન હજુ પણ ફરાર છે.
ભગવાન રામની સેવામાં પોતાનું આખું આયખું વિતાવનાર વૃદ્ધ મહંતે મંદિરમાંથી ચોરાયેલ ભગવાનની મૂર્તિઓ પરત લાવવા અને આરોપી મોહસિન ખાનને સજા અપાવવા અન્નજળનો ત્યાગ કર્યો હતો. ત્યારે મંદિરમાં ચોરી થતા અન્નજળનો ત્યાગ કરનાર સિદ્ધસરના મહંત મયારામ વૈષ્ણવ રામ શરણ થતાં તેમના પરિવાર અને સ્થાનિક હિંદુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ, આટલી મોટી ઘટના ઘટ્યા પછી પણ આરોપી મોહસિન ખાન ફરાર હોવાથી પોલીસ માટે આ કેસ હવે પડકારરૂપ બની રહ્યો છે.
આ ઘટના બાદ ઑપઈન્ડિયાએ મહંતના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે તેમના નિવાસસ્થાને શોકસભા હતી. જોકે, તેમ છતાં તેમના પુત્ર વિષ્ણુભાઈએ વાતચીત કરીને સમગ્ર વિગતો જણાવી હતી.
મારા રામ નથી જમ્યા, હું અન્નનો એક દાણો નહિ લઉં કહી મહંત ઢળી પડ્યા
પિતા વિશે જણાવતા વિષ્ણુભાઈ ઑપઈન્ડિયાને જણાવે છે કે, “મારા પિતા મયારામભાઇ રામાનંદી વર્ષોથી આ મંદિરની પૂજા કરતા હતા. છેલ્લી ઘણી પેઢીઓથી અમારો પરિવાર આ મંદિરમાં પૂજા પાઠ કરતા આવ્યા છીએ. તેઓ આ ચોરીની ઘટના બાદ ઘણા વ્યથિત હતા. અમે ગ્રામજનો અને આગેવાનો સાથે મળીને પોલીસ ફરિયાદ કરવા ગયા, અને ફરિયાદ પણ લખાવી. જયારે અમે ફરિયાદ લખાવી પરત આવ્યા તો પિતાજીએ રામલલા પરત ન આવે અને આરોપીને સજા ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની જાહેરાત કરી દીધી. અડતાળીસ કલાક સુધી અન્નજળ ન લેવાના કારણે તેમના વૃદ્ધ શરીરે જવાબ આપી દીધો અને તબિયત લથડતાં તેમને સુરેન્દ્રનગર ખાતે દાખલ કરવામાં આવ્યા. તેમની બીમારી વધતા અમે તેમને જમાડવાનો અને પાણી પીવડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે રડમસ અવાજે કહ્યું હતું કે “મારા રામ નથી જમ્યા, તો હું કેવી રીતે અન્ન ગ્રહણ કરું?” મારા પિતા ભગવાનને ભોગ લગાવીને જ જમતા.” તેમના પુત્રે કહ્યું.
આટલું કહેતા વિષ્ણુભાઈ થોડા અસ્વસ્થ જણાયા, થોડીવારના મૌન પછી પોતાની વાત આગળ વધારતાં તેઓ કહે છે, “એમને પહેલાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પણ રામલલાની ચોરીનો આઘાત એટલો હતો કે તેઓ કોમામાં સરી પડ્યા. અમે તાત્કાલિક તેમને અમદાવાદની નિકોલ સ્થિત કોઠીયા હોસ્પિટલ લઇ ગયા. આ દરમિયાન અમને સમાચાર મળ્યા કે ભગવાનની મૂર્તિઓ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. બાપુજી કોમામા હતા તે છતાં અમે તેમના કાનમાં કહ્યું કે આપણા રામલલા મળી ગયા છે. અમને હતું કે આ સાંભળી તેઓ સ્વસ્થ થઈ જશે. પરંતુ તેમણે પહેલાં જ કહ્યું હતું કે આરોપીને સજા મળશે પછી જ હું અન્નજળ ગ્રહણ કરીશ. કદાચ એટલે જ તેઓ ભગવાન રામ માટે રામશરણ થયા.”
વિષ્ણુભાઈની આટલી વાતો પરથી સમજી શકાય છે કે તેમના પિતા અને તેમનો પરિવાર સિદ્ધસર ગામના રામજી મંદિર સાથે કેટલી ઊંડી લાગણીઓ સાથે જોડાયેલો છે. ઘરમાં શોકનો માહોલ અને સતત લૌકિક વ્યવહારે આવતા લોકોને ધ્યાનમાં રાખીને આટલી વાતચીત બાદ વિષ્ણુભાઈ સાથે અમે આ ચર્ચાનો અંત આણ્યો અને અમારી ટીમે આરોપી મોહસીન ખાન વિશે જાણવા તપાસ આદરી. જેના માટે અમારા સ્થાનિક સૂત્રો અને હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો.
મોહસિન ખાન એટલો માથાભારે કે સ્થાનિકો તેની સામે ફરિયાદ કરતા પણ ડરે છે
આ વિષય પર વાત કરતા સ્થાનિક હિંદુ સંગઠનના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા ચિંતન મહેતા ઑપઈન્ડિયાને જણાવે છે કે, “સુરેન્દ્રનગરના પાટડીના સિદ્ધસર ગામમાં આશરે દોઢસોથી બસો વર્ષ જૂની ભગવાન રામ, માતા સીતાજી અને લક્ષ્મણજીની પંચ ધાતુની મૂર્તિઓ હતી અને મયારામજી વૈષ્ણવ આ મંદિરમાં પેઢીગત પુજારી હતા.
આરોપી મોહસિન ખાન વિશે તેઓ જણાવે છે કે, તે જતવાડનો ખુબ જ કુખ્યાત આરોપી છે. ગામના જ કેટલાક તેના સાગરીતોની મદદથી તેણે રામજી મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સહિતની તમામ પૂજા સામગ્રીઓની ચોરી કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આરોપી 10 થી 12 જણાની ગેંગ ચલાવે છે. ખંડણી ઉઘરાવવી, ચોરી અને લૂંટ, ખેતરોમાંથી ઉભા મોલ લૂંટી લેવા, પંથકના ખેડૂતોને રંજાડવા અને ખાસ તો વાહનોની ચોરી કરવી તેમનું મુખ્ય કામ છે.”
આરોપી મોહસિન સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનોએ ઉગ્ર રજૂઆત કર્યા બાદ પોલીસને મૂર્તિઓ પરત મેળવવામાં સફળતા મળી હતી પરંતુ આરોપી હજુ હાથ લાગ્યો નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે, હવે આ આખો મામલો લાગણી અને આસ્થા સાથે જોડાઈ ગયો છે.
ઘટનાને લઈને 17 તારીખે સિદ્ધસર ખાતે યોજાશે સંત સંમેલન
જાણવા મળ્યા અનુસાર આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમાજ સહિત સંત સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને અગામી 17 તારીખે સિદ્ધસર ખાતે મહા સંત સંમેલન યોજવા જઈ રહ્યું છે. જેમાં પરિવારની આગેવાનીમાં હિંદુ સંગઠનો, અને સંત સમાજ દ્વારા ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે .આ સાથે જ આરોપીના કૃત્યના કારણે એક મહંતે જીવ ગુમાવતા તેના વિરુદ્ધ હત્યા સહિતના ગુના નોંધાય તેવી માંગ કરવામાં આવશે. જ્યાં સુધી આરોપી ઝડપાશે નહીં ત્યાં સુધી ભગવાનની મૂર્તિઓ સ્વીકારવામાં નહીં આવે અને વિરોધ ચાલુ રહેશે તેવું પણ સ્થાનિક હિંદુ સંગઠનોનું કહેવું છે.
આરોપી મોબાઈલ ન રાખતો હોવાથી ટ્રેસ કરવામાં મુશ્કેલી: પોલીસ સૂત્રો
ઘટનાની તપાસમાં પોલીસ ક્યાં સુધી પહોંચી તે જાણવા માટે સંપર્ક કરતાં સ્થાનિક પોલીસ સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, હાલ આરોપી પકડાયો નથી પરંતુ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.
આરોપી વિશે પોલીસ સૂત્રો જણાવે છે કે, તેની સામે અગાઉ ણ સાણંદ, ધ્રાંગધ્રા, માલવણ અને અન્ય અનેક જગ્યાઓ પર 13 થી 14 ગુનાઓ નોંધાયેલા હતા અને તમામ ગુનાઓમાં તે ફરાર ચાલી રહ્યો છે. સિદ્ધસરના રામમંદિરમાં ચોરી બાદ ઘટનાની ગંભીરતા જોતાં હાલ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે અને રોજ 150થી વધુ પોલીસનો કાફલો આ રીઢા ગુનેગારને શોધી રહ્યો છે.
આ ઉપરાંત, એ પણ જણાવવામાં આવ્યું કે આરોપી એટલો રીઢો છે કે તે પોતાની પાસે મોબાઈલ પણ રાખી રહ્યો નથી, જેના કારણે તેનું લોકેશન ટ્રેસ થઇ રહ્યું નથી. પરંતુ પોલીસ જલ્દીથી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
હાલ પોલીસ આખા વિસ્તારમાં સઘન તપાસ ચલાવી રહી છે, જેમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહંતના મૃત્યુ બાદ લોકોમાં વધુ રોષને જોતા હાલ સિદ્ધસર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.