Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોવા કોંગ્રેસમાં ભડકો: બહુમતી ધારાસભ્યો ભાજપ તરફ ઢળતાં સોનિયા ગાંધીએ તાબડતોડ વરિષ્ઠ...

    ગોવા કોંગ્રેસમાં ભડકો: બહુમતી ધારાસભ્યો ભાજપ તરફ ઢળતાં સોનિયા ગાંધીએ તાબડતોડ વરિષ્ઠ નેતાને ફાયરબ્રિગેડ બનાવીને મોકલ્યા

    કોંગ્રેસે પાર્ટીના નેતાઓ માઈકલ લોબો અને દિગંબર કામત પર સત્તાધારી ભાજપ સાથે મળીને કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્ર પછી હવે તેના પાડોશી રાજ્ય ગોવામાં રાજકીય હલચલ તેજ બની છે. ગોવા કોંગ્રેસના કુલ 11માંથી 6 ધારાસભ્યો બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતની આગેવાનીમાં ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. 

    કોંગ્રેસે પાર્ટીના નેતાઓ માઈકલ લોબો અને દિગંબર કામત પર સત્તાધારી ભાજપ સાથે મળીને કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે આખા દિવસના પોલિટિકલ ડ્રામા બાદ પાર્ટીના પ્રભારી દિનેશ ગુંડુ રાવે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કામત જૂથના માઈકલ લોબોને વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ પરથી હટાવવાની ઘોષણા કરી હતી. 

    રવિવારે સવારે પાર્ટીના ધારાસભ્યોના સંભવિત બળવા અંગે જાણ થતા દિનેશ ગુંડુ રાવે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. એક રિપોર્ટ અનુસાર, આ બેઠકેમાં 11માંથી 7 ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. બેઠકમાં હાજર ન રહેવા અંગે દિગંબર કામતે કહ્યું હતું કે, તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું, “મને ગઈકાલે રાત્રે દિનેશ ગુંડુ રાવે ફોન કર્યો હતો. મેં તેમને કહ્યું હતું કે હું હવે ‘રિટાયર્ડ હર્ટ’ થઇ ગયો છું અને વધુ જવાબદારી ઉપાડી શકીશ નહીં.”

    - Advertisement -

    બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત પાટકરે કોંગ્રેસમાં ભાગલા પાડવા માટે ભાજપને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે, “પાર્ટીમાં ભાગ પડી રહ્યા નથી. જો કોઈ આગળ થવું હોય તો તેમણે રાજીનામું આપવું પડશે અને ફરીથી ચૂંટણી લડવી પડશે.” ઉલ્લેખનીય છે કે પક્ષપલટાનો કાયદો ન લાગે તે માટે કોંગ્રેસના 11માંથી એકસાથે 8 ધારાસભ્યોએ ભાજપ કે અન્ય પાર્ટીમાં સામેલ થવું પડશે. 

    ગોવામાં આજથી (11 જુલાઈ 2022) વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે. તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારી કરવા માંડતા પાર્ટી હાઈકમાન્ડ પણ ચિંતામાં મૂકાયું હતું. ગોવામાં પાર્ટીની સ્થિતિ જોતાં ગઈકાલે મોડી રાત્રે પાર્ટીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ સાંસદ મુકુલ વાસનિકને ગોવા મોકલ્યા છે અને પરિસ્થિતિ સંભાળવા માટે કહ્યું છે. 

    અહીં નોંધવું જોઈએ કે ત્રણ વર્ષ પહેલાં પણ આવું જ  થયું હતું. ત્યારે ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા હતા. હવે ફરી એક્વાર પાર્ટી તૂટવાના અણસાર મળી રહ્યા છે. તે પણ એવા સમયે જ્યારે હાલમાં જ કોંગ્રેસ પાસેથી મહારાષ્ટ્રની સત્તા પર હાથમાંથી જતી રહી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બળવો કરતાં એકસાથે 39 શિવસેના ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું હતું અને ભાજપ સાથે મળીને નવી સરકાર રચી દીધી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં