Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણબિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપશે ભારત સરકાર: વડાપ્રધાન મોદીએ...

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપશે ભારત સરકાર: વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને આપી જાણકારી

    સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર કર્પૂરી ઠાકુર બિહારના ત્રીજા વ્યક્તિ છે. તેમના પહેલા બિહારના દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમજ જય પ્રકાશ નારાયણને આ સન્માન આપવામાં આવ્યું છે. કર્પૂરી ઠાકુરને નબળા અને પીડિત વર્ગના મસીહા માનવામાં આવતા હતા.

    - Advertisement -

    ભારત સરકાર દ્વારા 2 વાર બિહારના મુખ્યમંત્રી રહી ચુકેલા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને મરણોપરાંત આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જન્મ જયંતી છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર કર્પૂરી ઠાકુર બિહારના ત્રીજા વ્યક્તિ છે. તેમના પહેલા બિહારના દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમજ જય પ્રકાશ નારાયણને આ સન્માન આપવામાં આવ્યું છે. કર્પૂરી ઠાકુરને પછાત અને પીડિત વર્ગના મસીહા માનવામાં આવતા હતા.

    વડાપ્રધાન મોદીએ પોતે પોસ્ટ કરીને આપી માહિતી

    ઉલ્લેખનીય છે કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આપી હતી. પોતાના આધિકારિક X એકાઉન્ટ પર તેમણે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મને આ વાતની ખૂબ પ્રસન્નતા થઈ રહી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના મહાન જનનાયક કર્પૂરી ઠાકુરજીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તેમની જન્મ-શતાબ્દીના અવસર પર આ નિર્ણય દેશવાસીઓને ગૌરવ અપાવનાર છે. દુર્બળ અને પછાત લોકોના ઉત્થાન માટે કર્પૂરીજીની અતુટ પ્રતિબદ્ધતા અને દૂરદર્શી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજનૈતિક પરિદ્રશ્ય પર અમીટ છાપ છોડી છે. આ ભારત રત્ન માત્ર તેમના અતુલનીય યોગદાનનું વિનમ્ર સન્માન જ નથી, પરંતુ તેનાથી સમાજમાં સમરસતા વધશે.”

    - Advertisement -

    બીજી તરફ ભારત સરકારના આ નિર્ણયથી કર્પૂરી ઠાકુરના દીકરા રામનાથ ઠાકુર પણ ખૂબ ખુશ છે. તેમણે કહ્યું હતું કે, “હું સરકારના આ નિર્ણયથી ખૂબ ખુશ છું. સરકારે આ નિર્ણય લીધો તે માટે હું બિહારના 15 કરોડ લોકો વતી તેમનો આભાર માનું છું.”

    કોણ હતા કર્પૂરી ઠાકુર?

    કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજીયા ગામમાં થયો હતો. વર્ષ 1940માં તેમણે પટનાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. પાસ થયા બાદ તરત જ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. 1942માં તેઓ અસહયોગ આંદોલન સાથે પણ જોડાયા જેના કારણે તેમને જેલમાં રહેવાનો પણ વારો આવ્યો હતો.

    વર્ષ 1945માં જેલથી છૂટ્યા બાદ તેઓ સમાજવાદી આંદોલનનો ચહેરો બની ગયા. અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવવા સિવાય ઠાકુર સમાજમાં જાતિગત તેમજ સામાજિક ભેદભાવો દૂર કરવા માંગતા હતા, જેથી દલિતો તેમજ કચડાયેલો વર્ગને સન્માનજનક જીવન જીવન જીવવાનો અધિકાર મળે. તેઓએ 1952માં તાજપુરથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 1967ની ચૂંટણીમાં ઠાકુરની નેતૃત્વવાળી સંયુક્ત સોશિયલીસ્ટ પાર્ટીની જીત થઇ.

    આ તે સમય હતો જયારે બિહારમાં પ્રથમ વાર કોંગ્રેસ સિવાય કોઈ અન્ય પાર્ટીની સરકાર બની હોય. તે સમયે મહામાયા પ્રસાદ સિન્હા મુખ્યમંત્રી બન્યા હતા અને કર્પૂરી ઠાકુરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. થોડા જ સમય બાદ રાજકારણ પલટાયું અને કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. તેઓ 2 વાર બિહારના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં